Sun Jul 26 2026

Logo

TMCના બાગી નેતાઓને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા, આજે ધારણ કર્યો કેસરિયો

2026-07-10 09:24:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ રાજ્યસભાની પેટાચૂંટણીમાં પોતાના ત્રણ ઉમેદવારોની નામ જાહેર કરી દીધા છે. મહત્વની વાત એ છે કે, આમાં ટીએમસીના બાગી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે પશ્ચિમ બંગાળથી ટીએમસીમાંથી બગાવત કરીને આવેલા નેતા સુષ્મિતા દેવ, સુખેંદુ શેખર રોય અને પ્રકાશ ચિક બરાઈકને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. 

24 જુલાઈએ થશે મતદાન અને મતગણતરી 

પશ્ચિમ બંગાળમાં આ ત્રણ રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન અને મતગણતરી 24 જુલાઈએ થશે. પેટાચૂંટણી માટે જાહેરનામું 7 જુલાઈએ બહાર પાડવામાં આવશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 14 જુલાઈ છે, અને નામાંકન પત્રોની ચકાસણી 15 જુલાઈએ થશે. ભાજપના ઉમેદવારો ત્રણેય બેઠકો જીતે તેવી શક્યતા છે. વિધાનસભાની સંખ્યાની વાત કરીએ તો, ભાજપ પાસે હાલમાં 208 ધારાસભ્યો છે. ભાજપના ઉમેદવારને હરાવવા માટે વિપક્ષી ઉમેદવારને ઓછામાં ઓછા 70 મતોની જરૂર પડશે. તાજેતરની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી હતી. જોકે, આમાંથી 60 ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં એક અલગ જૂથ બનાવ્યું છે, જેના કારણે મમતા બેનર્જી પાસે ફક્ત 20 ધારાસભ્યો રહ્યા છે.

ટીએમસી હવે મમતાની મનમરજી પ્રમાણે ચાલે છે

આ ત્રણેય નેતા ટીએમસીમાંથી બગાવત કરીને ભાજપમાં આવ્યાં છે. ગયા મહિને ટીએમસીમાંથી રાજીનામું આપ્યાં બાદ આજે સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુખેંદુ શેખર રોયે 8 જૂન, સુષ્મિતા દેવે 10 જૂન અને પ્રકાશ ચિક બરાઈકે 11 જૂની ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ત્રણેય નેતાનો આરોપ એવો હતો કે, ટીએમસી પાર્ટી હવે મમતા બેનર્જીની મનમરજી પ્રમાણે ચાલે છે, જેથી તેઓ મમતા બેનર્જીથી નારાજ થયા અને પાર્ટી છોડી દીધી હતી. હવે કેસરિયા ધારણ કરી લીધો છે અને ભાજપે રાજ્યસભાની ટિકિટ પણ આપી દીધી છે. 

સામિક ભટ્ટાચાર્યે આ ત્રણેય નેતાનું પાર્ટીમાં સ્વાગત કર્યું

આજે આ ત્રણેય નેતાઓ પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્ય અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓની હાજરીમાં સાલ્ટ લેક ઓફિસમાં કેસરિયો ધારણ કર્યો છે. સામિક ભટ્ટાચાર્યે આ ત્રણેય નેતાનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને કહ્યું કે, હવે આ ત્રણ નેતાઓના રાજનીતિક અનુભવના કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપ વધારે મજબૂત થશે.