(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેના વ્યસ્ત બાંદ્રા ટર્મિનસ પર તહેવારો દરમિયાન સર્જાતી ધક્કામુક્કી અને ભીડની પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી નવેમ્બર મહિનામાં આવી રહેલા દિવાળીના તહેવાર પહેલાં અહીં એક સાથે ૩,૭૦૦ મુસાફરો બેસી શકે તેવું આધુનિક 'યાત્રી સુવિધા કેન્દ્ર' તૈયાર કરાઈ રહ્યું છે. રેલવે ઓથોરિટી દ્વારા ઝડપથી હાથ ધરાયેલા આ મોટા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹૧૬.૪૩ કરોડ છે.
બાંદ્રા રેલવે સ્ટેશનનું માળખું હેરિટેજ હોવાથી પ્લેટફોર્મની પહોળાઈ કે લંબાઈ વધારવા જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાઓ માટે ચોક્કસ મર્યાદાઓ નડે છે. પ્લેટફોર્મની મૂળ જગ્યામાં ફેરફાર કરવો શક્ય ન હોવાથી, મુસાફરોને પ્લેટફોર્મ પર જતા પહેલાં જ અલગ-અલગ સુવ્યવસ્થિત ઝોનમાં રોકી રાખવા માટે આ ખાસ હોલ્ડિંગ એરિયા બનાવાઈ છે. આ આધુનિક સુવિધાથી તહેવારોના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ પર એકસાથે ભીડ એકઠી થતી અટકાવી શકાશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
'રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી' દ્વારા વિકસાવાઈ રહેલો આ હોલ્ડિંગ એરિયા કુલ ૨,૬૨૫ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હશે. મુસાફરોની સગવડતા માટે આ સમગ્ર વિસ્તારને ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં ૧,૩૪૫ ચોરસ મીટરનો 'પ્રી-ટિકિટિંગ ઝોન' બનાવવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ માટે બેસવા ખાતર ૪૫ થ્રી-સીટર બેન્ચ, ૫ વિશાળ પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સ્ક્રીન, વોટર કુલર, પીવાના પાણીના નળ અને આધુનિક શૌચાલય જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ટિકિટ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે ૨૮૫ ચોરસ મીટરના વિસ્તારમાં 'ટિકિટિંગ ઝોન' ઊભો કરવામાં આવી રહ્યો છે, જેમાં ૮ યુટીએસ એટલે કે અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર, ૧૦ વર્કસ્ટેશન અને ૬ એટીવીએમ એટલે કે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મુકવામાં આવશે.
આ સિવાય, ૯૯૫ ચોરસ મીટરના 'પોસ્ટ-ટિકિટિંગ ઝોન'માં સુરક્ષા અને તપાસ માટે ૨ અદ્યતન લગેજ સ્કેનર અને પ્લેટફોર્મ તરફ સલામત રીતે જવા માટે રેમ્પ એક્ઝિટની વ્યવસ્થા હશે. અનધિકૃત વાહનોના પ્રવેશને રોકવા બહારના ભાગે બોલાર્ડ્સ, રિફ્લેક્ટિવ લાઈટ્સ અને ટ્રાફિક માર્શલ્સ તૈનાત રહેશે.
ઓક્ટોબર ૨૦૨૪માં બાંદ્રા ટર્મિનસ પર બનેલી ગંભીર ઘટના બાદ આ સમગ્ર કવાયત હાથ ધરાઈ છે. તે સમયે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા માટે ૨,૫૦૦થી વધુ પ્રવાસીઓની ભીડ ઉમટી પડતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. તે દુર્ઘટના બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે સામાન પર મર્યાદા તેમજ સ્ટેશનના પૂર્વ ભાગમાં ૬૦૦ મુસાફરો માટે એક નાનું કામચલાઉ હોલ્ડિંગ એરિયા બનાવ્યું હતું, પરંતુ હવે આ ૨,૬૨૫ ચો.મી.ના કાયમી કેન્દ્રથી સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી જશે.
હાલમાં બાંદ્રા ટર્મિનસ પરથી દરરોજ સરેરાશ ૪૦,૦૦૦ મુસાફરોની અવરજવર રહે છે અને દરરોજ આશરે ૨૨ જેટલી લાંબા અંતરની ટ્રેનો ઉપડે છે. તાજેતરમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડીઆરએમ પંકજ સિંહે પણ આ નિર્માણાધીન સાઈટનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ રેલવેના સીએસએમટી ખાતે ૧,૦૦૦ અને એલટીટી સ્ટેશન પર ૩,૦૦૦ મુસાફરો માટે આવા જ હોલ્ડિંગ એરિયા પહેલાથી જ કાર્યરત છે, જેની તર્જ પર હવે બાંદ્રા ટર્મિનસ પણ સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યું છે.