Fri May 01 2026

Logo

અલખનો ઓટલોઃ કવિશ્રી શ્રી ભાણસાહેબ-મૂળદાસજી ને મકરંદ દવેનો સંદેશ

2026-03-16 10:24:00
Author: ડૉ. નિરંજન રાજ્યગુરુ
Article Image

 

ડૉ. નિરંજન રાજ્યગુરુ

આવતી ચૈત્ર સુદી ત્રીજ એકવીસમી તારીખ શનિવારે રવિભાણ સંપ્રદાયના આદ્ય પુરુષ સંતકવિશ્રી ભાણસાહેબનો આજથી 271 વરસ પહેલાં લીધેલ જીવંત સમાધિનો દિવસ આવે છે. એમનો જન્મ વિ.સં 17પ4ના મહા સુદ 11, તા. 21- 01-1698ના  દિને વારાહી ગામના લોહાણા કુળમાં પિતા કલ્યાણજી ભગત અખાણીને ત્યાં માતા અંબાબાઈના કુખે કીનખિલોડ ગામે થયો હતો. પોતાની સંતમંડળી સાથે ભાણસાહેબ દ્વારકાધીશના દર્શન કરી યાત્રાએથી શેરખી પાછાં ફરતાં વિ.સં.1811 ચૈત્ર સુદી 3 ના દિવસે વિરમગામ પાસેના કમીજલા ગામે આવી પહોંચ્યા. 

તેમના શિષ્ય ભક્ત મેપા ભગત ભરવાડ ગાયો ચરાવીને પાછા આવે ત્યારે રામ રામ કહેજો તેવું મેઘાબાઈને કહીને ભાણ સાહેબે આગળ પ્રયાણ ર્ક્યું કમીજલા ગામ બહાર પૂર્વ દિશાએ આવેલા તળાવની પાળ પાસે સંત મંડળી પહોંચી, ત્યાં પાછળથી મેપાભગત ભરવાડનો સાદ સંભળાયો : ‘ગુરુદેવ ભાણસાહેબ થોભો. ઊભા રયો... રોકાઈ જાવ... હવે એક ડગલું ય આગળ વધો તો તમને રામદુહાઈ છે..’ ‘રામદુહાઈ’ શબ્દ સાંભળતાં જ ભાણસાહેબ થંભી ગયા. એ જ ક્ષણે સ્થિર થઈ ગયા. 

ભાવાવેશમાં દોડતા આવેલા મેપાભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે સદ્ગુરુ ભાણસાહેબે હસતાં હસતાં વેણ કાઢયાં : ‘મેપા હવે તો એક ડગલું ય આઘું-પાછું નૈં જવાય. તેં રામદુહાઈ દીધી. મારું આયખું પૂરું થયું. હવે આ જ ઠેકાણે સમાધ ગળાવો..’ રામદુહાઈની બેડી પગમાં પડી ગઈ. શ્રી રામના સોગંદનું એ વચન પાળવા ભાણસાહેબે ત્યાં જ સમાધિ ગળાવી. વિકમ સંવત 1811ના ચૈત્ર સુદી ત્રીજ અને ગુરુવા2 તા.16-03-17પપનો દિવસે બરોેબર સત્તાવન વર્ષના આયુષ્ય સાથે ભાણસાહેબે આ જગ્યા પર જીવતાં સમાધિ લઈ લીધી. ત્યારે ભાણસાહેબે ગાયેલું..

હંસો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, 
તમે પોરા પરમાણે જાગો, હંસો હાલવાને લાગ્યો રે.. 
- હંસો હાલવાને...0

નિત નિત નિત નવ કરો નયણે, સૂતાને સાહેબ આઘો ;
સુમરણ કરી લ્યો સાચા ધણીનું, તમે મોજ મુક્તાફળ માંગો ..
જાગ્યા સોઈ નર સંસારમાં સીધ્યા, જેણે ઉજેડી મેલ્યો આઘો ;
મારગ ધાયા તે બહુત સુખ પાયા, તેનો જરા મરણ ભે ભાંગ્યો..
 - હંસો હાલવાને...0

જરા પહોંચી ત્યારે જમડા આવ્યા, દેહડી તણો દલ ભાંગ્યો ;
કુડીએ આવી કાયાનો ગઢ ઘેર્યો, ત્યારે અંધો અરજવાને 
લાગ્યો .. 

કૂડી છે કાયા ને કૂડી છે માયા, જૂઠડો આ જગ જાણો
સાચો નામ સાહેબકો જાણો, ભણે લુહાણો ભાણો. ....
- હંસો હાલવાને...0

ભાણ સાહેબે ગાયેલું કે આ હંસલો આ આત્મા હવે પ્રયાણ કરવાનો છે, આ કાયારૂપી ગઢ હમણાં પડીને ભાંગી જવાનો છે. તમે સૌ જાગો-આ જાગવાની વેળા થઈ છે. સવારનો પહોર થયો છે. પોરા પ્રમાણે નહીં જાગો તો પછી પસ્તાવાનો વખત આવશે. સૂતા રહેશો તો સાહેબ આઘો જ રહેશે, માટે સાચા ધણીનું સ્મરણ કરી લ્યો. 

જે  જાગ્યા છે તે જ સિદ્ધ બની શક્યા છે, જેણે પોતાની અજ્ઞાન નિંદરાને હટાવીને સાચો રસ્તો પકડી લીધો તેને જરા-વૃદ્ધાવસ્થા કે મરણનો ભય નથી રહેતો. અવસ્થા આવશે ત્યારે આ દેહનું અભિમાન ભાંગીને ભૂક્કો થાશે, આ કાયાના ગઢને કાળ ઘેરી લેશે ત્યારે જમરાજાને અરજ કરશે પણ ત્યારે એના હાથમાંથી છૂટાશે નહીં.આ કાયા , આ માયા અને આ જગત તદ્દન જૂઠાં છે એમ જાણી લેજો, સાચું એક માત્ર સાહેબનું નામ છે .

મૃત્યુ દરેકને માટે અનિવાર્ય છે પણ આપણા કેટલાક સંત ભક્ત કવિઓ પોતાના જીવનની અંતિમ પળો સુધી જાગૃત રહીને સમસ્ત લોકસમુદાયને જીવતરનો મર્મ સમજાવતા રહ્યા છે. સંત કવિ મૂળદાસજીનો જન્મ વિ.સં.1711 ઈ.સ. 16પપ  કા2તક સુદ 11 સોમવારે થયેલો. એમના દ્વારા 106 વરસની ઉંમરે જૂની ગુજરાતીમાં 712 ચોપાઈમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગુજરાતી ભાષામાં  ચોપાઈબંધમાં ભાવાનુવાદ થયો. 

રચના સમય વિ.સં.1817 ઈ.સ.1761 આસો સુદ 11 ને સોમવારે. એ પછી તેઓ 18 વરસ જીવ્યા.. આ કૃતિની નકલ ત્રણ વરસ પછી મૂળદાસજીએ પોતે જ પોતાના સ્વહસ્તાક્ષરોમાં વિ.સં.1820 ઈ.સ.1764 અધિક અષાઢ માસની એકાદશી, બુધવારના દિવસે અમરેલીમાં કરેલી છે. જેની મૂળ હસ્તપ્રત મૂળદાસજીના અક્ષરોમાં મારી પાસે સચવાયેલી છે.  

વિ.સં. 183પ ઈ.સ.1779ના ચૈત્ર સુદી 9 રામ નવમીના દિવસે મૂળદાસજીએ 124 વર્ષની વયે અમરેલીમાં જીવતાં સમાધિ લેતી વેળા આખરી શીખામણ આપતું ભજન ગાયેલું. જાગજો નર ચેતજો, છેલ્લી સનંદનો પોકાર રે.. ભાઈ હરિ ભજનમાં ભરપૂર રહેજો, ભજનમાં તમે ભીના રહેજો, હરિ નામનો આધા2 રે... સત નામ તણો આધાર રે.. - જાગજો તમે ચેતજો નર ...0

મરમી કવિશ્રી મક2ન્દભાઈ દવેએ પોતાની વિદાય (તા.31-1-200પ)ના છ મહિના પહેલાં તા. 27-7-2004ના રોજ આ કાવ્ય લખેલું..
અબ બેલા આઈ જાવન કી, જાવન કી મન ભાવન કી,
અબ બેલા આઈ જાવન કી..
રાગ રાગિની ખૂબ બજાઈ, બહૂત લોગ કે વો મન ભાઈ,
અબ બેલા પ્રિયા રીઝાવન કી..
બહૂત નીંદ આતી હૈ ગહેરી, અપને વતન કી યાદ સુનેહરી,
અબ બેલા સેજ સજાવન કી..