Wed Aug 19 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ભાજપે 111 ઉમેદવારની બીજી યાદી જાહેર કરીઃ રૂપા ગાંગુલી સહિત અન્ય જાણીતા ચહેરા મેદાનમાં

2026-03-19 19:34:12
Author: Mumbai Samachar Team
Article Image

TMC સામે ટક્કર લેવા ભાજપે ફિલ્મ સ્ટાર્સ અને પૂર્વ IPS અધિકારીઓને આપી ટિકિટ; જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?

કૉલકાતાઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં રૂપા ગાંગુલી, નિશિથ અને પ્રિયંકા તિબરેવાલ જેવા જાણીતા ચહેરાનો સમાવેશ કરાયો છે. કુલ 111 નામ આ બીજી યાદીમાં છે. આ વખતે ભાજપે પૂર્વ આઈપીએસ ડૉ. રાજેશકુમાર અને પૂર્વ ટીએમસી નેતા તાપસ રોય સહિત કેટલાક ફિલ્મ સ્ટારને પણ ટિકિટ આપી દીધી છે. 

રોમાંચક રહેશે વિધાનસભાની ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈ જોરદાર હિલચાલ જોવા મળી રહી છે. આ બીજી યાદી જોઈને સ્પષ્ટ વર્તાય છે કે, વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ યાદીમાં માત્ર જાણીતા ચહેરા કે નેતાઓ જ નથી ફિલ્મસ્ટારના નામ પણ સામેલ છે. કેટલાક પૂર્વ સરકારી અધિકારી છે તો કોઈ બંગાળી સિનેમાના જાણીતા ચહેરા છે. ભાજપનો આ દાવ બંગાળમાં સત્તા પર આવવાનું મોટું પગલું મનાય રહ્યું છે. આ વખતેની યાદીમાં સૌથી વધુ ચર્ચા લોકસભાના પૂર્વ સાંસદ રહેલા રૂપા ગાંગુલીની છે. 

રણનીતિ તૈયાર છે

રૂપા ગાંગુલી સોનારપુર દક્ષિણમાંથી ચૂંટણી લડશે.પશ્ચિમ બંગાળની રાજનીતિમાં રૂપાને એક મોટો ચહેરો માનવામાં આવે છે. જ્યારે નિશિથ પ્રમાણિકને માથાભાંગા બેઠક પરથી ટિકિટ મળી છે. આ બન્ને જાણીતા ચહેરા ઊતારીને ભાજપે એક મેસેજ આપ્યો છે કે, તેઓ બંગાળના દરેક ખૂણમાં પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છે છે. હવે ટીએમસી સામે ટક્કર થવાની છે. 

ખાસ વાત એ છે કે, બીજી યાદીમાં ભાજપના જૂના નેતાઓ જ નથી. બીજી પાર્ટીમાંથી આવેલા નેતાને પણ અલગથી ટિકિટ મળી છે. તાપસ રોયને માનિકતલામાંથી ટિકિટ મલી છે. જ્યારે કૌસ્તવ બાગચીને બૈરકપુરમાંથી ટિકિટ મળી છે. આઈપીએસ અધિકારી તરીકે રહેલા ડૉ. રાજેશ કુમારને જગતદલ બેઠક પરથી ટિકિટ મળી છે. પાર્ટી હવે અનુભવી ખેલાડીઓની સાથે અભ્યાસુ અને મોટા ચહેરાને લઈ રણનીતિ બનાવી રહી છે. 

હવે ખરાખરીનો ખેલ

અભિનેતા પાપિયા અધિકારીને ટોલિગંજમાંથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પ્રિયંકા તિબરેવાલને એંટાલી વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. પ્રિયંકા હંમેશા પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહી છે. આ ચૂંટણીમાં આખાબોલા નેતાથી ભાજપ કોઈ પણ મોરચે લડી લેવા માગે છે. અર્જુનસિંહ નોઆપારાને ટિકિટ આપીને ભાજપ પોતના જૂના ગઢ પર જીત જાળવી રાખવા માગે છે. 

બીજી યાદી જાહેર થતા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પ્રાંતમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે, મોટા ચહેરા અને અધિકારીઓ શું પ્રજાનું દિલ જીતી શકશે ખરા? ટિકિટ મળ્યા બાદ હવે અસલી જંગ શરૂ થશે. જોરશોરથી પ્રચાર થતા હવે આક્ષેપબાજીઓ પણ જોવા મળશે.