Sun Aug 23 2026

Logo

મુલુંડમાં ફૂટપાથ પરની ગેરકાયદે દુકાનો અને ફેરિયાઓ સામે બીએમસી એક્શન મોડમાં

2026-08-11 20:23:16
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ પૉલિસી’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત મુંબઈની ફૂટપાથને અતિક્રમણ મુક્ત કરી રાહદારીઓ માટે ચાલવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ‘ટી’ વોર્ડ દ્વારા મુલુંડમાં કાર્યવાહી કરીને આઠ દુકાનો, ૩૦ ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા.

મુંબઈ હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેે મુંબઈની તમામ ફૂટપાથને ગેરકાયદે ફેરિયા તથા અતિક્રમણથી મુક્ત કરવાની જાહેરાત કરી છે, તે માટે ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ પૉલિસી’ અમલમાં મૂકવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ફૂટપાથ પરથી ગેરકાયદે ફેરિયા અને અતિક્રમણને તાત્કાલિક હટાવવામાં આવી રહી છે.



મંગળવારે ‘ટી’ વોર્ડ દ્વારા મુલુંડ પશ્ર્ચિમમાં રામ રતન ત્રિવેદી રોડ, જવાહરલાલ નેહરુ રોડ, સેવારામ લાલવાણી રોડ, રતનજી હિરજી ભોગરાજ રોડ, ઝવેર રોડ અને ગણેશ ગાવડે રોડ તેમ જ મુલુંડ પૂર્વમાં લોકમાન્ય ટિળક રોડ અને નવઘર રોડ પરિસરમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ફૂટપાથ પર ઊભારવામાં આવેલી ૪૦ વરસાદથી બચવા માટેની છત, આઠ ગેરકાયદે દુકાનો, ૩૦ ફેરિયાઓને તે જ ફૂટપાથમાં અડચણ નિર્માણ કરનારા ગેરેજવે (વાહન માટેનો રસ્તો) ને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ જ ફૂટપાથ પર અવરોધ નિર્માણ કરનાર તમામ માલ-સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.



આ કાર્યવાહીમાં ૧૩ સબ એન્જિનિયર, સાત લાઈસન્સ ઈન્સ્પેકટર, ૬૬ કામગાર સહિત ૧૦ વાહન, પાંચ ડમ્પર, પાંચ જેસીબી સહિતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી.