કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 4)
નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ
ઉંમર: 60 વર્ષ
આજના સમારંભમાં અમદાવાદના જાણીતા લોકોની ઉપસ્થિતિ હતી. હું ઘણા વખતે અમદાવાદ આવી હતી. આમ જુઓ તો ઘણા વખતે જાહેર સમારંભ થયો. હમણા મેં ગાવાનું ઓછું જ કરી નાખ્યું છે. તબિયત સાથ નથી આપતી. તબિયત નાસાઝ રહેવાને કારણે પૂરતો રિયાઝ પણ કરી શકતી નથી... ને રિયાઝ વગર મહેફિલમાં ગાવું મને ગમતું નથી. અમ્મી હતી ત્યાં સુધી એ કઠોર રિયાઝ કરાવતી. લગ્ન પછી ગાવાનું બંધ કર્યું ત્યારે પણ અમ્મી કહેતી, મહેફિલમાં ગાવાનું છોડ્યું એટલે સંગીત નથી છોડ્યું, એટલું યાદ રાખજે. રિયાઝ નહીં છોડતી...
હું નાની હતી ત્યારે આળસ કરતી કે ઉસ્તાદ આવે ત્યારે રિયાઝના ગલ્લા-તલ્લા કરતી ત્યારે અમ્મી કહેતી, ગાયકી ખેલ નથી. એને ઈબાદતની જેમ નિભાવવી પડે છે. પાંચ વખતની નમાઝ પઢીએ એવી રીતે બે વખતનો રિયાઝ છોડી ન શકાય... આજે અમ્મી નથી ને કોઈ મને રિયાઝ માટે ડાંટતું પણ નથી. સાચું કહું તો મારો અવાજ જેટલો મારો છે એટલો જ મારી અમ્મીનો પણ છે. અમ્મીના ગયા પછી જાણે મારા અવાજમાં રહેલી ઈબાદત છૂટી ગઈ હોય એવું મને લાગવા માંડ્યું છે... તો પણ હજી મહેફિલો સાવ છોડી નથી. અમદાવાદ આવવાનો નિર્ણય એટલે જ કર્યો કે ફરી એકવાર મહેફિલમાં મારી જાતને શોધી શકું...
થોડા વખતથી જવાબદારી પણ વધતી જાય છે. એ પણ મારા મનને બહુ બાંધી રાખે છે. અમ્મીના ઈન્તકાલથી તો હું બેહાલ હતી જ, પણ રિશ્તેદારો અને નોકરોની જવાબદારી પણ મારા પર આવી ગઈ. આમાંથી અમુક લોકોને મેં મારી સાથે રહેવા બોલાવી લીધા એમાં મારા પસંદીદા સ્ટોરીટેલર્સ હતા. એ લોકો મને વાર્તાઓ કહેતા, હું નાની હતી ત્યારે એ વાર્તાઓ સાંભળવાની મને જેટલી મજા આવતી એટલી જ મજા મને હંમેશાં આવતી રહી. મારી અંદર એક બાળક અને એક તોફાની યુવતી હંમેશાં જીવતાં રહ્યાં. ક્યારેક રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે આ ‘કિસ્સાગો’ મને ફરીથી નિંદ આવી જાય ત્યાં સુધી લાંબી વાર્તાઓ સંભળાવી શકતા હતા.
નવા આવેલા નોકરોમાં એક દાઈ પણ હતી જેણે મને અંગ્રેજી શિખવ્યું. મારી પહેલી શાગિર્દ અને આત્મકથાની લેખિકા શાન્તી હીરાનન્દે લખ્યું છે કે, એ ઔરત ખાસ્સી વ્યસ્ત રહેતી. કારણ કે દર નવ મહિનામાં બેગમ અખ્તરના કોઈ ને કોઈ સગાંને ત્યાં બાળક આવી જતું. આ વધી રહેલા કુટુંબકબિલાની પાલનહાર તો બેગમ જ હતી. આ કબિલામાં એક ડઝન જેટલાં બાળકો હતાં, જેમાં દીકરીઓ ઘણી હતી.
બેગમને એમનાં નિકાહ અને દહેજની ચિંતા સતત રહેતી. આ દીકરીઓના અને પરિવારનાં બાળકોના શિક્ષણ અને ઉછેર પાછળ ખાસ્સો ખર્ચ થતો જે એક હરફ પણ ઉચ્ચાર્યા વગર બેગમ અખ્તર ચૂકવી આપતાં. આવક ઘટવા લાગી હતી ને ખર્ચ વધવા લાગ્યા હતા એવી સ્થિતિમાં બેગમ બહુ તનાવમાં રહેવાં લાગ્યાં... પતિ અબ્બાસી સાહેબ બેરિસ્ટર હતા, પરંતુ એ બેગમના પૈસા ન લેતા એટલે લગ્ન પહેલાંના પરિવાર (પિયરિયા)ના નિભાવ ખર્ચ માટે સ્વમાની બેગમ પણ એમની મદદ ન લેતાં... આ તનાવ અને રાખ-રખાવના ખર્ચામાં એમને બે હાર્ટએટેક આવી ગયા.
તો, અમદાવાદના કાર્યક્રમમાં મેં જે ગઝલો ગાઈ એ બધી મારા સંગીત સાથેના ઈશ્કની એક એવી મીઠી યાદ હતી જે ફૈઝાબાદથી શરૂ થઈ ને લખનઊ પહોંચી... અમે મુંબઈ છોડ્યું પછી મારી માએ લખનઊમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો. લખનઊમાં ચૌક બજાર હતું, જેમાં મોટાભાગની તવાયફોના કોઠા અને રહેઠાણ હતા. સાંજ પડે જાણીતા, અજાણ્યા, કાયમી અને પહેલીવારના કદરદાનો ફિટન કે ટાંગામાં બેસીને આવી પહોંચતા. આમ તો અહીં રહેવું જ વધુ ફાયદામંદ પુરવાર થયું હોત, પરંતુ મારી અમ્મી દુરંદેશી હતી. એને સમજાતું હતું કે કોઠાને લોકો સારી નજરે જોતા નથી એટલે મુખ્ય બજારમાં બેસતી તવાયફની ઈજ્જત અને શોહરત પણ લિમિટેડ, અમુક માનસિકતા સાથે જોડાયેલી રહેવાની. એણે હઝરતગંજના કોર્નર પર એક મકાન લીધું.
મુંબઈથી મળેલી આવકનો યોગ્ય ઉપયોગ કરીને અંગ્રેજોના બનાવેલા નવા શહેર (લખનઊના આઉટ સ્કર્ટ્સ)માં ઊંચી હેસિયતના માતબર લોકો રહેતા હતા. ત્યાંની રહેન-સહેન પણ અંગ્રેજી અને તહેઝીબભરી હતી. કૈપર રોડ અને ક્વિન્ટન રોડ જ્યાં એકબીજાને મળતા હતા એ ખૂણામાં, નવા-નવા રઈસ બનેલા વ્યાપારીઓ અને અંગ્રેજી સાહેબોની મહેરબાનીથી જેમનો વ્યવસાય ચાલી પડ્યો હતો એવા લોકોની વચ્ચે મારી માએ મકાન ખરીદ્યું. મકાનનું નામ આપ્યું ‘અખ્તર મંઝિલ’.
આ મકાનની બંને તરફ અવધના બે મોટા તાલુકેદારની હવેલીઓ હતી. મકાનની બિલકુલ સામે લાલ ઈંટની બનેલી ઊંચા ટાવર ધરાવતી ઝહુરબક્સ ચર્ચની ઈમારત હતી. આ ચર્ચને ‘એપિફેની’ના નામથી પણ ઓળખવામાં આવતું હતું. આ મકાનથી થોડેક દૂર વાજીદઅલી શાહનો પ્રિય ‘કૈસર બાગ’ હતો. અદાલત અને મેરિસ કોલેજ ઓફ મ્યુઝિક (જે પહેલાં વાજીદઅલી શાહનું પરીખાનું-હેરમ કહેવાતું) અમારા ઘરથી ચાલીને જઈ શકાય એટલે દૂર હતું. ત્યારે એ વિસ્તાર વિકસી રહ્યો હતો. નવા લખનઊના સામાજિક અને સાંસ્કૃતિક જીવનના આકર્ષણનું કેન્દ્રબિંદુ બની શકે એવું ‘અખ્તર મંઝિલ’ ત્યાં ઊભું હતું.
ચૌકમાં તો આવતા-જતા તમામ લોકો પર નજર રહેતી. નાનકડી ઘટના પણ અફસાનાની જેમ દરેક કોઠા પર ચર્ચાવા લાગતી, પરંતુ આ નવા મકાનને ચૌકની બદનામીથી દૂર રાખવાનો નિર્ણય સાચે જ સરાહનીય હતો. મારી માને મારી કલામાં અને મારા અવાજમાં કેવો ભરોસો હશે, કે એણે આટલા મોટા સરમાયાનું સાહસ કર્યું. 1938માં મકાન પૂરું થયું ત્યારે જૂના લખનઊથી લોકો ખાસ આ મકાનને જોવા આવતા. ત્રિકોણ આકારનું, બગીચા કે ચૌક વગરનું આ મકાન ચૌકમાં આવેલા કોઠાની જેમ જ સીધું સડક પર ઊભું હતું. સડક પરથી પસાર થનારા લોકોને પહેલા માળે હરફર કરતી ઔરતોની ઝલક દેખાઈ જતી.
મુખ્ય દરવાજાની બંને તરફ નાનકડી સફેદ મિનાર બનાવવામાં આવી હતી. જેના પર ચિનાઈ માટીનાં વાસણોના ટુકડા અને બંગડીના ટુકડા જડીને એને ચમકદાર બનાવવામાં આવી હતી. દરવાજાની ઉપર એક કોતરણીવાળો પથ્થરનો ઝરોખો હતો. જે ચિલમનથી ઢાંકવામાં આવ્યો હતો. મુશ્તરીબાઈ, જેને સહુ ‘બડે સાહબ’ કહેતા હતા એ રોજ સાંજે ઝરોખામાં હુક્કો લઈને બેસતી. મુખ્ય દરવાજેથી પ્રવેશ કરનાર દરેક માણસે મારી અમ્મીને સલામ કરીને જ પ્રવેશવું પડે એવી વ્યવસ્થા અમ્મીએ ગોઠવી હતી.
લખનઊના સંભ્રાંત પુરુષ સમાજમાં ‘અખ્તરી મંઝિલ’ની સુવાસ પહોંચતા વાર ન લાગી. શહેરમાં બીજી પણ કલાવંત અને લોકપ્રિય તવાયફો હતી, પરંતુ મારી અમ્મીએ જે રીતે મારે વિશે વાતો અને પ્રશંસા ફેલાવવાના શરૂ કર્યા એ પછી અમારે ત્યાં બેઠક ભરાઈ જતા વાર ન લાગતી. અમ્મીએ નક્કી કર્યું હતું કે અમારા બેઠકના (ડ્રોઈંગરૂમ પ્રકારનો ઓરડો જ્યાં મહેફિલ સજાવવામાં આવે છે) ઓરડામાં ગણતરીની સીટ જ રાખવી. ગાદી-તકિયા અને બેસવાની અમુક રજવાડી ખુરશીઓથી વધારે એ ઓરડામાં કોઈને બેસવાની છૂટ મળતી નહીં.
મારી મા પાસે ઠોસ સોનાનું પાનદાન હતું. એમાં મોતીના ચૂરાનો પુટ લગાવીને મારી અમ્મી જાતે પાન બનાવતી. એ પાનનું બીડું હાથમાં પકડતા પહેલાં ખાનદાની નવાબો, તહેસિલદારો અને એમના વાદે મહેફિલોમાં આવતા અંગ્રેજી સાહેબો પણ કંઈ ને કંઈ ભેટ કે નવાજેશ કરવાનું ચૂકતા નહીં... મારી અમ્મીએ જ નક્કી કર્યું હતું કે હું નૃત્ય નહીં કરું, એટલે હું ફક્ત બેસીને ગાતી, પરંતુ નૃત્ય માટે એમણે ફૈઝાબાદથી બીજી તવાયફોની યુવા, સુંદર અને કલાવંત દીકરીઓને બોલાવીને લખનઊમાં વસાવી હતી.
અમારે ત્યાં અંગ્રેજી શરાબ અને ઉત્તમ ભોજન પિરસવામાં આવતું. જે વખતે ખાસ અથવા અંગત બેઠક હોય (રિઝર્વ પ્રકારની) ત્યારે અનેક મહેમાનો નિરાશ થઈને પાછા ફરી જતા. પાછા ગયેલા મહેમાનો એમના અહંકાર કે પ્રતિષ્ઠાને પુરવાર કરવા માટે પોતાની અંગત મહેફિલોનું આયોજન કરતા. આ બધામાં અમને ખૂબ પૈસા મળવા લાગ્યા.
જોકે, મારી માનો એક નિયમ હતો, ગમે તેટલા માનવંત કે અમીર મહેમાન જો એકવાર બેહૂદગી કે બદ્દતમીઝી કરે તો એમને અમારે ત્યાં ફરીથી પ્રવેશ ન મળતો. મહેમાન પાસે નફીસ વ્યવહારની અપેક્ષા રાખવામાં આવતી, એવી જ રીતે વધુ અમીર, મોંઘી ભેટસોગાદો કે રોકડ ભેટ આપનારને સ્વાભાવિક રીતે જ વધુ અટેન્શન, વધુ સન્માન મળતું. લખનઊના એ દિવસો મારી યુવાની, શોહરત, અમીરી અને જીવનના ઉત્તમ દિવસો હતા એમ કહું તો ખોટું નથી.
(ક્રમશ:)