Sun Jul 26 2026

Logo

બિહાર ભરત તિવારી એન્કાઉન્ટર કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો! પરંતુ તાત્કાલિક સુનાવણીનો ઇનકાર

2026-06-22 16:18:38
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ બિહાર અત્યારે એક એન્કાઉન્ટર કેસને લઈને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભોજપુર જિલ્લામાં ભરત ભૂષણ તિવારીનું એન્કાઉન્ટર થયું તે મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ કેસમાં સીબીઆઈ (CBI) દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ કેસમાં સત્વરે સુનાવણી શરૂ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસમાં તરત સુનાવણી કરવાની ના પાડી દીધી છે. આ કેસ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે, અનેક લોકો ભરત તિવારીને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટે તરત સુનાવણી કરવાની ના પાડી દીધી

મહત્વની વાત એ છે કે, આ કેસમાં તરત કાર્યવાહી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટે અત્યારે અરજદાર-વકીલ વિશાલ તિવારીને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો કે, આ કેસમાં તરત સુનાવણી કરવા માટે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીનો સંપર્ક કરવો જોઈએ. હવે જોવાનું એ રહે છે કે, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા આ મામલે પરવાનગી આપવામાં આવે છે કે કેમ? મોટા ભાગે આવા કેસમાં કોર્ટમાં સત્વરે સુનાવણી થવી અનિવાર્ય છે પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલા પ્રક્રિયાને અનુસરવા માટે અનુરોધ કર્યો છે.

આત્મસમર્પણ કર્યું તો પોલીસે કેમ ગોળી ચલાવી?

ભરત તિવારીનું બિહાર પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને અનેક લોકો હત્યા પણ ગણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, ભરત તિવારીએ હથિયાર હેઠા મૂકીને આત્મસમર્પણ કરી દીધું હતું, તો પછી બિહાર પોલીસ દ્વારા શા માટે ગોળીબાર કરવામાં આવ્યો? શું ભરત તિવારી કોઈ મોટા કેસની પોલ ખોલવાનો હતો કે પછી કોઈ બીજું કારણ હતું? આ એન્કાઉન્ટર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ભરત તિવારીના મોત મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તે માટે સીબીઆઈને તપાસ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જે પોલીસ કર્મચારીઓ દ્વારા ભરત તિવારીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેની સામે કાર્યવાહી કરીને સત્વરે એફઆઈઆર (FIR) દાખલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ભરત તિવારીનું મોત એક ફેક એન્કાઉન્ટર હોવાનો આક્ષેપ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, ભરત તિવારીનું મોત એક ફેક એન્કાઉન્ટર (Fake Encounter) અને આયોજનપૂર્વક કરવામાં આવેલી હત્યા છે. જેથી આ કેસમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ અરજીમાં દેશમાં કાયદાના શાસનને જાળવી રાખવા માટે એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. તેમાં વધુમાં એવી શરત મૂકવામાં આવી છે કે આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે. આ ગંભીર મામલાને જોતા બિહાર સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ન્યાયિક તપાસના આદેશ પણ આપી દીધા છે.