ભુજઃ જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપીને ભોળા 'શોખીન' લોકોને શિકાર બનાવતી ઠગ ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ભચાઉમાં એક વાસણના વેપારીને વિશ્વાસમાં લઈ, અસલી એન્ટિક સિક્કાની આડમાં ખોટા સિક્કા પધરાવી બે અજાણ્યા શખ્સો રૂા. ૩૨ લાખની રોકડ રકમ પડાવીને રફુચક્કર થઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી વિગત મુજબ, ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેતા અને ઘંટી ચોકમાં ‘મહાવીર વાસણ’ નામની દુકાન ચલાવતા રોહિત વિનોદ શેઠ નામના વિન્ટેજ વસ્તુઓના કલેકટર યુવકે આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત તા. ૨૨ મેના રોજ તેમની દુકાને ૨૫થી ૪૦ વર્ષની વયના બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને એક જૂનો સિક્કો બતાવી તેની કિંમત પૂછી હતી. વેપારીએ સિક્કો સોની પાસે તપાસાવતા તે સોનાનો અને આશરે રૂા. ૧૪,૦૦૦ની કિંમતનો હોવાનું બહાર આવ્યું હતું.
વેપારીનો વિશ્વાસ જીત્યા બાદ ઠગોએ ફોન કરીને જણાવ્યું કે તેમની પાસે આવા ૨૭૦૦થી ૨૮૦૦ સિક્કા (આશરે ૨ કિલો ૭૦૦ ગ્રામ) છે, જેની બજાર કિંમત ૪૦થી ૪૫ લાખ રૂપિયા થાય છે. ઠગોએ આ આખો જથ્થો રૂા. ૩૨ લાખમાં આપી દેવાની લાલચ આપી હતી. સોદાબાજી વખતે વેપારીએ પોટલીમાંથી રેન્ડમલી ત્રણ સિક્કા કાઢીને ફરી સોની પાસે ચેક કરાવ્યા, જે સાચા નીકળ્યા હતા.
ત્રણ સિક્કા સાચા નીકળતાં વેપારીને પૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો અને તેમણે આરોપીઓને રૂા. ૩૨ લાખ રોકડા ચૂકવીને સિક્કાની પોટલી ખરીદી લીધી હતી. રૂપિયા મેળવ્યા બાદ બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાદમાં વેપારીએ ઘરે જઈને તમામ સિક્કાની બારીકાઈથી તપાસ કરાવી ત્યારે તે તમામ સિક્કા નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ભચાઉ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(ઉત્સવ વૈદ્ય)