મુકેશ પંડ્યા
બ્રહ્મચર્યાશ્રમ-ગૃહસ્થાશ્રમ-વાનપ્રસ્થાશ્રમ વ્યવસ્થા એ બાળપણ, યુવાની અને ઘડપણને લીકપ્રુફ બનાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થા હતી.
થોડા દિવસો પહેલા આપણે ગુરુપૂર્ણિમા ઉજવી હતી, ત્યારે પ્રાચીન કાળમાં ગુરુ - શિષ્ય સંબંધો કેવા હતા અને એ વખતની શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે લીકપ્રુફ હતી એ સમજવું રસપ્રદ થઈ રહેશે. આ સમજવા માટે એ સમયની આશ્રમ વ્યવસ્થા વિશે પણ ટૂંકમાં જાણી લેવું જરૂરી છે.
વાત એમ છે કે વૈદિકયુગમાં મનુષ્ય જીવનના સો વર્ષ વ્યવસ્થિત અને સંતુલિત રીતે જીવવા માટે આયુષ્યને ચાર ભાગમાં વહેંચી લેવામાં આવ્યું હતું,જેને ચતુરાશ્રમ કહે છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ.
સૌપ્રથમ આવે -
બ્રહ્મચર્યાશ્રમ (0થી 25 વર્ષ ). આ સમય ભણતર અને જ્ઞાન મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય બની રહેતો. એ સમયે પાંચથી પચીસ વર્ષના બાળકો, કિશોરો અને યુવાનો ગુરુકુળમાં રહીને અવનવી વિદ્યા, કળા, સંસ્કાર અને શિસ્ત શીખતા. અહીં માત્ર રોજગારલક્ષી કોર્સીસ નહીં માનવમૂલ્યોનું પ્રશિક્ષણ પણ આપવામાં આવતું હતું.
માત્ર ધન ઉપાર્જન જ નહીં પરંતુ તન,મન અને આત્મા વિશેનું જ્ઞાન પણ આ અવસ્થામાં આપવામાં આવતું. માબાપ પોતાના સંતાનને જન્મથી લઈને પાંચ સાત વર્ષ ઉછેરતા. તેને પ્રાથમિક જ્ઞાન આપતા પણ પછી કોઈ સબળ ગુરુના માર્ગદર્શન અને શિક્ષા પ્રાપ્તિ અર્થે બાળકોને નજીકના વન ઉપવનમાં આવેલા આશ્રમમાં મોકલવામાં આવતા.
શિક્ષણ પ્રાપ્તિ માટે જે એકાગ્રતા જોઈએ એ અહીંના શાંત વાતાવરણમાં મળી રહેતી. વળી કુદરતના સાંનિધ્યમાં નિરીક્ષણ શક્તિ સોળે કળાએ ખીલી ઉઠતી. શિસ્તમય જીવનના પાઠ શીખવા મળતા.
આજે જ્યારે ભૌતિક યુગમાં નાની ઉંમરમાં જ બાળકોના હાથમાં મોબાઈલ આવી જાય છે ત્યારે એ ન જોવાનું પણ જોઈ લે છે. ગૃહસ્થાશ્રમમાં શીખવા અને આચરવા જેવી વાતો બાળપણમાં અને કિશોરાવસ્થામાં જ શીખવા લાગે છે. શિક્ષણ એનો આરાધ્ય દેવ બનવો જોઈએ એની બદલે પ્રેમ, સેક્સ અને પૈસો જ તેના માટે પરમેશ્વર બતી જાય છે. એ પોતાના માબાપને, વડીલોને ગૃહસ્થાશ્રમ ભોગવતા જુએ છે.
અર્થ અને કામ માટે પુરુષાર્થ કરતા જુએ છે અને તેની લર્નિંગ પ્રોસેસમાં બાધા ઉત્પન્ન થાય છે. ધંધા કે વ્યવસાયમાં ટકી રહેવા માટે આચરવામાં આવતા જૂઠાણાંનો સાક્ષી બને છે. પૈસા માટે કોઈ પણ હદ સુધી પહોંચતા લાલચુઓને જુએ છે, આજીવિકા રળવા માટે થઈને ભ્રષ્ટ આચાર કરતા લોકોને જુએ છે.
શારીરિક ક્ષુધા સંતોષવા હવાતિયાં મારતાં લોકોને જુએ છે. એને તો એમ જ લાગે છે કે આ જ મારું જીવન છેઅને મારે પણ મોટા થઈને આવી જ અર્થ અને કામલક્ષી પ્રવૃતિઓમાં જોતરાવાનું છે. આજે તો પૈસા આપીને પેપર ફોડાવવા કે પૈસા દબાવીને નોકરી પાકી કરી લેવી એ ભ્રષ્ટાચાર નહીં પણ શિષ્ટાચાર ગણાય છે. નવી પેઢી પણ જૂની પેઢીના કરતૂતોનું અનુસરણ કરવા જ પ્રેરાય છે.
પરંતુ આ તો થઈ સમસ્યા પણ આનું સમાધાન શું?
આનું નિરાકરણ એ જ છે કે વિદ્યાર્થીઓને ગૃહસ્થાથાશ્રમ એટલે કે 26થી 50 વર્ષનું આયુષ્ય ભોગવતા સંસારી લોકોથી દૂર ભણાવવા મોકલવો જ્યાં એને પૈસાની જાણકારીની સાથે સાથે પરમ તત્ત્વનું જ્ઞાન પણ મળે. જયાં એને શરીરની સાથે સાથે મન અને આત્માના વિકાસની ચાવી પણ જડી જાય. જ્યાં એને સમગ્ર બ્રહ્મની ચર્યા (શોધ) કરવાની તક મળી જાય. એને જ તો બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ પ્રવૃત્તિ માટે સંસારી લોકોથી દૂર વન જેવા પ્રકૃતિ છલોછલ સ્થાનમાં રહેલા આશ્રમમાં ભણવા જવું એ વૈદીક યુગની શ્રેષ્ઠ વ્યવસ્થા હતી.
હવે ભ્રષ્ટાચાર રહિત ભણતર માટે સ્થાન તો મળી ગયું પણ ભ્રષ્ટાચાર રહિત શિક્ષકો લાવવા ક્યાંથી? આનો ઉપાય પણ આપણી આશ્રમ વ્યવસ્થામાંથી જ મળી રહે છે સાહેબ તમે ચિંતા શા માટે કરો છો? આનો શ્રેષ્ઠ ઉપાય છે વાનપ્રસ્થાશ્રમ.
યસ વાનપ્રસ્થાશ્રમ.
હવે વાનપ્રસ્થાશ્રમ એટલે શું એ પહેલા સમજીએ.
વાનપ્રસ્થાશ્રમનો સમય છે આયુષ્યના 51 થી 75 વર્ષ. આ સમય મોહ-માયા અને સંસારની જવાબદારીઓમાંથી ધીમે-ધીમે મુક્ત થવાનો છે.
પોતાના સંતાનોને ઘરબાર અને કારભાર સોંપીને ઈશ્વર ભક્તિ અર્થે વનમાં કે શાંતિમાં સમય વિતાવવાનો છે.
હવે તમે જ વિચાર કરો કે બ્રહાચર્યાશ્રમ પાળતા વિદ્યાર્થીઓને પૈસા કમાવાની જરૂર નથી હોતી અને વાનપ્રસ્થાશ્રમ પાળતા વડીલોને પૈસા કમાવાનું ટેન્શન નથી હોતું તો ભ્રષ્ટાચારની શક્યતાઓ કેટલી બધી ઘટી જાય. માત્ર એક વર્ગને જ્ઞાન લેવું છે અને બીજા વર્ગને પોતે જે 50 વર્ષ સુધી જે શીખ્યો છે તે બીજાને શીખવાડવું છે. બન્ને વર્ગ એવા છે જ્યાં અર્થ (પૈસો) અને કામ (જાતિયતા-સેક્સ) માટે સ્થાન નથી. જ્યાં સ્વાર્થ નથી પરંતુ જ્ઞાન અને સંસ્કારની આપ-લે માટે વધુ સમય છે. વધુ અનુકૂળતા છે.
આમ સંસારથી દૂર રહેતા બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ પાળતા લોકો ભષ્ટાચાર રહિત જીવન સરળતાથી જીવી શકે છે. લીકપ્રુફ વ્યવસ્થા ઊભી કરી શકે છે અને હા આનો ચેપ ગૃહસ્થાશ્રમને પણ લાગી શકે છે. જેમ લોખંડના સળિયાને બન્ને બાજુથી ગરમ કરીએ તો વચ્ચેનો ભાગ પણ ગરમ થયા વગર રહે નહીં. આ જ રીતે આપણા જીવનનો પ્રથમ તબક્કો (પથી 25 વર્ષ) અને ત્રીજો તબક્કો (51 થી 75 વર્ષ) લીકપ્રુફ હોય તો ગૃહસ્થાશ્રમનો બીજો તબક્કો (26થી 50 વર્ષ) પણ લીકપ્રુફ બનવાની શક્યતાઓ વધી જાય છે.
આમ આપણી આશ્રમ વ્યવસ્થા એ બાળપણ, યુવાની અને ઘડપણને લીકપ્રુફ બનાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થા હતી.
ત્યાર બાદ આવે છે સંન્યાસાશ્રમ,જ્યાં અહમ કરતા પરમનું મહત્ત્વ વિશેષ હતું.
જે સુપ્રીમ એનર્જી (ઇશ્વર) પાસેથી આવ્યા છીએ ત્યાં પાછા ફરવાની (મોક્ષ)ની ઈચ્છા વધુ પ્રબળ બનતી પરંતુ મોક્ષ ન મળે અને બીજો જન્મ થાય તો એ જન્મારો પણ સુધરી જતો.
હાય રે નસીબ! આપણે સનાતન ધર્મ ભૂલ્યા! તેની ઉપેક્ષા કરી. હે પ્રભુ બની શકે તો અમને માફ કરજે!