ભુજઃ કહેવાય છે કે ‘ઘર ફૂટે ઘર જાય’, આવી જ એક ઘટના ભુજમાં પ્રકાશમાં આવી છે. સુરતથી મામાને ઘરેણાં પોલીશના કામમાં મદદ કરવા આવેલા ભાણેજે જ વિશ્વાસઘાત કરી રૂા. ૨૭.૮૨ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી પલાયન થઈ ગયો હતો. જોકે, ભુજ બી-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગાંધીધામ રેલવે પોલીસની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
શું છે મામલો
મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ભુજના બાપા દયાળુનગરમાં રહેતા અમજદઅલી અલ્લારખા શેખ છેલ્લા દસ વર્ષથી તેમના બનેવી આબિદઅલી સાથે ધોબી શેરીમાં ઘરેણાં પોલીશ કરવાની દુકાન ચલાવે છે. બનેવીના પુત્રના લગ્ન હોવાથી તેઓ વતન ગયા હતા, જેથી કામના ભારણને પહોંચી વળવા અમજદઅલીએ સુરતમાં આ જ કામ કરતા પોતાના ભાણેજ બાદશાહઅલી ઇદ્રીશઅલી શેખને ભુજ બોલાવ્યો હતો.
ગત ૩૦મી માર્ચના રોજ એક કાયમી ગ્રાહકે આશરે ૧૯૭.૪૬ ગ્રામ વજનના સોનાના ચાર હાર, બે પાયલ અને પેન્ડલ પોલીશ કરવા માટે આપ્યા હતા. રાત્રે કામ પતાવી અમજદઅલી આ ઘરેણાં સુરક્ષાના હેતુથી ઘરે લઈ ગયા હતા અને તિજોરીમાં રાખ્યા હતા. જેની જાણ માત્ર ભાણેજ બાદશાહઅલીને જ હતી. બીજા દિવસે સવારે જ્યારે અમજદઅલી રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે બાદશાહઅલી ફોન પર વાત કરવાના બહાને ઘરની બહાર નીકળ્યો હતો. અમજદઅલી જ્યારે દુકાને જવા તૈયાર થયા અને તિજોરી તપાસી તો અંદરથી લાખોના દાગીના ગાયબ હતા. ભાણેજનો સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો, જેથી તુરંત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બી-ડિવિઝન પીઆઈ ડી.ડી. શિમ્પી અને પીએસઆઈ એચ.એમ. પટેલની સૂચનાથી સર્વેલન્સ ટીમના અરવિંદભાઈ વણકરે તુરંત ગાંધીધામ રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપી ટ્રેન પકડીને નાસી છૂટે તે પહેલાં જ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ મકવાણા, નરેન્દ્રસિંહ જાડેજા અને નાનુભાઈ કરમટાની ટીમે ગાંધીધામ રેલવે પોલીસના સહયોગથી બાદશાહઅલીને દબોચી લીધો હતો. તેની પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)