Thu Sep 10 2026

Logo

પંચતત્વમાં વિલીન આશાતાઈ: અમિતાભ-શાહરૂખ સહિતના દિગ્ગજો પહોંચ્યા અંતિમ વિદાય આપવા, સંગીત જગતના એક સુવર્ણ યુગનો સૂર્યાસ્ત

2026-04-13 17:33:00
Author: Darshana Visaria
પંચતત્વમાં વિલીન આશાતાઈ: અમિતાભ-શાહરૂખ સહિતના દિગ્ગજો પહોંચ્યા અંતિમ વિદાય આપવા, સંગીત જગતના એક સુવર્ણ યુગનો સૂર્યાસ્ત

મુંબઈઃ સૂર સમ્રાજ્ઞી આશા ભોસલે જીના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. 92 વર્ષીય આશા ભોસલેના નિધનને કારણે સંગીત જગતના એક યુગનો અંત આવતા બોલીવૂડ હસ્તીઓ, રાજકારણીઓ અને લાખો ચાહકો ભારે હૈયે તેમને વિદાય આપી હતી. આશાતાઈ અમર રહેના નારા સાથે આશા ભોસલેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. 

મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે આશા ભોસલેજીના પાર્થિવ શરીર પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આશાજીના ફેન્સ અને બોલીવૂડ સેલેબ્સે ભારે હૈયે વિદાય આપી હતી. 

આશાતાઈને અંતિમ વિદાય આપવા માટે બોલીવૂડની મોટી મોટી હસતીઓ ઉમટી પડી હતી. આશાતાઈને વિદાય આપવા માટે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને સચિન તેંડુલકર સહિતના દિગ્ગજો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર અને સાયરા બાનુ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચને આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આશાજી આજે આપણી વચ્ચે સદેહે હાજર નથી, પરંતુ તેમની આત્મા અને અવાજ હંમેશા અમર રહેશે. આશાજીની આખી જર્ની ખૂબ જ શાનદાર રહી હતી. તેમના જવાનું ખૂબ જ દુઃખ છે. 

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય પ્રધાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આશા ભોસેલેના માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. દિગ્ગજ ગાયિકાને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં ચાહકોએ ભીડ કરી હતી. મુંબઈના રસ્તાઓ પર હજારોની મેદની ઉમટી પડી હતી. ચાહકો આશાતાઈ અમર રહોના નારા સાથે પોતાની પ્રિય ગાયિકાને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. 

આશા ભોસલેને વિદાય આપવા માટે ભોંસલે અને મંગેશકર પરિવારના સભ્યો અંતિમ વિધિમાં જોડાયા હતા. લતાજી બાદ હવે આશાજીની વિદાયથી સંગીત જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે અને સંગીત જગતના એક યુગનો અંત આશાજીની વિદાયથી આવ્યો છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.