Fri May 01 2026

Logo

પડોશણને ‘મા’ કહેનારી દત્તક પુત્રી સાથે મહિલાએ અમાનુષી અત્યાચાર કર્યો...

2026-03-07 21:06:21
Author: Yogesh C Patel
Article Image

નિર્વસ્ત્ર કરીને બાળકીની મારપીટ પછી તેના મોં અને આંખમાં મરચાંની ભૂકી નાખી

થાણે: પડોશણને ‘મા’ કહીને બોલાવનારી ત્રણ વર્ષની દત્તક પુત્રી સાથે મહિલાએ અમાનુષી અત્યાચાર કર્યો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. નિર્વસ્ત્રી કરીને બાળકીની મારપીટ પછી તેના મોં-આંખમાં ગંદકી અને મરચાંની ભૂકી ભરવામાં આવી હતી. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી.કહેવાય છે કે મહિલા તેની દત્તક પુત્રી પર અત્યાચાર ગુજારતી હતી ત્યારે તેનું એક વ્યક્તિએ વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ઘટના પ્રકાશમાં આવી હતી.

ભિવંડીમાં બનેલી આ ઘટનાના વીડિયોમાં મહિલા ત્રણ વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરતી, માથું દીવાલ સાથે અફાળતી અને પછી તેના મોં અને આંખમાં ગંદકી તેમ જ મરચાંની ભૂકી નાખતી દેખાય છે. વીડિયોને આધારે પોલીસે ઘટનાસ્થળ બાપગાંવ હોવાનું શોધી કાઢ્યું હતું.પડઘા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચી પોલીસની ટીમે બાળકીને છોડાવી હતી. તેને ચાઈલ્ડ કૅર સેન્ટરમાં રાખવામાં આવી છે અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકી પડોશમાં રહેતી મહિલાને માતા કહેતી હતી, જેનો મહિલાને ગુસ્સો હતો. વારંવાર સમજાવ્યા છતાં બાળકી ફરી પડોશણને માતા કહેતી હોવાથી મહિલાનું મગજ છટક્યું હતું. (પીટીઆઈ)