Sat Sep 12 2026

Logo

કચ્છની 500 વર્ષ જૂની કળાને વૈશ્વિક ઓળખ, કઈ ઓળખને મળ્યું GI ટેગ

2026-08-07 09:59:00
Author: Mumbai Samachar Team
કચ્છની 500 વર્ષ જૂની કળાને વૈશ્વિક ઓળખ, કઈ ઓળખને મળ્યું GI ટેગ

ભુજઃ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે ભુજ તાલુકાનું ક્રાફ્ટ વિલેજ ‘ભુજોડી’ તેની પાંચ સદી જૂની હાથવણાટની પરંપરાને કારણે પુનઃ ચમક્યું છે. કચ્છી ધાબળા અને શાલથી પ્રખ્યાત બનેલા આ ગામની કચ્છી શાલને ‘જીઆઈ ટેગ’ (જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન) પ્રાપ્ત થતાં તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મળી છે. 

અહીંના કારીગરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૦થી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવી ચૂક્યા છે. પરંપરાગત વણાટમાં આધુનિક ડિઝાઇન અને કુદરતી રંગોનો સમન્વય કરીને કારીગરોએ શાલ ઉપરાંત સાડી, સ્ટોલ, કુર્તા, ગાલીચા અને કાલા કોટનના વસ્ત્રો જેવા ઉત્પાદનો થકી આ કળાને સફળ ઉદ્યોગમાં ફેરવી છે. ભુજોડીના ૩૫૦થી વધુ વણકરો અને મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલાં છે.

સરકારી પ્રોત્સાહન અને મેળાઓને પ્રતાપે અમેરિકા, જાપાન, જર્મની અને ઇંગ્લેન્ડ સહિત ૧૮થી વધુ દેશોમાં કચ્છી વણાટકામની ભારે માંગ અને નિકાસ વધી છે. કચ્છ રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું ભુજોડી ગામ આજે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)