ભુજઃ ભુજ સ્થિત ભારતીય સૈન્ય મથકમાં ફરજ બજાવતા એક એન્જિનિયર સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો કિસ્સો બહાર આવતાં ચકચાર પ્રસરી છે. 'આર્મી ગ્રુપ ઇન્શ્યોરન્સ ફંડ' માંથી લોન અપાવવાની લાલચ આપી ગઠિયાએ એન્જિનિયરના ખાતામાં જમા થયેલી ૧૫.૫૦ લાખની રકમ ચાલાકીપૂર્વક અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભારતીય સૈન્યમાં એન્જિનિયર તરીકે કાર્યરત ઉમેશકુમાર પાલને તેમના સાથી મિત્ર લવકુશ અહીરવાર મારફતે સાગર ગુલેરિયા નામના શખ્સનો સંપર્ક થયો હતો. સાગરે પોતાની ઓળખ પણ આર્મી જવાન તરીકે આપી વિશ્વાસ કેળવ્યો હતો. તેણે એન્જિનિયર ઉમેશકુમારને આર્મી ગ્રુપ ઇન્શ્યોરન્સ ફંડ'માંથી લોન અપાવવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, ૧૫ લાખની લોન પર ૧૩ લાખ રૂપિયાની માતબર સબ્સિડી મળશે અને માત્ર ૨ લાખ રૂપિયા જ ભરવા પડશે.
સબ્સિડીની આકર્ષક લાલચમાં આવી ઉમેશકુમારે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક વિગતો સાગરને વોટ્સએપ પર મોકલી આપી હતી. ગત ૧૮ માર્ચના રોજ ઉમેશકુમારના ખાતામાં લોન પેટે ૧૬.૧૫ લાખ રૂપિયા જમા પણ થયા હતા. રકમ જમા થતા ઉમેશકુમારનો સાગર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.લોન જમા થયા બાદ ઠગ સાગરે નવી ચાલ ચાલી હતી.
તેણે એન્જિનિયરને ફોન કરીને જણાવ્યું કે, "આ લોનની રકમ અત્યારે આર્મી ગ્રુપ ઇન્શ્યોરન્સ ફંડ'ના ખાતામાં જમા કરાવવી પડશે, જે બાદમાં સબ્સિડી સાથે એકસાથે તમારા ખાતામાં પરત આવશે અને પછી જ તમે ઉપાડી શકશો." સાગરની વાતોમાં આવી ગયેલા ઉમેશકુમારે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન અલગ-અલગ ત્રણ બેંક ખાતાઓમાં કુલ ૧૫.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
અઠવાડિયું વીતવા છતાં નાણાં પરત ન આવતા ઉમેશકુમારે પૂછપરછ કરી હતી, પરંતુ સાગરે ગલ્લાતલ્લા કરવાના શરૂ કર્યા હતા. દરમિયાન સાથી મિત્ર અહીરવારે પણ સાગર ફ્રોડ હોવાની શંકા વ્યક્ત કરતા ઉમેશકુમારે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. હાલ ભુજ સાયબર ક્રાઈમ પોલીસે સાગર ગુલેરિયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)