નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સમાં એક તરફ ભારતની મેન્સ ક્રિકેટ ટીમના ખેલાડીઓ વરસાદને લીધે હેરાન-પરેશાન છે અને ગોલ્ડ મેડલ (Gold Medal)થી હજી બે ડગલાં દૂર છે ત્યારે ભારતની કેટલીક મહિલા સ્પર્ધકોએ મંગળવારે વરસાદના વિઘ્ન વચ્ચે સર્વોત્તમ પર્ફોર્મ કરીને ભારતને એક જ દિવસમાં બબ્બે ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યા હતા અને દેશને મેડલ-ટેબલમાં ટૉપ-ટેનમાં લાવી દીધું હતું. નીરુ ઢાંડા નામની નિશાનબાજે ભારતને એશિયન ગેમ્સના ઇતિહાસમાં મહિલાઓની ટ્રૅપ ઇવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પછીથી કિરણ પહલ, પ્રાચી ચૌધરી, એમ. આર. પૂવમ્મા અને વિથ્યા રામરાજની ટીમે વરસાદના વિઘ્ન વચ્ચે ભારતને 4*400 રિલે દોડમાં દેશને આ વખતની એશિયન ગેમ્સનો ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમણે આ રેસ ત્રણ મિનિટ, 29.69 સેક્નડમાં પૂરી કરી હતી.
ભારતની ચંદ્રકોની હાફ સેન્ચુરી, પણ ચીન-જાપાનની હરણફાળ
મંગળવારની મોડી સાંજે ભારતે કુલ ચંદ્રકોની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ભારત 10મા નંબરે આવી ગયું ત્યારે કુલ બાવન ચંદ્રકમાં છ ગોલ્ડ, 21 સિલ્વર અને પચીસ બ્રૉન્ઝ મેડલ સામેલ હતા. ચીન 143 ગોલ્ડ સહિત કુલ 254 ચંદ્રક સાથે પહેલા નંબરે અને જાપાન 45 ગોલ્ડ સહિત કુલ 183 ચંદ્રક સાથે બીજા નંબરે હતું. સાઉથ કોરિયા 24 ગોલ્ડ સહિત કુલ 95 ચંદ્રક સાથે ત્રીજા ક્રમે હતું.
નીરુએ વરસાદ છતાં પડકાર ઝીલ્યો

શૂટર નીરુ ઢાંડાની એકાગ્રતામાં વરસાદને લીધે ખલેલ પહોંચી હતી, પરંતુ તેણે વિચલીત થયા વગર લક્ષ્ય પર જ ધ્યાન આપ્યું હતું અને એશિયન રેકૉર્ડ સાથે સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. ફાઇનલ્સમાં 28ના સ્કોર સાથે તેણે આ વખતની એશિયન ગેમ્સમાં ભારતને શૂટિંગનો પ્રથમ ગોલ્ડ મેડલ પણ અપાવ્યો હતો.
રનર પૂવમ્માની ત્રીજી એશિયાડમાં સિદ્ધિ
સુવર્ણચંદ્રક જીત્યા પછી રનિંગની ચારેય ભારતીય મહિલા સ્પર્ધકો બેહદ ખુશ હતી. એમાં ખાસ કરીને વિથ્યા રામરાજના માનવામાં જ નહોતું આવતું કે તેઓ ગોલ્ડ મેડલ જીતી છે. તે રિલે દોડ પૂરી કર્યા પછી નજીકની બેન્ચ પર જઈને બેસી ગઈ હતી અને તેની આંખોમાં હર્ષનાં આંસુ હતા. સાથી સ્પર્ધકો કિરણ પહલ અને પ્રાચી ચૌધરી તેની પાસે આવીને તેને હકીકતથી વાકેફ કરી રહી હતી કે `આપણે ગોલ્ડ મેડલ જીતી ગયાં છીએ.' ચોથી રનર પૂવમ્મા મચેટિરા તેમનાથી થોડે દૂર પ્રેક્ષકો સામે જીત સેલિબે્રટ કરવામાં મગ્ન હતી. ચારમાંથી 36 વર્ષની પૂવમ્મા એવી રનર છે જે 2014 તથા 2018ની એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમની મેમ્બર પણ હતી.
એ પહેલાં, 4*100 મિક્સ્ડ રિલે દોડમાં ભારતને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. ગુરિન્દરવીર સિંહ, અનિમેશ કુજુર, સ્નેહા સત્યનારાયણ અને હરિતા ભદ્રાએ આ દોડ 41.06 સેક્નડમાં પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
પુરુષોની 4*400 રિલે ફાઇનલમાં ધરમવીર ચૌધરી, વિશાલ થેન્નારાસુ, મનુ થેન્કીનાલિલ અને જય કુમારે ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો તેમ જ તેમણે વિમેન્સ 4*400 રિલેમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા ટીમ સાથે મળીને ફોટો માટે યાદગાર પોઝ આપ્યો હતો. ધરમવીર ઍન્ડ કંપનીએ 4-100 રિલે ત્રણ મિનિટ, 01.61 સેક્નડમાં પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ રેસમાં જાપાન અને કતારના રનર્સ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.
બૉક્સર અંકુશ ગોલ્ડની લગોલગ
એ પહેલાં, બૉક્સિંગમાં અંકુશ પંઘાલે આઠ વર્ષનું મહેણું ભાંગ્યું હતું. ભારતે પુરુષોની મુક્કાબાજીમાં ફાઇનલિસ્ટ પહોંચાડીને આ સિદ્ધિ મેળવી હતી. અંકુશે 80 કિલો વજનવાળી કૅટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઊંચા કૂદકામાં પૂજાને બ્રૉન્ઝ
19 વર્ષની હાઇ-જમ્પર પૂજા સિંહે શરૂઆતના આંચકા બાદ છેવટે 1.84 મીટરના પર્ફોર્મન્સ સાથે ઊંચા કૂદકામાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
ગુલવીરની 75 વર્ષ જૂના વિક્રમની બરાબરી

પુરુષોની હરીફાઈના રનર ગુલવીર સિંહે કમાલ જ કરી નાખી હતી. તે એક જ એશિયન ગેમ્સમાં ત્રણ ટ્રૅક ઍન્ડ ફીલ્ડના ત્રણ ચંદ્રક જીતનાર બીજો ભારતીય છે. તેણે ભારતના ભૂતપૂર્વ રનર લૅવી પિન્ટોની બરાબરી કરી હતી. પિન્ટો 1951ની એશિયાડમાં 100 મીટર, 200 મીટરમાં ગોલ્ડ મેડલ તથા 4*100 રિલેમાં સિલ્વર મેડલ જીત્યા હતા. આ વખતના એશિયાડમાં ગુલવીર સિંહે 10,000 મીટર રેસમાં બ્રૉન્ઝ, 1500 મીટર રેસમાં પણ બ્રૉન્ઝ તેમ જ 5000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. તે આ કૅટેગરીમાં ત્રણ મેડલની સિદ્ધિ મેળવનાર ભારતીયોમાં છેલ્લાં 75 વર્ષનો પ્રથમ રનર છે. મહિલાઓમાં આ સિદ્ધિ પી. ટી. ઉષાએ 1986માં સૉલ એશિયાડમાં ચાર મેડલ સાથે અને કે. એમ. બીનામોલે 2002માં બુસાન એશિયાડમાં ત્રણ મેડલ સાથે હાંસલ કરી હતી.