ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે રચ્યો ઈતિહાસ: ઇંગ્લેન્ડને હરાવીને સાતમી વખત જીત્યો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ
લૉર્ડસઃ ભારતની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ વતી રમતી ઑલરાઉન્ડર સૉફી મૉલિન્યૂક્સની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે રવિવારે મોડી રાત્રે અહીં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ (Women's T20 WC)નું ટાઇટલ જીતી લીધું હતું એ સાથે એક રસપ્રદ આંકડો જાણવા મળ્યો છે જે બતાવે છે કે ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ની મહિલાઓ 1,225 દિવસના લાંબા સમયગાળા બાદ ફરી ટી-20 વિશ્વ કપ જીતી છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ 2023માં આ ટૂર્નામેન્ટનો તાજ જીતી લીધો હતો. બીજી મુખ્ય વાત એ છે કે ઑસ્ટ્રેલિયાએ સાતમી વખત આ ટૂર્નામેન્ટ જીતી છે જે વિશ્વવિક્રમ છે. વિજેતા ટીમને સચિન તેંડુલકર સહિત અનેક ક્રિકેટરોના અભિનંદન સોશ્યલ મીડિયા પર મળ્યા છે.
વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની અત્યાર સુધીમાં 10 ટૂર્નામેન્ટ રમાઈ છે જેમાંથી સાત ઑસ્ટ્રેલિયાએ જીતીને પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે. બાકીના ત્રણ ટાઇટલમાંથી એક ઇંગ્લૅન્ડ (2009માં), એક વેસ્ટ ઇન્ડિઝ (2016) અને એક ન્યૂ ઝીલૅન્ડે (2024) જીત્યું છે. ભારત વન-ડેમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન છે, પરંતુ હજી સુધી ટી-20નો તાજ નથી જીતી શક્યું. પુરુષોમાં ભારત ત્રણ વખત (2007, 2024, 2026) ટી-20 વર્લ્ડ કપ જીત્યું છે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લૅન્ડે કોઈ વર્લ્ડ કપનું આયોજન બન્યું હોય અને એમાં એ ટાઇટલ ન જીતી શક્યું હોય એવું પહેલી જ વખત બન્યું છે.
Congratulations to Australia on another World Cup title!
— Sachin Tendulkar (@sachin_rt) July 6, 2026
The unbeaten run really shows how well they managed different match situations and stayed consistent throughout. That kind of stability is usually what brings trophies home.
રવિવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડે કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટના અણનમ 58 રન અને ફ્રેયા કેમ્પના અણનમ 44 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 150 રન કર્યા હતા. કૅપ્ટન સૉફી સહિત ચાર ઑસ્ટ્રેલિયન બોલરે એક-એક વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયન ટીમે 151 રનનો લક્ષ્યાંક આસાનીથી મેળવી લીધો હતો. તેમણે 17.1 ઓવરમાં (17 બૉલ બાકી રાખીને) ત્રણ વિકેટે 153 રન બનાવીને વિજય મેળવ્યો હતો જેમાં ઓપનર-વિકેટકીપર બેથ મૂનીના 64 રન અને ફૉબી લિચફીલ્ડના 48 રન સામેલ હતા. વર્લ્ડ નંબર-થ્રી બોલર સૉફી એકલ્સ્ટન સહિત ત્રણ બ્રિટિશ બોલરે એક-એક વિકેટ લીધી હતી.