Fri Apr 17 2026

Logo

વિધાનસભા ચૂંટણી: આસામ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ મતદાન, 1,849 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

2026-04-09 21:07:51
Author: Vimal Prajapati
Article Image

ગત વર્ષોની સરખામણીએ મતદાનમાં નોંધપાત્ર વધારો: જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન થયું અને શું છે આંકડા

નવી દિલ્હીઃ ગયા મહિના દરમિયાન ભારતના કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ત્રણ રાજ્યમાં આજે મતદાન થયું છે. આસામ, કેરળની સાથે એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં શાંતિપૂર્વક રીતે મતદાન પ્રક્રિયા પૂરી થઈ. આ રાજ્યમાં કુલ મળીને 296 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન થયું છે. આ તમામ બેઠકો પરના ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમમાં કેદ થયાં છે. આસામમાં 126 વિધાનસભા બેઠક, કેરળમાં 140 વિધાનસભા બેઠક અને પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠક પર આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી ચોથી મેના રોજ મતગણતરી અને પરિણામની જાહેરાત કરવામાં આવશે. ચાલો જોઈએ કયા કેટલું મતદાન થયું છે.

મતદાનની વાત કરવામાં આવે તો કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કા દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાતના સાત વાગ્યા સુધીમાં પુડુચેરીમાં 89.5% અને કેરળમાં 77.7% મતદાન નોંધાયું છે. આ સાથે આસામની વાત કરવામાં આવે તો, અહીં સાંજે સાત વાગ્યા સુધીમાં 85.9 ટકા મતદાન નોંધાયું છે. આંકડા પ્રમાણે ગત વર્ષ કરતા આ વર્ષ મતદાન વધારે થયું હોવાનું જાણવા મળ્યું છે. 

પુડુચેરીમાં સૌથી વધારે 89.5 ટકા મતદાન થયું

વિગતે જોઈએ તો, ગત 2021ની વિધાનસભા ચૂંટણીમાં કેરળમાં 69.8 ટકા મતદાન થયું હતું, જે આ વિધાનસભા ચૂંટણીમાં વધીને 77.7 ટકા થઈ ગયું છે. આ સાતે આસામમાં ગત 2021ની વિધાનસભા ચૂંટણીમાં 76.8 ટકા મતદાન થયું હતુ, અને આ ચૂંટણીમાં 85.2 ટકા લોકોએ મતદાન કર્યું છે. પુડુચેરીની વાત કરવામાં આવે તો, ગત 2021ની વિધાનસભા ચૂંટણીમાં 77.9 ટકા મતદાન થયું હતું. આ વર્ષે લોકોએ વધારે ઉત્સાહ દેખાડ્યો એટલે 89.5 ટકા મતદાન થયું છે.  ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે અંતિમ આંકડા આવવામાં થોડો સમય લાગશે.

ત્રણેય રાજ્યમાં કેટલા મતદારો છે?

મતદારોની વાત કરવામાં આવે તો, આસામમાં કુલ 2.5 કરોડ મતદાતાઓ છે, જેમાં 1.25 કરોડ પુરૂષ મતદાર, 1.25 કરોડ મહિલા મતદાર, 343 થર્ડ જેન્ડર મતદાતા છે. આ સાથે 18થી 19 વર્ષના 5.75 લાખ મતદાર છે, જે પહેલી વખત મતદાન કરશે. કેરળમાં મતદારની વાત કરવામાં આવે તો 2.71 કરોડ મતદારો છે, જેમાં 1.32 કરોડ પુરૂષ મતદારો, 1.39 કરોડ મહિલા મતદારો, 273 થર્ડ જેન્ડર મતદાતાઓ છે. આ સાથે પુડુચેરીમાં 9.44 લાખ મતદારો છે, જેમાં 4.43 લાખ પુરૂષ મતદાર, 5 લાખ મહિલા મતદાર અને 139 થર્ડ જેન્ડર મતદારો છે. 

1849 ઉમેદવારનું ભાવિ મતદારોએ EVMમાં સીલ કર્યું

કેરળમાં કુલ 40 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાને ઉતર્યાં છે. કેરળમાં સરકાર બનાવવામાં માટે 71 બેઠક પર જીત થવી આવશ્યક છે. આ સાથે આસામમાં 126 બેઠક માટે 722 ઉમેદવાર મેદાનમાં ઉતર્યાં છે, જેમના ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ ગયા છે. આસામમાં સરકાર બનાવવા માટે 64 બેઠકની બહુમતિ હોવી જરૂરી છે. ઉપરાંત, પુડુચેરીની વાત કરવામાં આવે તો, 30 વિધનસભાની બેઠકો માટે 9.50 લાખ મતદારો મતદાન કર્યું હતું, જ્યાં 294 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરી દીધું છે.