Sun Aug 30 2026

Logo

બિહારમાં નીતિશના પુત્રને મળ્યું ક્યું મહત્વનું ખાતું ? ગૃહ વિભાગ કોને મળ્યું ? બે નાયબ મુખ્યમંત્રીને ક્યાં ખાતાં ?

2026-05-08 10:34:00
Author: Savan Zalariya
બિહારમાં નીતિશના પુત્રને મળ્યું ક્યું મહત્વનું ખાતું ? ગૃહ વિભાગ કોને મળ્યું ? બે નાયબ મુખ્યમંત્રીને ક્યાં ખાતાં ?

પટના: નીતિશ કુમારના રાજીનામાં બાદ બિહારમાં સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળ નવી સરકાર બની છે, આ સરકાર બન્યાના 22 દિવસ બાદ કેબિનેટ વિભાગો ફાળવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ સામાન્ય વહીવટ, ગૃહ, કેબિનેટ સચિવાલય, તકેદારી અને નાગરિક ઉડ્ડયન સહિતના મુખ્ય વિભાગો જાળવી રાખ્યા છે, જે વિભાગો કોઈપણ પ્રધાનને ફાળવવામાં આવ્યા નથી તે વિભાગો પણ મુખ્યપ્રધાન હેઠળ રહેશે. પૂર્વ મુખ્યપ્રધાન નીતિશ કુમારના દીકરા નિશાંતને આરોગ્ય વિભાગ ફાળવવામાં આવ્યું છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં પટનાના ગાંધી મેદાનમાં કેબીનેટના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA) શાનદાર જીત બાદ પ્રથમવાર માંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. NDA ઘટક પક્ષો જનતા દળ (યુનાઇટેડ), ભારતીય જનતા પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના નેતાઓ વિભાગો ફાળવવામાં આવ્યા છે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન અને સંસદીય બાબતોનો વિભાગ ફાળવવામાં આવ્યું છે, જ્યારે નાયબ મુખ્યપ્રધાન બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણા વિભાગ ફાળવવામાં આવ્યું છે. બિહાર ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર સિંહાને કૃષિ વિભાગ ફાળવવામાં આવ્યો છે.

નવા મંત્રી મંડળમમાં જેડી(યુ)ના કુલ 15 નેતાઓનો સ્થાન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનની આગેવાની હેઠળના લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સંજય કુમાર સિંહ અને સંજય કુમાર પાસવાનને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) ના કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીનાં દીકરા સંતોષ કુમાર સુમન અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) ના ઉપેન્દ્ર કુશવાહાના દીકરા દીપક પ્રકાશને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.