Sun Sep 06 2026

Logo

હમીરસરમાં મધરાતે ગેરકાયદે શિકાર: પ્રતિબંધ છતાં માછીમારીનો પર્દાફાશ થતા ચકચાર

2026-03-30 11:03:00
Author: Mumbai samachar Team
હમીરસરમાં મધરાતે ગેરકાયદે શિકાર: પ્રતિબંધ છતાં માછીમારીનો પર્દાફાશ થતા ચકચાર

ભુજઃ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવમાં મધરાતે ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા ફેલાવવામાં આવેલી જાળમાં ફસાઈ જવાથી અંદાજે ૧૫૦થી વધુ માછલીઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે તંત્ર અને સેવાભાવી યુવાનોની સતર્કતાથી ૪૦થી વધુ માછલીઓને બચાવી લેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત અડધી રાત્રિના આશરે ૩:૩૦ વાગ્યાના અરસામાં જાગૃત નાગરિકોને તળાવના પાણીમાં શંકાસ્પદ થર્મોકોલ બોક્સ અને બેગ તરતી જોવા મળી હતી. શરૂઆતમાં તે કચરો હોવાનું જણાતું હતું, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા બે મોટી ટ્યૂબની મદદથી કેટલાક અજાણ્યા ઈસમો માછીમારી કરી રહ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. જાગૃત નાગરિકોનો અવાજ કાને પડતા જ આ શખ્સો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળે જાળી ભરેલો પ્લાસ્ટિકનો થેલો મૂકીને ફરાર થઈ ગયા હતા. કોથળો ખોલી તપાસ કરતા તેમાંથી ૧૫ જેટલી માછલીઓ મળી આવી હતી, જેમાંથી ત્રણ માછલીઓ જીવિત હોતા તેમને તુરંત મુક્ત કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા વહેલી સવારે ફોરેસ્ટ માન્ય રેસ્ક્યૂઅર ટીમના રિશી ગોસ્વામી, ગોપાલભાઈ અને અન્ય સેવાભાવી યુવાનોએ તળાવમાં ઉતરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તળાવના પેટાળમાં મોટા પાયે જાળી બિછાવેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. પરિસ્થિતિ વણસતા ભુજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી તેજ કરી હતી. કલાકોની જહેમત બાદ તળાવમાંથી જાળીઓ બહાર કાઢવામાં આવી હતી, જેમાં કમનસીબે ૧૫૦થી વધુ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી. જોકે, ટીમની સમયસૂચકતાને કારણે જાળીમાં ફસાયેલી અન્ય ૪૦ જેટલી જીવિત માછલીઓને હેમખેમ છોડાવવામાં સફળતા મળી હતી.

હમીરસર તળાવ જેવા પવિત્ર અને જાહેર સ્થળે આ પ્રકારે ગેરકાયદે પ્રવૃત્તિ થતા ભુજના શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)