અરવિંદ વેકરિયા
બાવીસ પાનાંમાંનું એકનું એક લખાણ સારા અક્ષરોમાં પચ્ચીસ પાનામાં લખી મને સુપરત કર્યું છે એ વાત જાણીને મને નવાઈ સાથે આંચકો પણ લાગ્યો. જે વાત મુળુભાએ ઇન્દુભાભીનાં મોઢે કહેવડાવી કે... આ નાટક લખાશે એવી આશા ન રાખતાં. એ ફિલ્મોમાં એટલાં બિઝી છે કે સમય લખવા માટે કાઢી જ નહિ શકે.
આ વાત મુળુભા ખુદ મને પણ કહી શક્યાં હોત. શક્ય છે કે એમણે મને આપેલો સમય સાચવી ન શક્યાં એટલે કહેવામાં ક્ષોભ અનુભવ્યો હશે. મુળુભા આમ પણ અતિશય લાગણીશીલ. મરતાને મર ન કહે. જયારે બહુરૂપી સંસ્થાએ ત્રીજું નવું યુનિટ શરૂ કર્યું (‘ધૂપછાંવ’ અને ‘કેવડાના ડંખ’ નાં બે યુનિટ ઉપરાંત) ત્યારે મને અને પ્રતાપ સચદેવને લાલુ શાહનો સંપર્ક કરવાનું એમણે જ કહેલું અને અમારી ભલામણ પણ એમણે જ કરેલી. દિલનાં બહુ ‘આળા’ હતા. લેખકની ભાષામાં કહેતા, ‘ખિસ્સાનું વજન વધારવામાં દિલ પર વજન વધે તો સમજવું કે સોદો નુકસાનીનો છે. એમની એકાંકીની બુક વતેસરની વાત પબ્લિશ થયેલી. એ કેટલી બધી જગ્યાએ ભજવાઈ હશે, એની ‘રોયલ્ટી’ આવે તો ઠીક નહિ તો નાટિકા ભજવાઈ ને. એવો સંતોષનો ઓડકાર ખાનાર જીવ.
હવે તો હાલોલનાં લકી સ્ટુડિયોમાં ફોન કરી પૂછવું અર્થ વગરનું હતું. ત્યાં તેઓ પોતાનાં કામમાં અટવાયા હોય ત્યાં હું ક્યાં એમને ટેન્શનમાં મુકું.!
એમનાં ઘરે ફોન કર્યો ત્યારે ઇન્દુભાભીએ કહ્યું’તું કે મુળુભા 15/20 દિવસમાં આવી જશે. એક તો ‘મળે સૂર...’ માટે ‘બંધ’ની વાત કરવાની હિમ્મત નહોતો કરી શકતો ત્યાં હવે મહેન્દ્ર બોહરાનો પ્રોજેક્ટ વધુ લંબાતો જતો હતો. આટલાં અનુભવે મને મેચ્યુરિટી તો આપી, પણ મુકેશ-દેવેશ-વિજયને વાત કહેવાની હિમ્મત ન આપી. મેચ્યોર હોવું એ પણ મુસીબતભર્યું કામ છે, આપણી આંખોને કાબૂમાં રાખી બીજાની આંખો લૂંછવાની. મારી સ્થિતિ આવી જ હતી.
મુળુભાની વાત જણાવવા મેં મહેન્દ્ર બોહરાને ફોન કર્યો. એ સંજય દત્તની કોઈ ફિલ્મનાં ક્લાયમેક્સ શૂટ કરવામાં બિઝી હતો. એ પોતે પણ 15/20 દિવસ સમય કાઢી શકે એમ નહોતો. એને મુળુભા સાથે બધી વાત થઈ ગયેલી. હું જ એવો હતો જેને ઇન્દુભાભી થ્રુ ખબર પડી
ખેર! તેજપાલનો શો, ‘મળે સૂર...’ સારો ગયો. બીજા બે સોલ્ડ-આઉટ શો મળ્યાં. એ પણ ગામને ગોંદરે. એક થાણામાં હતો અને બીજો કલ્યાણ. તેજપાલ પછી થાણા હતો. પછી રવિવારે શો નહોતો અને પછી કલ્યાણ હતો.
વિજય રાવલે આછડતી વાત કરી કે, ‘દાદુ, હવે જરા હાઉસ સુધરે તો ઠીક નહિ તો...’ વાત અધૂરી છોડી એ વાત પણ હું પૂરી ન કરી શક્યો. વિજય-મુકેશ-દેવેશ ઓછા કલેક્શન માટે કશ કહેતા નહોતાં. હું ઈચ્છતો કે એ વાત કાઢે. વિજયે વાત કરી ત્યારે ચાન્સ હતો પણ... મને બહુ ગીલ્ટ ફિલ થતું. મને લાગતું કે હું ‘દગો’ તો નથી કરી રહ્યો ને?જિંદગીમાં બે વાતનું હંમેશાં ધ્યાન રાખ્યું છે કે જેણે મોકો આપ્યો એને ક્યારેય દગો ન દેવો, અને જેણે દગો દીધો એને ક્યારેય મોકો ન દેવો.
તેજપાલ પછી થાણાનો શો પતાવ્યો. સોલ્ડ-આઉટ હતો એટલે કલેક્શન કેટલું? એ સવાલ જ નહોતો. ત્યાં ઈન્ટરવલમાં અચાનક મુકેશે જ વાત કાઢી. ‘દાદુ, તેજપાલ પહેલાનાં બે શોમાં સારા પૈસા તૂટ્યા’. મને હતું કે વાત વિજય રાવલ કરશે એને બદલે મુકેશે કરી. મેં હિમ્મત કરી એ તક ઝડપી લઇ કહ્યું, ‘દોસ્ત, મારી સલાહ છે કે હવે આપણે આ નાટક ‘બંધ’ કરી દેવું જોઈએ, આ સલાહ આપવાનો કેટલા સમયથી વિચાર કરતો હતો પણ હિંમત નહોતી થતી. સલાહથી સસ્તી અને અનુભવથી મોંઘી કોઈ વસ્તુ નથી. તે ગુમાવ્યાનો અફસોસ ક્યારેય કર્યો નહોતો. હું ‘આંકડા’ જોતો ને અફસોસ કરતો પણ હિંમત કરી તને કહી નહોતો શકતો. આજે તે વાત કાઢી અને મારાથી હિંમત થઈ ગઈ. આપણે કલ્યાણનાં શો પછી નાટક બંધ કરી દઈએ’.
વિજય તરત બોલ્યો, ‘ના દાદીયા, એટલું જલ્દી નહિ. એક-બે સારી તારીખો ટ્રાય કર્યા પછી એ વિચારીશું. આપણી નીતિ સારી હશે તો નિયતિ પણ મદદ કરશે. નિયતિ આપણે પહેરેલાં પગરખાથી નહિ, આપણે માંડેલાં પગલાઓથી રચાતી હોય છે...’
મારે પાછું મૌન થઈ જવું પડ્યું. વાત સમજાવી દીધી કે લોસ ખમી ન શકાય તો ખમૈયા કરવા બહેતર છે. વિજયને હજી ‘વિજય’ની આશા હતી. અને હોય જ ! કારણ થાણાનો પ્રેક્ષકોનો પ્રતિસાદ જ બધાને પોરસ ચડાવે એવો હતો.
કામચલાઉ નિર્માતા મુકેશ રાવલ અને દેવેશ સાથે સેતુ રૂપ વિજય રાવલ, એટલું તો નક્કી કરી લીધું કે ક્યા અટકવું! બે-ત્રણ શો પછી ખુશીનો આંચકો પણ આવે કે નાટક ફરી ઊપડી જાય, કોને ખબર? માની લેવું, ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના રસ્તાઓ છે પણ પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના સરળ ઉપાયો છે. અને અમારે હવે કોઈ ગેરસમજ રહી નહોતી. કલ્યાણનાં શો પછી હવે વિજય રાવલ નાટક માટે થિયેટરની સારી ત્રણ તારીખ શોધવાનો હતો.
આ તરફ હું મુળરાજ રાજડા ક્યારે ફિલ્મો પતાવીને આવે એની રાહ જોવામાં હતો.
શિક્ષક: ‘સિનિયર અને જુનિયરમાં શું ફરક છે?’
કાનજી: ‘જે સમુદ્રની પાસે રહે છે એ સી- નિયર અને જે પ્રાણી સંગ્રહાલય પાસે રહે છે એ જુ-નિયર’