બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
B2B એટલે કે બિઝનેસ-ટુ-બિઝનેસમાં બ્રાન્ડ બનાવવાની જરૂર નથી અથવા તેના પર માર્કેટિંગનો ખર્ચો ના કરાય. આ વાત અને વિષય પર આપણે અગાઉ વિચારી ચૂકયા છીએ. આજની તારીખે પણ આ વ્યવસાયમાં જે લોકો છે તેમની માનસિકતામાં કોઈ ફેરબદલ નથી થયો. આમ છતાં આજે આના તરફ ફરી ધ્યાન દોરવાનું કારણ તે કે...
હાલમાં IPL ચાલી રહી છે. જો તમે વિવિધ ટીમના સ્પોન્સરો જોયા હશે તો જણાશે કે જે લોકોએ સ્પોન્સરશિપ આપી છે તેમાંના ઘણા B2B કેટેગરીમાંથી આવે છે. એક સમય હતો જ્યારે B2B બ્રાન્ડ્સ ક્યારેય જાહેરમાં ના દેખાતી. મોટા પાયે ડીલર નેટવર્ક અને વેપાર સંબંધો પર આધાર રાખતી હતી.IPL ની 2026 સિઝનમાં B2B બ્રાન્ડ્સનો ઉછાળો જોવા મળ્યો છે. પાઇપ અને કેબલથી લઈને લોજિસ્ટિક્સ, ફાઇનાન્સ અને ઔદ્યોગિક માલ સુધી, તે હવે ટીમ જર્સી, બ્રાન્ડ પાર્ટનરશિપ અને ઓન ગ્રાઉન્ડ એક્ટિવીટી - પ્રવૃત્તિ સાથે જોડાઈ રહ્યા છે. આ વાત વૈશ્વિક સ્તરે ઘણા વખતથી જોવામાં આવી રહી છે. વર્લ્ડ ટેનિસ ટુર્નામેન્ટ, F1 રેસિંગ, મેરેથોન, ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓ સાથે વર્ષોથી જોડાયા છે. પશ્ર્ચિમી દેશો બ્રાન્ડ અને માર્કેટિંગને ઘણું મહત્ત્વ આપે છે અને તેથી આપણે ત્યાં ઉદ્ભવેલી વૈશ્વિક બ્રાન્ડસ વધુ જોઈ શકીએ છીએ.
હવે આપણને લાગશે કે મોટી મોટી IT કંપનીઓ, ક્ધસલ્ટિંગ કંપનીઓ જેને લોકો સાથે સીધો સંબંધ નથી તે બધા આમ કેમ કરતા હશે. આનાં ઘણાં કારણ છે. આપણે આજે જે સમયમાં જીવી રહ્યા છીએ તે અલગ છે અને તેથી જૂની પદ્ધતિઓ બદલાવવી પડશે. સૌથી મોટું કારણ તે જાણે છે કે ફક્ત કંપની તરીકે ઓળખાવું ચાલશે નહિ. એક બ્રાન્ડ તરીકે પોતાને સ્થાપિત કરવી પડશે. આ ઉપરાંત તેને જરૂરિયાત ફક્ત ટ્રેડ રિકોલની નથી, કારણ કે ઘરે ઘરે લોકો તેમના નામને ઓળખે તે છે. આની સાથે જયારે તેમની બ્રાન્ડ આવી લીગમાં દેખાય છે ત્યારે ડીલરો અને વિતરકો જેવા તેમના મુખ્ય સ્ટેકહોલ્ડરો સાથેના તેમનાં જોડાણને મજબૂત બનાવે છે. આ રીતે આવી મોટી મોટી પ્રોપર્ટી સાથે જોડાતા B2B બ્રાન્ડ્સને મોટા પાયે બજારમાં પ્રવેશવામાં મદદ કરે છે સાથે સાથે તેમના વ્યવસાયને આગળ ધપાવતા ઇકોસિસ્ટમમાં તેમની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે.
મોટી IT અને ક્ધસલ્ટિંગ કંપનીઓ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) વેચાણને વેગ આપવા, ટેકનિકલ ક્ષમતાઓ (જેમ કે AI અને ડેટા એનાલિટિક્સ) પ્રદર્શિત કરવા અને વૈશ્વિક સ્તરે બ્રાન્ડનો વિશ્વાસ વધારવા માટે આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો સાથે જોડાય છે અથવા તેને સ્પોન્સર કરે છે. આ સ્પોન્સરશિપ કોર્પોરેટ ગ્રાહકોનું મનોરંજન કરવા અને કર્મચારીઓને પુરસ્કાર આપવા માટે વાતાવરણ પણ પૂરું પાડે છે. આપણે જાણીયે છીએ કે આવી વૈશ્વિક સ્તરની ઇવેન્ટમાં મોટા મોટા લોકો સહભાગી થાય છે, કોર્પોરેટના લોકો આવે છે, આનાથી ના ફક્ત નેટવર્કિંગ થાય છે પણ આવા લોકો સમક્ષ તમારી બ્રાન્ડ પહોંચે છે. તે બ્રાન્ડ અને તેની ક્ષમતા વિષે જાણે છે. ઉદાહરણ તરીકે એક નામાંકિત ભારતીય AI કંપનીએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં સ્પોન્સરશિપ આપી. આનું કારણ તેમને પોતાની AI અને કલાઉડ સર્વિસીસ લોકો સુધી પહોંચાડવી હતી કેમ કે આજે કોઈપણ બ્રાન્ડ કે વેપાર છે એના ક્ધઝ્યુમરના જીવન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો છે. અમુક ઉદાહરણો જોઈયે તો, લોજિસ્ટિક્સ અથવા ડિલિવરી કંપનીઓ, ઈ-કોમ પર અથવા ફિઝિકલ પણ જયારે લોકો માલ ખરીદે છે ત્યારે ડિલિવરીના કયા વિકલ્પો છે તે જાણી અને તે નામી બ્રાન્ડ હશે તો ઓર્ડર કરશે. આ વાત B2B માટે પણ લાગુ પડે છે. જો નામ જાણીતું નહિ હોય તો ઘણીવાર બાયર તમને અમુક લોજિસ્ટિક્સ કંપની સાથે કામ કરવા મજબરિં કરશે. આ અગાઉ બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શનમાં કયો માલ વપરાય છે તેનું મહત્ત્વ શું છે તેની જાણ થોડા લોકોને ભાગ્યે જ હતી, પણ આજે આ કેટેગરી જે B2B ગણાતી તે ડા/રેક્ટ ક્ધઝ્યુમરને પોતાના વિશે માહિતગાર કરે છે અને તેનું પરિણામ આજે જ્યારે લોકો ઘર ખરીદવા જાય છે ત્યારે પ્રશ્નો પૂછે છે કે કઈ લિફ્ટ છે, ફ્લોરિંગ, ટાઇલ્સ, બાથરૂમ ફિટિંગ્સ છે. અને આના કારણે બિલ્ડરે ના છુટકે આ બધી બ્રાન્ડને પોતાની સાથે લેવી પડે છે.
જો તેમાં કોઈ નામી બ્રાન્ડ ના હોય તો તેને સાઈડ પર મૂકી દેશે. હરેક લેપટોપમાં ઇન્ટેલ ચિપ હોય છે જે આપણે જોઈ પણ નથી. ખબર પણ નહોતી કે આવી કોઈ ચિપ આમ વપરાય છે, પણ ઇન્ટેલ કંપનીએ પોતાને પ્રમોટ કરવાની શરૂઆત કરી અને આજે લોકો લેપટોપ લેવા જાય ત્યારે આના વિશે અચૂક પૂછે છે. કોઈપણ બીજી ચિપ પણ આ કામ કરી શકે, પણ આપણા મગજમાં આ વાત ઘર કરી ગઈ છે કે લેપટોપમાં ઇન્ટેલ નથી તો તે બરાબર નથી. આમ, B2B કંપનીઓ પણ લોકો પોતાને ઓળખે અને તે લોકોના જીવન સાથે સંકળાઈ જાય તેમ ઈચ્છે છે અને આવી એક પણ તક કે મોકો તે છોડવા નથી માગતા.