Sun Aug 23 2026

Logo

સ્થાપત્યમાં વિરોધી પરિબળ વચ્ચેનું સંતુલન

2026-08-22 10:21:07
Author: Hemant Wala
Article Image

સ્થાપત્યનું વાઈ-ફાઈ - હેમંત વાળા

સ્થાપત્યમાં ઘણા બધા પરિબળો એક સાથે અસર કરતા હોય છે. આવા સંજોગોમાં આ બધા પરિબળો વચ્ચે સંતુલન સ્થાપવા સાથે એક ચોક્કસ સર્જનાત્મક વિચારને પણ અમલમાં મૂકવાનો હોય છે. આ એક જટિલ કાર્ય છે. છતાં પણ કેટલાક સર્જનાત્મક સ્થપતિ પોતાની સર્જનાત્મકતાને ચરમબિંદુ સુધી લઈ જઈ આ કાર્ય પાર પાડે છે. અહીં આ વાત સમજાવવા ચાર ઉદાહરણો પ્રસ્તુત થયા છે.

બ્લેર રોડ - સિંગાપુર

 એમ મનાય છે કે જ્યારે પરંપરાગત માહોલમાં નવું ઘર બનાવવાનું હોય ત્યારે એક બાજુ પરંપરાને જાળવી રાખવાનું દબાણ હોય તો બીજી બાજુ આધુનિકતાને પણ ન્યાય આપવાનો હોય. માહોલ ભલે પરંપરાગત હોય પણ તેમાં રહેવા આવનાર વ્યક્તિ-સમૂહ તો આધુનિક જીવનશૈલી જીવતા હોય. આવા સંજોગોમાં સ્થાપત્યની સંવેદનશીલતા અને સર્જનાત્મકતા ચકાસણીએ ચડે છે. સ્થપતિ ઓએનજી અને ઓએનજી દ્વારા સન 2009માં બનાવેલ સિંગાપોરના બ્લેર રોડ પરના 55 નંબરના પ્લોટ પરનું આ મકાન ઘણી રીતે ઉલ્લેખનીય છે. નિયમ પ્રમાણે તેમાં બહારનો ભાગ લગભગ જેમનો તેમ રખાયો છે, પરંતુ અંદર એક નવા જ પ્રકારનો આધુનિક માહોલ ઊભો કરાયો છે. બહારથી જોતા એમ ન કલ્પી શકાય કે અંદર શું હશે અને અંદર જઈને એ વિચાર ન આવે કે બહાર કેવી રચના હશે - આ એક સ્થાપત્યની ઉચ્ચતર સ્થિતિ છે.

આ મકાનનો પ્લોટ પોળના ઘરોની જેમ સાંકડો અને લાંબો છે જેની વચ્ચે અંદરના ભાગમાં પાણીનો કુંડ તથા એકમાત્ર ઝાડ રોપાયું છે. આ રીતે મકાનની અંદર કેન્દ્ર સ્થાપિત તેની આગળ પાછળ ત્રણ માળ સુધી વિવિધ સ્થાનો નિર્ધારિત કરી આ કેન્દ્રને મહત્ત્વ અપાયું છે. એ જ રીતે જોતા આની રચના સરળ છે પરંતુ તેમાં બાંધકામની સામગ્રી, એક પ્રકારની પારદર્શિતા, દૃશ્ય સંપર્કનું આયોજન તથા સુંદર કેન્દ્રને મહત્ત્વ આપતું આલેખન અગત્યના બની રહે છે. પરંપરાગત માહોલમાં પણ સંપૂર્ણ રીતે આધુનિક કહી શકાય તેવી રચના નું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

રીબન ચેપલ -જાપાન

 જાપાનમાં સ્થપતિ હોરોશી નાકામુરા દ્વારા સન 2009 માં બનાવાય રિબન ચેપલ એ એક સરસ પ્રતિકાત્મક રજૂઆત છે. આ ચેપલની રચના લગ્ન પ્રસંગ માટે જ કરવામાં આવી છે. અહીં બે રીબીન લગભગ એકબીજામાં વીંટળાતા વીંટળાતા ઉપર સુધી પહોંચે છે - આ પતિપત્નીના સંબંધની પ્રતિકાત્મક રજૂઆત છે. અહીં બંને પરસ્પર આધારિત છે - પરસ્પર વણાયેલા છે - સાથે ઉચ્ચ શિખરને પામે છે - અને આ સમન્વયથી એક સ્થાન નિર્ધારણ થાય છે, જે કદાચ કુટુંબ કે સમાજ છે. અહીંયા ક્યાંય બીન જરૂરી કોતરણી કે આડંબર નથી. સમગ્ર ચેપલ સરળ, શાંત તથા સ્પષ્ટ બનાવ્યું છે. લગ્નજીવન માટે આવી બાબતો જરૂરી છે. રીબીનની સાથે વણાયેલા પગથિયાં તથા ઢાળ વર તથા ક્નયાને લગ્નના ક્રિયાકાંડ પછી ઉપર જવા પ્રેરે છે અને જાણે બંને એક સાથે ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે છે. આવી દૃઢ તથા યથાર્થ પ્રતિકાત્મક રજૂઆત આ ચેપલને ઉલ્લેખનીય બનાવી દે છે.

અહીં ચાર મકાનો નો ઉલ્લેખ કરાયો છે. ચર્ચવા જેવી સ્થાપત્યની રચનાઓ તો ઘણી છે, પણ આજના સંદર્ભમાં આ ચાર મહત્વની ગણી શકાય. એકમાં ભૌમિતિક આકારોની મર્યાદાઓમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન થયો છે તો બીજામાં બાંધકામની સામગ્રી ની મર્યાદાઓની બાદબાકી કરાઈ છે. એકમાં પરંપરાને જાળવી રાખી આધુનિકતાનો સમાવેશ કરાયો છે તો બીજામાં ચર્ચની સ્થાપિત ધારણા સામે પ્રતિકાત્મક રજૂઆતનું મહત્ત્વ સ્થાપિત કરાયું છે. સ્થાપત્યમાં આ ચારે ચાર પાસા ખૂબ અગત્યના ગણાય છે. આમ પણ સ્થાપત્યમાં વિરોધી બાબતો વચ્ચે સંતુલન જાળવવું એ અતિ મહત્ત્વની બાબત છે. આ ચાર ઉદાહરણો પરથી એમ દર્શાવવામાં પ્રયત્ન કરાયો છે કે આવું સંતુલન શક્ય છે.