Sun May 24 2026

Logo

ટ્વિશા શર્મા કેસમાં મોટો વળાંક, હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી AIIMSની ટીમ ફરી પોસ્ટમોર્ટમ કરશે

2026-05-24 11:23:00
Author: Vimal Prajapati
Article Image

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં બહુચર્ચિત ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા? તે રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે હવે કાનૂની અને તબીબી સ્તરે મોટી કાર્યવાહી શરૂ થઈ છે. ટ્વિશાના પરિવારજનોની માંગણી બાદ હાઈકોર્ટે બીજી વખત પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી છે, જેના પગલે ભોપાલમાં શનિવાર રાતથી જ તબીબોની ખાસ ટીમ કાર્યરત થઈ ગઈ છે.

દિલ્હી AIIMSના 4 સિનિયર ડોક્ટરોની ટીમ ભોપાલ પહોંચી

હાઈકોર્ટના કડક આદેશ બાદ નવી દિલ્હીની પ્રતિષ્ઠિત એઈમ્સ હોસ્પિટલના 4 વરિષ્ઠ ડોક્ટરોની વિશેષ ટીમ શનિવારે રાત્રે જ ભોપાલ આવી પહોંચી હતી. આ નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ આજે સવારથી જ ટ્વિશા શર્માના મૃતદેહનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ અગાઉ શુક્રવારે હાઈકોર્ટે સેકન્ડ પોસ્ટમોર્ટમ માટે લીલી ઝંડી આપી હતી.

પોસ્ટમોર્ટમ બાદ ભોપાલમાં જ અંતિમ સંસ્કાર કરાશે

ટ્વિશાના ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ દિલ્હીની ટીમ દ્વારા થનારા બીજા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્વિશાના અંતિમ સંસ્કાર ભોપાલમાં જ કરવામાં આવશે. ટ્વિશાના વકીલના જણાવ્યા પ્રમાણે આ વખતે પોસ્ટમોર્ટમમાં એવા ચોક્કસ મુદ્દાઓ અને શારીરિક ઈજાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે અગાઉ ચૂકી જવાયા હોવાની આશંકા છે. આ દરમિયાન ટ્વિશાના પિતાએ તટસ્થ તપાસની દિશામાં મદદ કરવા બદલ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવનો આભાર માન્યો હતો.

મર્ડર કે સુસાઈડ? ક્યાં અટવાયો છે કેસ?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગત 12 મેના રોજ ભોપાલના કટારા હિલ્સ ખાતે ટ્વિશા શર્મા તેના સાસરીયાના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. ટ્વિશાના પિયરપક્ષ અને તેના મિત્રો આને આત્મહત્યા માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યા છે. પરિવારનો સીધો આરોપ છે કે ટ્વિશાની તેના પતિ સમર્થ અને સાસુએ મળીને નિર્મમ હત્યા કરી છે. હાલમાં આ કેસમાં ટ્વિશાનો પતિ સમર્થ પોલીસ રિમાન્ડ હેઠળ છે.

ટ્વિશાના મોત બાદ સમર્થ 11 દિવસ સુધી ફરાર રહ્યો હતો. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ 11 દિવસ સુધી તે ફરાર રહ્યો તે દરમિયાન સમર્થને કોણે આશ્રય આપ્યો હતો અને કોણ સમર્થને બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું હતું. આ તમામ મામલે હવે નવા ખુલાસાઓ થવાની શક્યતા લાગી રહી છે.