Wed Aug 19 2026

Logo

ભાજપની ચૂંટણી પંચને ફરિયાદ: મમતા બેનર્જી અને TMC નેતાઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ

2026-03-30 19:03:29
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભગવા પક્ષને મત ન આપે તે માટે મતદારોને ધમકાવી રહ્યા હોવાની ભાજપે સોમવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.ભાજપના પ્રતિનિધિમંડળ દ્વારા ચૂંટણી પંચ(ઇસી)ને સોંપવામાં આવેલી અરજીમાં પાર્ટીએ પંચને બેનર્જીને ચૂંટણી પ્રચારમાં ભાગ લેતા રોકવાની અને ટીએમસી નેતાઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવાની વિનંતી કરી હતી. 

આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય પ્રધાનો કિરેન રિજિજુ, પીયૂષ ગોયલ અને સુકાંત મજુમદાર, પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બાલુની અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહ સામેલ હતા. તેઓ અહીં ચૂંટણી પંચ કાર્યાલયમાં અધિકારીઓને મળ્યા હતા.ભાજપે સંવેદનશીલ અને અસુરક્ષિત વિસ્તારોમાં કેન્દ્રીય દળોની તહેનાતી વધારવાની પણ માંગ કરી હતી. તેમજ દાવો કર્યો કે પશ્ચિમ બંગાળ પોલીસ 'અસરહીન' થઇ ગઇ છે કારણ કે તેની શાસક ટીએમસી સાથે મિલીભગત છે. 

ભાજપએ કહ્યું હતું કે રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ હિંસા અને ધમકીના તમામ કૃત્યો સામે નિષ્પક્ષ અને નિર્ણાયક રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા માટે ઇસીઆઇએ વધુ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને નિરીક્ષક તરીકે તહેનાત કરવા જોઇએ. તેમજ ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે મતદાન અને ગણતરી પ્રક્રિયાઓ પર ઝીણવટભરી રાખવી જોઇએ.

ભાજપ દ્વારા અરજીમાં બેનર્જી અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા કથિત નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે આદર્શ આચારસંહિતા અને ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઇઓનું ઉલ્લંઘન હતું તેમ જ ચૂંટણી પંચને તેમના વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.