Fri Sep 04 2026

Logo

બારામતી એરપોર્ટ પર ફરી એક પ્લેન ક્રેશ! ટ્રેની પાયલટનો બચાવ, અજિત પવારના નિધન બાદ ફરી સુરક્ષા પર સવાલો!

2026-08-09 15:26:00
Author: Darshana Visaria
બારામતી એરપોર્ટ પર ફરી એક પ્લેન ક્રેશ! ટ્રેની પાયલટનો બચાવ, અજિત પવારના નિધન બાદ ફરી સુરક્ષા પર સવાલો!

મહારાષ્ટ્રમાં પુણે નજીક આવેલા બારામતીમાં ફરી એકવાર ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એક પ્રશિક્ષણ વિમાન જમીન પર પટકાયું હતું. રાહતની વાત એ રહી કે આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો હતો. જોકે, એક જ વર્ષમાં આ ત્રીજી વખત દુર્ઘટના થતાં એરપોર્ટની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉપસ્થિત થયા છે. 

મળી રહેલી માહિતી અનુસાર, રવિવારે બપોરે ટ્રેનિંગ ઉડાન દરમિયાન જ્યારે વિમાન એરપોર્ટ કેમ્પસમાં લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બારામતી એરપોર્ટ પર વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને કારણે સ્થાનિક તંત્ર અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

મે ૨2026માં પણ થઈ હતી ક્રેશ લેન્ડિંગ:
આ અગાઉ 13મી મે, 2026ના રોજ રેડબર્ડ (Redbird) કંપનીનું એક ટ્રેનર વિમાન ટેકનિકલ ખામી સર્જાવાને કારણે બારામતી એરપોર્ટ નજીક આવેલા ગોજુબાવી ગામની સીમમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જમીન પર પટકાયા પહેલા વિમાનનો એક ભાગ વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. તે સમયે પણ વિમાનમાં માત્ર એક ટ્રેની પાયલટ હતો, જેનો બચાવ થયો હતો.

 

જાન્યુઆરી 2026માં અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં થયું હતું નિધન:
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2026માં બારામતી એરપોર્ટ પર જ એક ચાર્ટર વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના તત્કાલીન ડેપ્યુટી સીએમ અજિત પવાર (Ajit Pawar) સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા. અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે તેમનું 'લિયરજેટ 46' વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 15,000 કલાકનો અનુભવ ધરાવતા કેપ્ટન સુમિત કપૂર, કો-પાયલટ શાંભવી પાઠક, પીએસઓ વિદિપ જાધવ અને ફ્લાઈટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ કરૂણ મોત થયું હતું.

એક જ વર્ષમાં વારંવાર બની રહેલી વિમાન દુર્ઘટનાઓને કારણે બારામતી એરપોર્ટના મેન્ટેનન્સ, ફ્લાઈટ ઓપરેશન અને મોનિટરિંગ પર કડક પગલાં ભરવાની માંગણીઓ ઉઠી રહી છે.