(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ બનાસકાંઠામાંથી ફરી એકવાર શંકાસ્પદ ઘી ઝડપાયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસે એક પીકઅપ ડાલું ઝડપી પાડ્યું છે તેમાં શંકાસ્પદ ઘીને લઈ જવામાં આવી રહ્યું હતું. એસઓજી પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ મળીને 19.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જીજે36ટી2274 નંબરનું પીકઅપ વાન પસાર થવાની હતી, જેમાં શંકાસ્પદ ઘી લઈ જવામાં આવી રહ્યું છે. જેથી એસઓજી પોલીસે વોચ રાખી અને સામઢી મોટાવાસથી આસેડા જતા રોડ પરથી ઝડપાયું હતું.
પોલીસે જાલમસિંગ જામસિંગ સોલંકી જે ડાલું ચલાવી રહ્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પોલીસે વાહનમાં રાખેલા અલગ અલગ પ્રકારની બ્રાન્ડના 15-15 કિલોગ્રામના કુલ 176 ડબ્બાઓ મળી આવ્યાં હતાં. આમાં શંકાસ્પદ ઘી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. જે શંકાસ્પદ ઘીને જપ્ત કરવામાં આવ્યું તેની કુલ કિંમત 16.72 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.
આ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ કેસમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106(1) પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.