કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 8)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર: 64 વર્ષ
લગ્ન તૂટે છે ત્યારે દરેક વ્યક્તિની અંદર પણ કંઈ તૂટી જાય છે. સાથે જીવેલો સમય, સુખની ક્ષણો અને એકમેક સાથે વિતાવેલી સંઘર્ષ અથવા સમસ્યાની પળો પણ જાણે કે વહેંચાઈ જાય છે. બંને વ્યક્તિ પોતપોતાનો સંઘર્ષ લઈને પોતપોતાના જગત તરફ નીકળી જાય છે, પરંતુ પોતાના અસ્તિત્વનો એક ભાગ એ પોતાના સ્પાઉસ પાસે છોડી જાય છે અને પોતાના સ્પાઉસનો એક ટુકડો તોડીને એ વ્યક્તિ પોતાની સાથે લઈ જાય છે... ગોવા છોડ્યા પછી ક્યાં જવું એની મને ખબર નહોતી. એટલે હું પાછી દિલ્હી આવી.
અહીં જીવવા માટે, સારી રીતે જીવવા માટે પૈસા જોઈશે જ એ મને સમજાઈ ગયું હતું. હું નાનાં-મોટાં ફ્રિલાન્સ કામ કરતી હતી ત્યારે મને મારા એક મિત્રએ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સમાં એક સારી પોસ્ટ પર નોકરી છે એવી માહિતી આપી. મેં ઍપ્લાય કર્યું અને મને નોકરી મળી ગઈ! હવે દિલ્હીમાં એક સારી આરામદાયક જિંદગીની શરૂઆત થઈ. નવાઈની વાત એ છે કે લડતાં-ઝઘડતાં બે જણા સાથે જીવતા હોય ત્યારે એકલતાનો વિચાર પણ નથી આવતો, પરંતુ આપણી પ્રિય વ્યક્તિને છોડી દીધા પછી એકલતા ઘેરી વળે છે.
દિલ્હીના એ દિવસોમાં મારી ભૂલમાંથી શીખ્યા પછી મેં પુરુષોની સાથે એક અંતર જાળવવાનું શરૂ કર્યું. મિત્રો ઘણા હતા, પણ ઇમોશનલ એટેચમેન્ટ ન થાય એનું હું ખાસ ધ્યાન રાખતી હતી. લાંબા સમય સુધી હું સ્વયંને જ શોધતી રહી. આર્કિટેક્ચર ભણ્યા પછી એક સારી નોકરી હાથમાં હતી, એ સિવાય મારી પાસે એવું કંઈ જ નહોતું જે બતાવીને હું મેરી રૉયને કહી શકું કે જો! હું એક સારી જિંદગી જીવું છું.
એ દિવસોમાં લલિત-મારો ભાઈ પણ દિલ્હીમાં રહેતો. અમે અવાર-નવાર મળતા. એ મારી માને ક્યારેય ધિક્કારી ન શક્યો, મને એની નવાઈ લાગે છે. મેરી રૉયના હાથનો આટલો બધો માર ખાધા પછી, વાંક વગર અપમાનિત થયા પછી કે મેરીની બધી કડવાશનો, અભાવોનો ભોગ બન્યા પછી પણ લલિતે કોઈ દિવસ માને ધિક્કારી નહીં, બલ્કે એ નિયમિત કેરાલા જતો. હું લગભગ આઠ વર્ષ સુધી એને મળવા ન ગઈ ને એણે પણ મને બોલાવાનો કે મારો સંપર્ક કરવાનો પ્રયાસ ન કર્યો. આમ તો અમે બંને એક જેવા જ છીએ અથવા, હું એના જેવી છું એવું મને હવે સમજાતું જાય છે...
ડિપ્રેશનના દિવસોમાં પણ મેં કોઈ દિવસ મેરીને ફોન કરીને મારી તકલીફ જણાવવાનો પ્રયત્ન નથી કર્યો. સાચું કહું તો મને એને ફોન કરવાનો વિચાર જ નથી આવ્યો... એકલી-અટૂલી હું મારી એકલતા સામે ઝૂઝતી હતી એ વખતે મારી મુલાકાત પ્રદીપ કિશન સાથે થઈ.
1983નો સમય હશે. પ્રદીપ એક ફિલ્મ મેકર હતા. ભારતીય આર્ટ સિનેમા અને ઇન્ટેલેક્ચ્યુઅલ વર્તુળોમાં એ જાણીતા હતા. અમારા ઘણા બધા કૉમન મિત્રો હતા. પ્રદીપ કિશન સ્વભાવે શાંત અને સંવેદનશીલ હતા. અમારી વચ્ચે વાંચનનો શોખ પણ સામાન્ય હતો. પરંપરાગત ફિલ્મી લોકો વિશે હું જે માનતી હતી એમાંનું કશું જ પ્રદીપમાં નહોતું. એમને ગ્લૅમર કે નૉર્મલ ફિલ્મી દુનિયા સાથે કંઈ લેવાદેવા નથી. અમે મળ્યા પછી અમારી વચ્ચે એક વિચિત્ર પ્રકારની દોસ્તી પાંગરી. જેમાં અમે માત્ર પુસ્તકો વિશે, ફિલ્મો વિશે કે જીવનની ફિલોસોફી વિશે વાતો કરતા.
એ વખતે પ્રદીપ હિન્દી ભાષામાં ‘મેસી સાહેબ’ (રઘુબીર યાદવ) નામની ફિલ્મ બનાવતા હતા. એમણે એ ફિલ્મમાં મને એક નાનકડો રોલ ઑફર કર્યો. મને ખૂબ હસવું આવ્યું. હું બીજું કંઈ પણ હોઈ શકું, ઍક્ટર તો નહીં જ! જોકે, પ્રદીપને વિશ્વાસ હતો કે એ રોલ માટે હું જ એપ્ટ હતી... ખેર, મેં એ બકરી ચરાવતી છોકરીનો રોલ કર્યો. બ્લાઉઝ વગરની સાડી પહેરીને, કાળી, મેકઅપ વગરની અરુંધતિને સ્ક્રીન પર જોવાની મને પણ મજા તો આવી! અમે ધીમે ધીમે નિકટ આવવા લાગ્યા, પણ અમારી વચ્ચે કોઈ રોમાન્સ કે પ્રેમ હતો એવું હું આજે પણ ન કહી શકું!
જેરાર્ડની સાથેનો સંબંધ એક ઝંઝાવાતી, તોફાની, વિદ્રોહી સંબંધ હતો. જ્યારે પ્રદીપ સાથેનો સંબંધ સર્જનાત્મક, ભાવાત્મક અને સ્થિર સંબંધ હતો. અમે બંને ભીતરથી એકલાં હતાં, અને એકલાં રહેવા માગતાં હતાં! છતાં અમને એકબીજાનો સાથ ગમતો હતો! અમે એકબીજાના એકાંતને સન્માન આપી શકતાં. એકબીજાની સર્જનાત્મકતાનો આદર કરી શકતાં. રાજકારણ, ભાષા, કલા, ફિલ્મો અને સંસ્કૃતિ જેવી કેટલીયે બાબતો પર અમે વાતો કરી શકતાં. પહેલાં અમે સાથે રહેવા લાગ્યાં અને પછી પ્રદીપના કહેવાથી અમે લગ્ન કર્યાં.
જોકે, પ્રદીપ ભલે મારા જીવનનો આધાર હોય, પરંતુ હું ભીતરથી અશાંત જ રહી. બાળપણની કેટલીક સ્મૃતિઓમાંથી હું મુક્ત થઈ શકતી નહોતી. મેં થોડો વખત થેરાપી પણ કરી. મનોચિકિત્સક સાથેની વાતચીતમાં પણ મને એ જ સમજાયું કે મેરી રૉયની હાજરી પરોક્ષ રીતે પણ મારા જીવનમાં હંમેશાં રહી. હું ક્યારેક મારા જીવનના અભાવો વિશે એટલી બધી સંવેદનશીલ થઈ જતી કે મને સંભાળવી અઘરી થઈ પડતી.
મેં અને પ્રદીપે સાથે મળીને ત્રણેક ફિલ્મો પર કામ કર્યું. જેનું લેખન મેં કર્યું અને દિગ્દર્શન પ્રદીપે કર્યું. એ ફિલ્મોને કાન્સ અને બીજા અનેક ફેસ્ટિવલમાં સન્માન મળ્યું, પરંતુ પતિ-પત્ની તરીકે અમે બહુ રોમેન્ટિક કે ગ્લૅમરસ ન રહી શક્યાં. મારું રાજકીય વિસ્ફોટક લખાણ, મારા ઉદ્દામવાદી વિચારો અને એકથી બીજા અંતિમ સુધી ઝૂલતા રહેવાની મારી માનસિકતાએ મને ક્યાંય સ્થિર થવા દીધી નહીં.
હું જ્યારે લખતી ત્યારે સિસ્ટમ સામેનો વ્યંગ, શહેર અને સત્તા પ્રત્યેનો અણગમો, પ્રજાના દુ:ખને હાસ્ય બનાવીને એક જુદા જ પ્રકારના લખાણ સાથે ધીમે ધીમે મારું કામ લોકપ્રિય થવા લાગ્યું. નાગરિકો સામે પોતાની શક્તિનો દુરુપયોગ કરતા નેતાઓ, કશ્મીર, છત્તીસગઢ અને ઉત્તર-પૂર્વ ભારત જેવાં રાજ્યોમાં ચાલતા સૈનિકીકરણ અને રાજકીય હિંસા, કહેવાતા ડેવલપમેન્ટ મોડલ અને ગ્લોબલાઇઝેશન સામેનો વિરોધ, અમેરિકાનું આધિપત્ય અને એની યુદ્ધખોર શૈલીથી શરૂ કરીને એવા વિષયો પર હું લખતી રહી જે ધીમે ધીમે ચર્ચાસ્પદ બનવા લાગ્યા.
લોકોને મારું લખાણ ગમવા લાગ્યું અને મિત્રો આગ્રહ કરવા લાગ્યા કે મારે પુસ્તકો લખવાં જોઈએ. મને પણ લખાણમાં મારો સ્વર મળવા લાગ્યો. અત્યાર સુધી જે ભટકતી, અસ્થિર છોકરી વારંવાર મને વિચલિત કરતી હતી એને જાણે એક અભિવ્યક્તિ મળવા લાગી... પ્રદીપ મારા આ અંતિમવાદી વિચારો અને સિસ્ટમ સામેના આક્રોશ સાથે બહુ સહમત નહોતા, જોકે એમણે મને ક્યારેય રોકી નથી. ધીમે ધીમે મારું બહાર ફરવાનું વધ્યું, મિત્રવર્તુળ બદલાયું. હું જે પ્રકારના લોકો સાથે ઊઠવા-બેસવા લાગી કે મારો સંબંધ વધવા લાગ્યો એ પ્રદીપ માટે બહુ આરામદાયક વ્યવસ્થા નહોતી.
1992માં પ્રદીપથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારે અમે પરંપરાગત રીતે ઝઘડીને એકબીજા પરત્વે અણગમો ધરાવતાં પતિ-પત્નીની જેમ છૂટાં નથી પડ્યાં. આજે પણ હું અને પ્રદીપ સારા મિત્રો છીએ. બે બુદ્ધિશાળી વ્યક્તિઓ એકબીજા સાથેના મતભેદને આદરથી સ્વીકારે એમ અમે એકબીજા સાથેના તમામ તફાવતોને સ્વીકારીને અલગ રહેવા લાગ્યાં. મેં પુસ્તક લખવાની શરૂઆત કરી. ‘ગૉડ ઑફ સ્મૉલ થિંગ્સ’નો પહેલો ડ્રાફ્ટ મારા એકાંતમાંથી જન્મ્યો.
હું એ જ પુસ્તક પર ફરી ફરીને કામ કરતી રહી. દરેક વખતે મને લાગતું કે હજી જે રીતે અને જે મુદ્દો કહેવાવો જોઈએ એ અનુભૂતિ બનતી નથી. ચાર-પાંચ વર્ષ પછી 1997માં પુસ્તક પ્રકાશિત થયું. એને બુકર પ્રાઇસ મળ્યું. આ આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટી ઘટના હતી, કારણ કે પહેલી જ નવલકથાને બુકર પ્રાઇસ મળે એવું આજ સુધી કોઈ લેખક સાથે બન્યું નથી...
એ પછી ઘણા પ્રકાશકોએ મારો સંપર્ક કર્યો. નવી નવલકથા માટે ઍડ્વાન્સ પૈસા આપવા પણ તૈયાર હતા, પરંતુ હું એક ઍક્ટિવિસ્ટ અથવા સામાજિક જવાબદાર વ્યક્તિ તરીકે એટલી વ્યસ્ત હતી કે નવલકથા લખવાનું બન્યું નહીં. બીજી નવલકથા ‘ધ મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હૅપીનેસ’ લગભગ સાત વર્ષ સુધી લખાતી રહી. વીસ વર્ષ પછી 2017માં એ પુસ્તક પ્રગટ થયું ત્યારે એને પણ એટલો જ આવકાર અને સ્નેહ મળ્યા.
લેખક તરીકે મારા સન્માનને મેરીએ સ્વીકાર્યું... હું વીસ વર્ષ પછી પહેલી વાર કેરાલા ગઈ.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રૉય) (સમાપ્ત)