- આશુ પટેલ
હેમુભાઈના માતા બાલુબા ગઢવી
‘ભાઈ, મુખ્ય પ્રધાન હિતેન્દ્રભાઈનો બંગલો આ જ છે ને?’
છ દાયકા અગાઉના એક દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં તત્કાલીન મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈના બંગલા બહાર આવીને ઊભેલી એક વૃદ્ધા પૂછી રહી હતી. તે બંગલાની બહાર ફરજ બજાવતો એક પોલીસ જવાન અચરજ સાથે તે વૃદ્ધા સામે થોડીવાર તાકી જ રહ્યો. આશરે 75વર્ષની આસપાસની ઉંમરની તે વૃદ્ધાએ કાળું કાપડું પહેર્યું હતું, તેનાં માથા સુધી કાળો ચોરસો હતો અને તેણે પગમાં સ્લીપર પહેર્યાં હતાં. જવાન તેમને આશ્ર્ચર્ય સાથે એટલા માટે જોઈ રહ્યો કે અગાઉ આવી રીતે કોઈ વ્યક્તિ મુખ્ય પ્રધાનના બંગલે ક્યારેય આવી ન હતી. થોડી વાર તે વૃદ્ધા સામે જોઈ રહ્યો. પછી તેણે પૂછ્યું, ‘બોલો માજી, શું કામ છે તમારે?’
તે વૃદ્ધાએ કહ્યું, ‘મારે મુખ્ય પ્રધાન હિતેન્દ્રભાઈને મળવું છે, ભાઈ.’
પોલીસ જવાને કહ્યું, ‘માજી, એમ સીધું મુખ્ય પ્રધાનને મળી ન શકાય. તેમની મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે...’
‘શું લેવું પડે, ભાઈ? મને સમજાવશો?’
‘અપોઇન્ટમેન્ટ, માજી. અગાઉથી મળવાની પરવાનગી લેવી પડે.’
‘અરે ભાઈ! હું એમાં કાંઈ ન સમજું. મેં તો એવી કોઈ પરવાનગી લીધી નથી, પણ હું તો આ અહીં એક બાજુ બેઠી. અહીંથી તેમની મોટર નીકળશે ત્યારે હું તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશ. વાત સાંભળે તો ઠીક નહિતર ખમ્મા તેમને. બીજું શું!’
‘અરે માજી! તમે કોઈ વાતે સમજતા જ નથી હું તમને કહું છું કે પરવાનગી વિના મુખ્ય પ્રધાન કોઈને ન મળી શકે...’
તે જવાન તે વૃદ્ધાને સમજાવી રહ્યો હતો એ વખતે બંગલાના કમ્પાઉન્ડમાં ચાલી રહેલા હિતેન્દ્રભાઈએ દૂરથી એ દૃશ્ય જોયું અને બૂમ પાડી: ‘ભાઈ, લઈ આવો તેમને અંદર.’
રોફભેર વાત કરી રહેલો જવાન એકદમ ઠંડો પડી ગયો અને તેણે વૃદ્ધાને કહ્યું, ‘ચાલો માજી, સાહેબ તમને અંદર બોલાવે છે.’
તે જવાન માજીને બંગલામાં લઈ ગયો. હિતેન્દ્રભાઈએ તેમને દીવાનખાનામાં આવવા કહ્યું. દીવાનખાનામાં પ્રવેશીને તે વૃદ્ધા નીચે બેસવા ગઈ એ સાથે હિતેન્દ્રભાઈએ કહ્યું, ‘અરે માજી! ત્યાં નીચે નહીં, અહીં ઉપર સોફા પર બેસો.’
તે વૃદ્ધા સોફા પર બેઠી એટલે હિતેન્દ્રભાઈએ પૂછ્યું, ‘ક્યાંથી આવો છો માજી?’
વૃદ્ધાએ કહ્યું, ‘રાજકોટથી આવું છું, બાપ.’
હિતેન્દ્રભાઈએ ભાષાનો લહેકો સાંભળીને કહ્યું, ‘સૌરાષ્ટ્રમાંથી આવો છો એમ ને?’ પછી સહજતાથી પૂછી લીધું, ‘જ્ઞાતિએ કેવા છો, બા?’
‘ગઢવી છીએ, ભાઈ.’
‘પેલા હેમુ ગઢવી થઈ ગયા એવા ગઢવી જ ને?’
‘હેમુની જ મા છું.’
એક સેક્ધડ માટે હિતેન્દ્રભાઈ સ્તબધ થઈ ગયા. પછી તરત ઊભા થઈને તેમને પગે લાગ્યા.
હિતેન્દ્રભાઈએ કહ્યું, ‘અરે, બા! છેક અહીં સુધી ધક્કો ખાવો પડ્યો?’
‘હા ભાઈ વખાની મારી આવી છું તમારી પાસે. હેમુનું આવડું મોટું નામ, આવડું કામ અને તેના જ છોરુંને આવા દખના દિ’ જોવા પડે! ચોપડા કે લૂગડાં લેવાય પૈસા ન હોય! કલાકારના મૂઆ પછી કોઈ તેના કુટુંબની સંભાળ લેનારું જ કોઈ નહીં!’
બોલતાં-બોલતાં બાલુબાના ગળે ડૂમો ભરાઈ આવ્યો.
હિતેન્દ્રભાઈએ તરત જ પાણી મંગાવ્યું અને ગ્લાસ ધરતાં કહ્યું, ‘લ્યો બા, પાણી પીવો.’
પાણી પીને બાલુબા જરા સ્વસ્થ થયાં. તેમણે કહ્યું હું એમ કહું કે ‘બધાંય સરકારને મા-બાપ કહે છે તે સરકાર કલાકારના અનાથ છોરુની મા- બાપ નો થાય?’
હિતેન્દ્રભાઈએ કહ્યું, ‘હા, બા. સરકાર બધાની મા-બાપ કહેવાય. તમે નિશ્ર્ચિત થઈ જાવ. અમે કંઇક વ્યવસ્થા કરીએ છીએ.’ પછી તેમણે બૂમ પાડી: ‘મહારાજ, બા માટે ચા લઈ આવો અને તેમની જમવાની વ્યવસ્થા પણ કરજો.’ તેમણે પોતાના એક સહાયકને સૂચના આપી, ‘આ બાને જ્યાં જવાનું હોય ત્યાં ગાડીમાં મૂકી આવવાની વ્યવસ્થા કરજો.’
બીજે દિવસે હિતેન્દ્રભાઈ ગુજરાત સરકારના મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી અને એ વખતે આ કામ સંભાળતા માહિતી ખાતાને એક નવી યોજનાની જવાબદારી સોંપી દેવાઈ. એ જ મહિને ‘વૃદ્ધ નિરાધાર કલાકારો અને તેમના આશ્રિતો માટે સહાય યોજના’ના શીર્ષક સાથે યોજના શરૂ થઈ અને તેમને વાર્ષિક1200 રૂપિયાની સહાય મળતી થઈ. આ વાત 1966ના વર્ષની એટલે કે આજથી 60વર્ષ અગાઉની છે. એ વખતે 1200 રૂપિયા બહુ મોટી રકમ ગણાતી હતી.
હેમુભાઈના અભણ માતાએ હેમુભાઈને પરગજુ રહેવાના સંસ્કાર આપ્યા હતા, પરંતુ હેમુભાઈ ગયા પછી તેમણે પોતે પણ કલાકારો માટે પરોપકારનું કામ કર્યું. મુખ્ય પ્રધાન પાસે જઈને કલાકારો માટે ધા નાખી અને હિતેન્દ્રભાઈએ તેમની વિનંતી સ્વીકારીને કલાકારો માટે યોજના શરૂ કરી. હેમુભાઈના અવસાનના 13વર્ષ પછી બાલુબાએ 29માર્ચ,1978ના દિવસે પૃથ્વી પરથી વિદાય લીધી.
ગઈ સદીના વિખ્યાત ગાયક હેમુ ગઢવીનાં જીવનની અનેક ઘટનાઓ વિષે અગાઉ આ કોલમમાં વાતો કરી છે, પરંતુ હેમુભાઈના પુત્ર બિહારી હેમુ ગઢવીના માધ્યમથી હેમુભાઈના માતા બાલુબાના જીવનની હૃદયને સ્પર્શી જાય એવી આ વાત જાણવા મળી એટલે વાચકો સાથે શેર કરવાનું મન થયું. બાલુબા જેવી વ્યક્તિઓ બીજા લોકો માટે સુખના પાસવર્ડ સમાન સાબિત થતી હોય છે.
ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જે પોતાના માટે નહીં, પરંતુ બીજા લોકો માટે વિચારતી હોય છે. મોટાભાગના માણસો તો પોતાના માટે જ જીવતા હોય છે પરંતુ કેટલીક એવી વ્યક્તિ હોય છે કે જે બીજાઓ માટે જીવતી હોય છે અથવા બીજાઓનું સારું વિચારતી હોય છે.
માણસ પોતાના માટે વિચારે એ તો સહજ છે, પરંતુ માણસે બીજાઓ માટે પણ વિચારવું જોઈએ.