કોલકાતા: અહીં રવિવારે રાજસ્થાનના લેફટ આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ કોલકાતા સામેની મૅચમાં આઠ રનમાં બે વિકેટ લીધી હતી અને તેની એક ઓવર બાકી રહી હતી એમ છતાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે છેલ્લી ક્ષણોમાં જાડેજા (Jadeja)ને બાજુ પર રાખીને બિનઅનુભવી પેસ બોલર બ્રિજેશ શર્માને બોલિંગ આપી અને રાજસ્થાન હારી ગયું એને પગલે સ્પિન-લેજન્ડ રવિશ્ચંદ્રન અશ્વિને રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ (Riyan Parag) સામે આંગળી ચીંધી છે. અશ્વિન (Ashwin)નો આક્ષેપ છે કે રિયાન પરાગે જાડેજા પર કેમ વધુ ભરોસો ન મૂક્યો?
અશ્વિને પોતાની યુટયૂબ ચેનલ પર સીધો આક્ષેપ જ કર્યો છે કે રિયાન પરાગે શું કામ મૅચના સફળ સ્પિનર જાડેજાની બાકી રહેલી એક વારનો ઉપયોગ નહોતો કર્યો? અશ્વિનનું માનવું છે કે જો જાડેજાને તેની ચોથી ઓવર આપવામાં આવી હોત તો તેણે રિન્કુ સિંહની વિકેટ લીધી હોત અને રાજસ્થાન જીતી શક્યું હોત.
રિન્કુ સિંહે કેવી રીતે જિતાડ્યા?
પૉઇન્ટ્સ-ટેબલની ત્રીજા નંબરની ટીમ રાજસ્થાન રૉયલ્સને ત્યારના તળિયાના કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની રવિવારની મૅચમાં 155 રનનો પોતાનો સ્કોર ડિફેન્ડ કરવાનો સોનેરી મોકો હતો, પરંતુ મૂંઝાયેલા કૅપ્ટન રિયાન પરાગની કેટલીક ભૂલને કારણે રાજસ્થાનની ટીમે બે પૉઇન્ટ ગુમાવવા પડ્યા હતા. કોલકાતાને જીતવા 156 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. હાર્ડ-હિટર અને આ વખતે કોલકાતાને અસલ મિજાજમાં પહેલી વખત જિતાડવાની તલાશમાં રહેલા રિન્કુ સિંહે (53 અણનમ, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ બિનઅનુભવી પેસ બોલર બ્રિજેશ શર્માની 20મી ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને કોલકાતાને દિલધડક વિજય અપાવ્યો હતો. બે વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજાની એક ઓવર બાકી હતી અને એક વિકેટ લેનાર પેસ બોલર નેન્ડ્રે બર્ગરની બે ઓવર પણ બાકી હતી છતાં રિયાન પરાગે બ્રિજેશ શર્મા (1.4-0-21-0)ને 18મી અને પછી 20મી ઓવર આપીને દાટ વાળ્યો હતો. એ બે ઓવરમાં કોલકાતાએ વિજય માટે જરૂરી રન કરી લીધા હતા.
રિયાન પરાગે શું કારણ આપ્યું?
રિયાન પરાગે મૅચ પછી કહ્યું, `હું બ્રિજેશને 14મી અને 16મી ઓવર આપવાનો જ હતો, પરંતુ કોલકાતાએ વિકેટો ગુમાવી હતી અને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનો રમવા આવ્યા હતા એટલે મેં પોતે ઑફ સ્પિન બોલિંગ કરી હતી તેમ જ બે સ્પિનર (જાડેજા, યશ રાજ પુન્જા) પણ સારી બોલિંગ કરી રહ્યા હતા. જોકે બિશ્નોઈની ઓવર પૂરી થયા પછી મેં જોયું કે બન્ને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન રિન્કુ અને અનુકૂલ રૉય સારું રમી રહ્યા છે એટલે મેં સ્પિનર્સની વધુ મદદ લેવા કરતાં પેસ બોલર બ્રિજેશને 18મી અને 20મી ઓવર આપી હતી.'
ક્રોધિત અશ્વિનના રિયાન પરાગ પર કયા આક્ષેપો?
(1) ટીમમાં રવીન્દ્ર જાડેજા જેવો અનુભવી સ્પિનર હોય અને મૅચની છેલ્લી ક્ષણોમાં બિનઅનુભવી બ્રિજેશ શર્માને બોલિંગ આપવી એ વળી કેવી સમજદારી કહેવાય?
(2) જાડેજા વર્લ્ડ ક્લાસ સ્પિનર છે. રિયાન પરાગે તેની બોલિંગ કરતાં આંકડાઓ પર વધુ ભરોસો મૂક્યો. જે બોલરે ત્રણ ઓવરમાં આઠ રન આપીને બે વિકેટ લીધી હોય તેને ચોથી ઓવર કેમ ન અપાય?
(3) રિન્કુ સિંહ જ્યારે તેના અસલ ફોર્મમાં રમી રહ્યો હતો ત્યારે રિયાન પરાગને લાગ્યું કે જાડેજાના સ્પિન કરતાં પોતાના ઑફ સ્પિન રિન્કુને ભારે પડશે. એવું વિચારીને રિયાને પોતે એક ઓવાર બોલિંગ કરી હતી, પરંતુ જાડેજાને ચોથી ઓવર ન જ આપી.
(4) ભલે જાડેજાને ચોથી ઓવર આપીને હારી પણ ગયા હોત તો પણ એવું તો કહેવાત કે તમે તમારા બેસ્ટ બોલરનો ઉપયોગ કર્યા પછી હાર્યા. એને બદલે બ્રિજેશ જેવો બોલર કૅ જેને આઈપીએલનો કોઈ અનુભવ નથી તેને ડેથ ઓવર્સમાં બોલિંગ આપવાનો શું મતલબ?
📢 Ravi Ashwin brutally exposes Riyan Parag’s captaincy.
— AK 45 (@ImRo45_Club) April 19, 2026
Ashwin said 🗣️ : "When you have a world-class spinner who conceded just 8 runs in 3 overs, yet you think you’re an off-spinner who can bowl to these two left-handers but not Jaddu — that shows a poor captaincy mindset.… pic.twitter.com/7MoIuM80c0
(5) જાડેજાને જો ચોથી ઓવર અપાઈ હોત તો તેણે રિન્કુની વિકેટ લીધી હોત અને જાડેજા મૅન ઑફ ધ મૅચ બની ગયો હોત.
(6) ક્યારેય બૅટ્સમેનો સાથે આવો ભેદભાવ થતો જોયો છે? જાણીતા બૅટ્સમેનનો ભલે નબળું રમતા હોય પણ તેમને તેમના ક્રમે બૅટિંગમાં મોકલવામાં જ આવતા હોય છે. બોલર સાથે જ કેમ કેપ્ટન આવો ભેદભાવ કરતો હોય છે?
(7) કેપ્ટન રિયાન પરાગે બિનઅનુભવી પેસ બોલર બ્રિજેશ શર્માને 18મી અને 20મી ઓવર આપી, પણ જાડેજાની ચોથી ઓવરનો ઉપયોગ ન કર્યો તે ન જ કર્યો.