Thu Apr 23 2026

Logo

કથા કોલાજ: ‘હું એક ખાનદાન ઘરની પુત્રવધૂ બનીને જીવવા માગતી હતી’

2026-04-23 08:49:00
Author: Kajal oza Vaidya
Article Image

 

 

 

-  કાજલ ઓઝા-વૈદ્ય

 

બેગમ અખ્તર

 

(ભાગ: 6)

 

નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)

સમય: 30 ઓક્ટોબર, 1974

સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ 

ઉંમર:  60 વર્ષ

 

અમદાવાદના કાર્યક્રમ માટે નીકળી ત્યારે જ મારા શૌહર અબ્બાસી સાહેબે મને રોકી હતી... બીજું કોઈ કારણ નહીં, ફક્ત મારી તબિયતની ચિંતા હતી એમને, પણ હું માની નહીં... આમ હું એમની દરેક વાત માનતી, એક ફરમા બરદાર બીવી હતી. અમે લગ્ન કર્યાં ત્યારે એવું નક્કી થયું હતું કે હું મહેફિલમાં નહીં ગાઉં. અમ્મીને આ વાત નહોતી ગમી, પણ સાથે જ અમ્મી જાણતાં હતાં કે, મારે માટે એક ઈજ્જતદાર ખાનદાનની દુલ્હન બનવું કેટલું મહત્ત્વનું હતું! સંગીત મારે માટે પ્રાણ સમાન હતું, પરંતુ એની સામે હું આખી જિંદગી મહેફિલ સજાવી નહીં શકું એ વાતની મને ખબર હતી. લખનઊની અનેક તવાયફોને મેં પાછલી ઉંમરે એડીઓ રગળતા જોઈ હતી. એમની પાસે શોહરત ભલે હોય, પણ ઈજ્જત માટેના એમના વલખા ક્યારેક દયા આવે એવા બની જતા.

હું એક ખાનદાન ઘરની પુત્રવધૂ બનીને જીવવા માગતી હતી અને એ માટે ‘કંઈ પણ છોડવા તૈયાર હતી’ એવામાં એક દિવસ મારી ગાડીને અકસ્માત થયો... સહુ ગભરાઈ ગયા એટલે નજીકમાં આવેલા અબ્બાસી ખાનદાનના ‘મતિન મંઝિલ’ નામના ઘરમાં મને લઈ જવામાં આવી. અબ્બાસી સાહેબ અમારા પુરાના કદરદાન હતા, પરંતુ એમના લખનઊના ઘેર જવાનો પ્રસંગ પહેલાં ક્યારેય બન્યો નહોતો. બહુ સ્વાભાવિક રીતે જ મને જનાનામાં કોઈ લઈ જતું નહીં, એટલે અહીં પણ મને દીવાનખાનામાં, મર્દાનામાં બેસાડવામાં આવી. પાણી, શરબત અને ડોક્ટર સુધીની વ્યવસ્થા થઈ ગઈ ત્યારે પહેલીવાર એમના પુત્ર ઈશ્તિયાક અહેમદ અબ્બાસી સાથે મારી ઓળખાણ થઈ. કાકોરીના જમીનદારનો દીકરો ઈંગ્લેન્ડ ભણીને આવ્યા હતા અહીં, લખનઊમાં એકલા રહેતા હતા એવી મને ત્યારે જ ખબર પડી. તમીઝ, તહેઝીબ અને ખાનદાની રહેનસહેનની સાથે સાથે એને વાંચન અને સંગીતનો પણ શોખ હતો. એમની પહેલી પત્ની મરી ગઈ હતી. શરીફ અને ખુશમિજાજ અબ્બાસી સાહેબના ઘરે અમે ખાસ્સો સમય વિતાવ્યો, પછી હું ઘરે જવા નીકળી ત્યારે એમણે પૂછ્યું, હવે ફરી ક્યારે અકસ્માત થશે?

હું હસી, મારે માટે કોઈ પુરુષનું મારા પર ફીદા થઈ જવું એ બહુ નવી કે નવાઈની વાત નહોતી, પરંતુ અબ્બાસી સાહેબે જે રીતે ઓળખાણ વધારી એ મારે માટે થોડું નવું હતું. એ કદી મારી મહેફિલોમાં આવતા નહીં બલ્કે, કોઈ ઓળખીતાને ત્યાં, કોમન મિત્રોને ત્યાં, દાવતનું આયોજન કરીને મને ત્યાં મળવાનો પ્રયત્ન કરતા. જ્યારે મળતા ત્યારે અમારી વચ્ચે ખૂબ વાતો થતી ને દરેક વખતે એ પૂછતા, ‘ફરી ક્યારે મળીશું?’ અબ્બાસી સાહેબને કારણે મારે એવી ઘણી સ્ત્રીઓ સાથે ઓળખાણ થઈ જેમના જનાનામાં હું જવા-આવવા લાગી. આ બધી સ્ત્રીઓ ધીરે ધીરે મારી મિત્રો બની અને જ્યારે અમારી વચ્ચે એક વાર લગ્નની વાત નીકળી ત્યારે મેં મારું સપનું, મારા જીવનના ધ્યેય વિશે એમને કહ્યું, હું કોઈ એક વ્યક્તિ સાથે લગ્ન કરીને ઠરીઠામ થવા માગું છું, તવાયફની જિંદગી વિતાવવા નથી માગતી એ વાત જાણ્યા પછી આ સ્ત્રીઓ અબ્બાસી સાહેબ સાથે મારા નિકાહનો પ્લાન બનાવવા લાગી. 1944માં અબ્બાસી સાહેબના એક પારિવારિક મિત્રને ત્યાં કાઝી બોલાવીને અમે ખાનગીમાં લગ્ન કરી લીધા. હું જાણતી હતી કે જો હું લગ્નની વાત અમ્મીને જણાવીશ તો એ કોઈને કોઈ રીતે મને સમજાવીને આ લગ્ન કરતા રોકશે. આ પહેલાં પણ એક-બે વાર આવું થઈ ચૂક્યું હતું એટલે આ વખતે હું કોઈ ચાન્સ લેવા નહોતી માગતી...

 

મારી અમ્મી કોઈ ખરાબ વ્યક્તિ, લુચ્ચી કે સ્વાર્થી મા નહોતી, પણ એને એવો સતત ભય હતો કે, મારી સાથે લગ્ન કરનાર વ્યક્તિને એક વાર હું મળી જઈશ પછી એ મારી ઈજ્જત નહીં કરે અને લગ્ન નહીં ટકે. એ ઉપરાંત એક તવાયફની સાથે લગ્ન કરીને થોડો વખતમાં મન ભરાઈ જાય તો એ ખાનદાની નવાબ કે જમીનદારને બીજી, ત્રીજી બીવી કરતા કોઈ રોકી શકે નહીં... ને પછી, ખાનદાની બીવી લઈ આવનાર જમીનદાર મારા જેવી તવાયફને ક્યાંક પાછળ કે જુદું મકાન આપીને ભૂલી જાય એ વાતે મારી અમ્મી બહુ ડરતી હતી. જે દિવસે અમ્મીને ખબર પડી કે મેં નિકાહ કરી લીધા છે એ દિવસે જરાય ઊહાપોહ કર્યા વગર મારી અમ્મીએ લગ્ન સ્વીકારી લીધા એટલું જ નહીં, અબ્બાસી સાહેબની શરત સામે અમ્મીએ ઉફ્ પણ ન કર્યું. એણે પૂરા આનંદથી મને મતિન મંઝિલ શિફ્ટ થવા દીધી. હું મારા સાઝો સામાન સાથે મતિન મંઝિલ શિફ્ટ થતી હતી ત્યારે અમ્મીએ પૂછ્યું, ‘તુમ્હે, તુમ્હે બાજા નહીં લે જાના?’ મેં હાર્મોનિયમ પણ ગાડીમાં મુકાવ્યું. મતિન મંઝિલ પહોંચીને જ્યારે મેં હાર્મોનિયમ ઉતરાવ્યું ત્યારે અબ્બાસી સાહેબે પૂછ્યું, ‘તો અબ ભી ગાઓગી?’

 

‘હા, આપકે લિયે.’ મેં કહ્યું. એ હસી પડ્યા, પણ મને ખબર હતી કે હવે મારે સંગીતથી દૂર થવાનું છે. મારા વિશે લખાયેલા ઘણા લેખોમાં એવું કહેવામાં આવ્યું કે, ઈજ્જતદાર બીવી બનવા માટે મેં મારી ઈચ્છા વિરુદ્ધ ગાવાનું છોડ્યું, પરંતુ આ સત્ય નથી. એ સમયે તવાયફોને પહેલા જેવી ઈજ્જત નહોતી મળતી. વળી, અંગ્રેજી હકૂમતની સામે તવાયફોને વેશ્યાની કેટેગરીમાં મૂકવામાં આવતી હતી. હું સંગીત નહીં સમજતા નવા નવા અમીર થયેલા લોકોના પૈસા સામે ઝૂકીને કોઈ વસ્તુ બનીને ખરીદવેચાણ થાય એને બદલે એક સારા ઘરમાં સારી દેવી બનીને ગોઠવાઈ ગઈ હતી. હું શિદ્દતથી અબ્બાસી સાહેબ સાથે નિકાહ કરવા માગતી હતી, અને એ માટે જે કરવું પડે એ કરવા મારી ઈચ્છાથી તૈયાર હતી. 

સાચું પૂછો તો, અબ્બાસી સાહેબે મને ક્યારેય કોઈ ચીજ માટે રોકી નથી. મારા પુરાના મિત્રો સાથેની મારી મહેફિલ, શરાબ પીવી, ક્યારેક સિગરેટનો દમ મારી લેવો કે મિત્રોની મહેફિલમાં ગાવા-બજાવા સામે એમને ક્યારેય વાંધો નહોતો. મેં જ્યારે જે ફેંસલા લીધા એમાં અબ્બાસી સાહેબ મારી સાથે જ રહ્યા. એમણે મને ઈજ્જત જ નહીં, ખૂબ પ્રેમ અને સ્વીકાર સાથે બીવી બનાવી ને જીવનભર નિભાવી. 

મેં પણ મતિન મંઝિલને મારું ઘર બનાવવાની બહુ કોશિશ કરી, પણ અહીંનું વાતાવરણ મારે માટે સહજ નહોતું. અબ્બાસી સાહેબની અમ્મી, એમના બીજા રિશ્તેદાર માટે હું ‘તવાયફ’ જ હતી. અમ્મી જ્યારે જ્યારે અહીંયા આવતા ત્યારે હું એમની સેવા કરવાનો પૂરો પ્રયાસ કરતી, પણ એમને મારી સાથે બેસવું ગમતું નહીં. આ મકાન અબ્બાસી સાહેબનું નહોતું. એમને એમની પ્રથમ પત્નીના પિતા તરફથી દહેજમાં મળ્યું હતું. એમની પહેલી બીવીના પિતા, અબ્બાસી સાહેબના ફુઆ હતા, એટલે અબ્બાસી સાહેબ પણ સંપૂર્ણપણે પોતાની ઈચ્છા મુજબ આ ઘરમાં જીવી શકે એમ નહોતા. 

હું જ્યારે જ્યારે ‘અખ્તર મંઝિલ’ જતી ત્યારે મારી પુરાની જિંદગી એક વાર આળસ મરડીને જાગી જતી. મારે મારા મિત્રોને અહીં જ બોલાવવા પડતા. અહીંથી હું સીધી બહાર જઈ શકતી. મારી ખુશદિલી જીવી શકતી... પણ, અખ્તર મંઝિલ રોજ જવું શક્ય નહોતું. મને ધીરે ધીરે સમજાવવા લાગ્યું હતું કે ઈજ્જતદારીની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. અબ્બાસી સાહેબ મારી મૂંઝવણ અને ગૂંચવણ બંને સમજતા હતા, એટલે એક દિવસ જ્યારે એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું, ‘હું એ જ અખ્તરને પ્રેમ કરું છું જે મને પહેલીવાર મળી હતી.  આવી દબાયેલી, બુઝાયેલી અખ્તર મને પણ પીડા આપે છે.’ 

 

એમની મંજૂરીથી મેં હેવલોક રોડ પર એક મકાન ખરીદ્યું. જે મારા શૌહરના નામે હતું. હવે અહીં મારા મિત્રોને બોલાવી શકતી. મને ફાવે ત્યારે બહાર જઈ શકતી. મને જે રીતે જીવવું હોય એ રીતે જીવી શકતી. સાચું પૂછો તો અબ્બાસી સાહેબ પોતે પણ અહીં મુક્તિ અને આઝાદીનો શ્વાસ લેતા હતા. જોકે, મારા નવા ઘરમાં હજી પણ જનાના-મર્દાના અલગ હતું જે, અબ્બાસી સાહેબની ઈચ્છા મુજબ ગોઠવવામાં આવ્યું. 1950ના દશકની શરૂઆતમાં મેં ગન્ડો બાંધીને બે સાગિર બનાવ્યા. શાંતિ હીરાનંદ અને અંજલિ બેનર્જી. સંગીત ગુરૂનું પદ પામીને મેં પુરુષોના વર્ચસ્વને તોડ્યું. હવે હું સ્વયં સંગીત ઉસ્તાદ બની શકી. શાંતિ અને અંજલિ લગભગ મારી સાથે જ રહેવા લાગ્યાં... મતિન મંઝિલમાં આ કદીય શક્ય ન બન્યું હોત. શાંતિએ (હું એને બિટ્ટન અથવા શન્નો કહેતી હતી) એના એક ઈન્ટરવ્યૂમાં અમારા મજાના સંબંધો વિશે લખ્યું છે, ‘અબ્બાસી સાહેબના ગયા પછી ઘરમાં વાજુ બહાર નીકળતું. અબ્બાસી સાહેબના નાસ્તા અને સવારના રૂટિનનો ખ્યાલ અમ્મી ખુદ રાખતી. અબ્બાસી સાહેબ નાસ્તો કર્યા વગર ઘરની બહાર નીકળે તો અમ્મી અપસેટ થઈ જતી. અબ્બુ કોઈવાર એમની સાથે નોકજોક કરે, ગુસ્સો કરે તો અમ્મીના ચહેરા પર સ્મિત રહેતું. એમણે અમ્મીને ઈજ્જતથી બેગમ બનાવી, એ વાત પર અમ્મી સર્વસ્વ કુરબાન કરી બેઠી હતી. બંનેમાં શાઈસ્તદી અને પ્રેમ હતો. અમ્મી ક્યારેક ગુસ્સે થતી ત્યારે અબ્બુ એને હસાવી નાખતા... સાચું પૂછો તો એમના લગ્ન એકબીજા માટે કુરબાન થઈ જવાની એક એવી રિલેશનશિપ હતી જેને વિશે લખવું કે સમજાવવું અઘરું છે.’  

 

(ક્રમશ:)