Thu Sep 03 2026

Logo

પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ બાદ અરિજીત સિંહની પહેલી પોસ્ટ, પેન્ડિંગ ગીતો અને ઈન્ડસ્ટ્રીની પોલિટિક્સ વિશે કરી વાત

2026-02-25 14:46:06
Author: Mumbai Samachar Team
પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ બાદ અરિજીત સિંહની પહેલી પોસ્ટ, પેન્ડિંગ ગીતો અને ઈન્ડસ્ટ્રીની પોલિટિક્સ વિશે કરી વાત

મુંબઈ: પોતાના સુરીલા અવાજથી કરોડો દિલો પર રાજ કરનારા બોલીવુડના મશહૂર ગાયક અરિજીત સિંહે જ્યારે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે આખું સંગીત જગત અને તેના ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. અરિજીતનો અવાજ ફિલ્મોની સફળતાની ગેરંટી માનવામાં આવતો હતો, પરંતુ તેના અચાનક નિર્ણયે અનેક અટકળો જન્માવી છે. આ વચ્ચે સિંગરે સોશિયલ મીડિયા પર એક લાંબી અને રહસ્યમય પોસ્ટ શેર કરીને ચાહકો સાથે સંવાદ કર્યો છે.

નિવૃત્તિના એલાન બાદ અરિજીત સિંહે 24 ફેબ્રુઆરીએ તેના 'X' (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર એક લાંબો મેસેજ લખ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું કે આ મેસેજ માત્ર તેના સાચા શ્રોતાઓ માટે જ છે. અરિજીતે લખ્યું, "નમસ્કાર વહાલા લોકો, હું તમને જણાવવા માંગુ છું કે મેં હવે નવા પ્લેબેક પ્રોજેક્ટ્સ સાઇન કરવાનું બંધ કરી દીધું છે. જોકે, મારી પાસે ઘણા પેન્ડિંગ ગીતો છે જે હજુ રિલીઝ થવાના બાકી છે. આ ગીતો પૂરા કરવામાં મને સમય લાગશે, તેથી કદાચ આખું વર્ષ કે આવતા વર્ષ સુધી મારા ગીતો આવતા રહેશે."

અરિજીતની આ પોસ્ટ માત્ર સંગીત વિશે જ નહોતી, પરંતુ તેણે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા અંગે પણ કેટલીક આશ્ચર્યજનક વાતો કહી છે. તેણે ચાહકોને સલાહ આપતા લખ્યું કે, "તમારા શરીરમાંથી સ્પાઈક પ્રોટીન બહાર કાઢો, વાંચો, પ્રેમ કરો અને ધ્યાન ધરો. આગળ શું થશે તે કોણ જાણે છે!" સિંગરે લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રહેવાની અને શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. તેની આ વાતો પરથી લાગે છે કે તે હવે ગ્લેમરની દુનિયાથી દૂર શાંત જીવન જીવવા માંગે છે.

જ્યારે એક ચાહકે અરિજીતને પ્રીતમ, મિથુન અને એ.આર. રહેમાન જેવા દિગ્ગજો માટે ગાવાનું ચાલુ રાખવા વિનંતી કરી, ત્યારે અરિજીતે આપેલો જવાબ ચર્ચાનો વિષય બન્યો છે. તેણે લખ્યું, "કેટલાક લોકો પોતાના માટે કમ્પોઝ કરે છે, બીજા કોઈ માટે નહીં." આ ટિપ્પણીથી ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અરિજીત ઈન્ડસ્ટ્રીની પોલિટિક્સથી કંટાળી ગયો છે અને કદાચ કોઈ મોટા મ્યુઝિક ડાયરેક્ટર સાથે તેની અણબનાવ બની છે. નિષ્ણાતો માને છે કે આ જ કારણસર તેણે સ્વતંત્ર સંગીત (Independent Music) પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.