નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે શરુ થયેલા યુદ્ધના પગલે ભારતમાં એલપીજી ગેસના પુરવઠા પર અસર થવાની સંભાવના છે. જેના ભાગરુપે ઓઈલ કંપનીઓએ રાંધણ અને કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે ઓઈલ કંપનીઓ પુરવઠાને જાળવી રાખવા માટે ઘરેલુ ગેસ રિફિલ બુકિંગનો સમય 21 દિવસથી વધારીને 25 દિવસનો કર્યો છે. જેના લીધે એલપીજીની સંગ્રહાખોરી રોકી શકાય.
આંતરરાષ્ટ્રીય ક્રુડ બજાર અંગે ચિંતાઓ વધી
યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજાર અંગે ચિંતાઓ વધી છે. ઈરાને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ક્રુડ ઓઈલ સપ્લાય માર્ગોમાંનો એક છે. તેના પર કડક વલણ અપનાવ્યું છે. જો કે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું છે કે આ માર્ગ ફક્ત અમેરિકા, ઇઝરાયલ, યુરોપ અને તેમના પશ્ચિમી દેશોના જહાજો માટે બંધ રહેશે. આમ છતાં, વૈશ્વિક ક્રુડ ઓઈલ પુરવઠા અંગે અનિશ્ચિતતા યથાવત છે.
બેંગલુરુમાં મંગળવારથી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ શકે
આ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારથી તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ શકે છે. બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને જણાવ્યું હતું કે શહેરમાં કોમર્શિયલ ગેસ સપ્લાય કટોકટીને કારણે મંગળવારથી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ શકે છે. જેમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સપ્લાય અચાનક બંધ થઈ ગયા બાદ હોટેલ એસોસિએશને એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં કહ્યું છે કે જો કાલે સવારે કોમર્શિયલ એલપીજી સપ્લાય ઉપલબ્ધ નહીં થાય, તો બધી હોટલો બંધ કરી દેવામાં આવશે.