Sat Aug 29 2026

Logo

ભિવંડીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

2026-03-19 19:32:58
Author: Sapna Desai
ભિવંડીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: થાણે  જિલ્લાના ભિવંડીમાં ગુરુવારે સવારના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

ભિવંડી-નિઝામપુર પાલિકાના ફાયર ઓફિસર નીતિન ચવ્હાણે જણાવ્યું હતું કે ભિવંડીમાં કશેળી બ્રિજ બાજુમાં ચામુંડા કૉમ્પ્લેક્સમાં ફર્નિચરનાં ગોડાઉન આવેલાં છે. ગુરુવારે સવારના ૧૧.૩૦ વાગે ફર્નિચરના એક ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં લાકાડાનું ફર્નિચર હોવાથી આગ ઝડપભેર બાજુમાં આવેલા અન્ય ગોડાઉનમાં પણ લાગી હતી. 

આગ ભીષણ હોવાથી ભિવંડીની સાથે જ થાણે અને કલ્યાણથી પણ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. ગોડાઉનમાં અને તેની બહારના પરિસરમાં ફર્નિચર બનાવવા માટે વાપરવામાં આવતા  જ્વલનશીલ પર્દાથનો મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ ઝડપભેર ફેલાઈ હતી અને તેમાંથી  નીકળી રહેલા ધુમાડાને કારણે ફાયરબ્રિગેડને આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન પણ અવરોધ નિર્માણ થયો હતો.

આગ પર મોડેથી નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગમાં ત્રણથી ચાર ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં. આગમાં મોટા પ્રમાણમાં માલસામાનનું નુકસાન થયું હતું. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયુંં નહોતું. તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે એવું ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.