Fri May 01 2026

Logo

ટીમ ઇન્ડિયા માટે BCCIનો ખાસ પ્લાન: આ તારીખે યોજાશે સન્માન સમારોહ

2026-03-11 14:33:25
Author: Mumbai Samachar Team
Article Image

છેલ્લા બે વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમે વૈશ્વિક ફલક પર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટી20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીત્યા બાદ હવે આ જીતનો જશ્ન મનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બીસીસીઆઈએ (BCCI) ભારતની તમામ વિજેતા ટીમોના સન્માન માટે એક ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં માત્ર પુરુષ ટીમ જ નહીં, પરંતુ છેલ્લા બે વર્ષમાં આઈસીસીના વિવિધ ખિતાબ જીતનારી મહિલા અને અંડર-19 ટીમોનું પણ ગૌરવગાન કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્લાન મુજબ, આગામી 15 માર્ચના રોજ દિલ્હીમાં એક મોટો સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ટી20 વર્લ્ડ કપ 2026ના વિજેતાઓ ઉપરાંત, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનારી ટીમ, વનડે વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમ અને અંડર-19 વર્લ્ડ કપ જીતનારી મહિલા-પુરુષ ટીમોના ખેલાડીઓ હાજર રહેશે. બીસીસીઆઈના સચિવ દેવાજીત સૈકિયાએ આ સમારોહની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ એવોર્ડ શોમાં ટીમના કોચ અને સપોર્ટ સ્ટાફને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે.

IPL 2026 નું કાઉન્ટડાઉન શરૂ: 12 માર્ચે શિડ્યુલ જાહેર થશે

ક્રિકેટ પ્રેમીઓ માટે ડબલ ખુશીના સમાચાર એ છે કે આ મહિનાના અંતમાં આઈપીએલની નવી સીઝનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈ 12 માર્ચે આઈપીએલનું સત્તાવાર શિડ્યુલ જાહેર કરી શકે છે. 15 માર્ચના રોજ જ્યારે તમામ દિગ્ગજ ખેલાડીઓ દિલ્હીમાં હાજર હશે, ત્યારે જ આઈપીએલની તમામ ટીમોના કપ્તાનોની એક મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી છે. મોટાભાગના કપ્તાનો ભારતીય હોવાથી આ સન્માન સમારોહ દરમિયાન જ આઈપીએલની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.

દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝીના કપ્તાનોને આગામી સીઝનના નવા નિયમો વિશે માહિતગાર કરવામાં આવશે. આ જ દિવસે આઈપીએલ માટેના સત્તાવાર ફોટોશૂટની પણ પૂરી શક્યતા છે. આમ, 15 માર્ચની તારીખ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વની સાબિત થશે, જ્યાં એક તરફ ભૂતકાળની જીતની ઉજવણી થશે અને બીજી તરફ આગામી આઈપીએલ મહાકુંભ માટેની રણનીતિ ઘડવામાં આવશે. હાલમાં ભારતીય ખેલાડીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા છે અને દેશભરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.