Sat Sep 05 2026

Logo

સપ્ટેમ્બર મહિનામાં રજાઓની ભરમાર! આ સુંદર અને શાંત જગ્યાઓ પર પ્લાન કરો બજેટ ફ્રેન્ડલી ટ્રિપ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

2026-08-27 20:43:01
Author: Darshana Visaria
સપ્ટેમ્બર મહિનામાં રજાઓની ભરમાર! આ સુંદર અને શાંત જગ્યાઓ પર પ્લાન કરો બજેટ ફ્રેન્ડલી ટ્રિપ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

સપ્ટેમ્બર મહિનામાં આવતા લોંગ વીકેન્ડમાં જો તમે શહેરના ઘોંઘાટથી દૂર શાંતિ અને પ્રકૃતિના ખોળે રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો ભારતનાં આ સુંદર પ્રવાસન સ્થળો ઉત્તમ વિકલ્પ છે. સપ્ટેમ્બર મહિનામાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને ઈદ જેવા તહેવારો આવતા હોવાથી લાંબા વીકેન્ડ (Long Weekends)નો અદભુત સંયોગ રચાય છે.

જો તમે રોજિંદી દોડધામથી દૂર પ્રકૃતિના ખોળે શાંતિપૂર્ણ અને યાદગાર વેકેશન માણવા માંગતા હોવ, તો સપ્ટેમ્બર મહિનામાં ભારતના આ પ્રમુખ સ્થળોની મુલાકાત શ્રેષ્ઠ વિકલ્પ છે. ચોમાસાની વિદાય અને હળવી ઠંડીની શરૂઆતના આ સમયગાળામાં કેટલાક ખાસ ડેસ્ટિનેશન્સની મુલાકાત તમારા વીકેન્ડને યાદગાર બનાવી શકે છે, ચાલો જોઈએ કયા છે આ ફરવાલાયક સ્થળો જેની મુલાકાત તમારે ચોક્કસ જ લેવી જોઈએ...

ઉદયપુર (રાજસ્થાન): 
'સિટી ઓફ લેક્સ' તરીકે જાણીતા ઉદયપુરમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પછીનું વાતાવરણ અત્યંત ખુશનુમા હોય છે. પિછોલા તળાવમાં બોટિંગ, સિટી પેલેસની ભવ્યતા અને સજ્જનગઢ ફોર્ટથી સૂર્યાસ્તનો નજારો અહીંની શાંતિમાં વિશેષ વધારો કરે છે.

લદ્દાખ: 
સપ્ટેમ્બર મહિનો લદ્દાખની મુલાકાત માટે સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે, કારણ કે આ સમયે ભારે બરફવર્ષા શરૂ થઈ હોતી નથી અને રસ્તાઓ ખુલ્લા હોય છે. પેંગોંગ તળાવના ભૂરા પાણી, નુબ્રા વેલી અને શાંત બૌદ્ધ મોનેસ્ટ્રીઝ પ્રવાસીઓને આકર્ષે છે.

કૂર્ગ (કર્ણાટક): 
'ભારતના સ્કોટલેન્ડ' તરીકે પ્રખ્યાત કૂર્ગ સપ્ટેમ્બરમાં લીલીછમ ચાદર ઓઢી લે છે. કોફીના બગીચાઓ, એબ્બે ફોલ્સ અને ધુમ્મસભર્યા પહાડો વચ્ચે વીકેન્ડ વિતાવવો પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

વેલી ઓફ ફ્લાવર્સ (ઉત્તરાખંડ): 
સપ્ટેમ્બરની શરૂઆત એ ઉત્તરાખંડના આ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનો અંતિમ શ્રેષ્ઠ સમય છે. અહીં પહાડો પર ખીલેલા હજારો રંગબેરંગી ફૂલો અને સ્વચ્છ વાતાવરણ મનને અપાર શાંતિ આપે છે.

મુન્નાર (કેરળ): 
દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટ પર આવેલું મુન્નાર વરસાદ પછી અત્યંત આહલાદક બની જાય છે. ચાના બગીચાઓ, શાંત ઝરણાં અને વાદળોથી ઘેરાયેલા પહાડી રસ્તાઓ રોમેન્ટિક અને શાંત વીકેન્ડ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે.