Thu Nov 19 2026

Logo

61 ડિપોઝિટર્સ સાથે 1.69 કરોડની છેતરપિંડી: ક્રેડિટ સોસાયટીના ત્રણ ડિરેક્ટર સહિત છ સામે ગુનો દાખલ

2026-11-01 19:51:01
Author: Yogesh D. Patel
61 ડિપોઝિટર્સ સાથે 1.69 કરોડની છેતરપિંડી: ક્રેડિટ સોસાયટીના ત્રણ ડિરેક્ટર સહિત છ સામે ગુનો દાખલ

હિંગોલી: હિંગોલીમાં આકર્ષક વળતર તેમ જ વીમા કવચની લાલચે 61 જેટલા ડિપોઝિટર્સ સાથે 1.69 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર ક્રેડિટ સોસાયટીના ત્રણ ડિરેક્ટર સહિત છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વૈભવ ફતાલે અને તેના પરિવારજનોએ 14.25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વૈભવ ફતાલેએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે મોંઢા વિસ્તારમાં આવેલી હિંગોલી અર્બન નિધિ લિ.ના ત્રણ ડિરેક્ટર અને ત્રણ કર્મચારી વિરુદ્ધ હિંગોલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ આર્થિક ગુના શાખા કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ક્રેડિટ સોસાયટી દ્વારા ડિપોઝિટ પર 12 ટકા વળતર અને ત્રણ લાખ રૂપિયાના રોકાણ પર વીમા કવચની લાલચ આપવામાં આવી હતી. આથી અનેક લોકોએ મે, 2020થી માર્ચ, 2024 દરમિયાન રોકાણ કર્યું હતું.

જોકે થાપણોની મુદત પૂરી થયા બાદ કંપની ચુકવણી કરવામાં નિષ્ફળ ગઇ હતી અને ઓફિસને તાળાં મારવામાં આવ્યાં હતાં. દરમિયાન વૈભવ ફતાલે તથા અન્યોએ કો-ઓપરેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધ્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે 61 જેટલા ડિપોઝિટર્સ સાથે કુલ 1.69 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. 

આરોપીઓની ઓળખ હિંગોલી અર્બન નિધિ લિ. ના ડિરેક્ટર જયેશ ખરગુલે, સંતોષ ધુદકેકર અને રોહિન ખાગુલે તથા કર્મચારીઓ નિેશ અનેકર, મોનાલી આંબેકર તથા અજિંક્ય ખરગુલે તરીકે થઇ હતી. (પીટીઆઇ)