ગાંધીનગર: ગુજરાત સરકારને સનદી અધિકારીઓ આપનાર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના છેલ્લા વર્ષોમાં તેમના પૂર્વ ચેરમેન દિનેશ દાસા સિવાયના કાર્યકાળ દરમિયાન સતત વિવાદનું કેન્દ્ર બનીને રહી છે. GPSC દ્વારા પરીક્ષામાં વિલંબ, આન્સર કી, ફાઇનલ રિઝલ્ટ સહિતમાં વિલંબ બાદ હવે પેપરમાં પૂછાયેલ પ્રશ્નના જવાબને લઈને વિવાદના કેન્દ્રમાં છે અને આ મુદ્દે હાઇકોર્ટે GPSCને ઠપકો આપ્યો છે.
મળતી વિગતો અનુસાર, આ મૂળ વિવાદ છે GPSC દ્વારા લેવામાં આવેલી પરીક્ષાના પ્રશ્નના જવાબમાં ઊભી થયેલી વિસંગતતાઓ પર. GPSCની પરીક્ષાના બીજા રાઉન્ડમાં એક ઉમેદવાર માત્ર એક જ માર્કથી પાછળ રહી ગઈ હતી. આથી તેણે GPSC દ્વારા જાહેર કરવામાં આવેલી આન્સર-કીને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો અને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આયોગ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તે ખોટો છે.
આ અરજીની સુનાવણી દરમિયાન ઉમેદવારના વકીલ તરફથી એવી રજૂઆત કરવાંમા આવી હતી GCERT અને NCERTના પુસ્તકોના સંદર્ભે ઉમેદવાર સાચો ઠરે છે. જો કે આ દલીલના વિરોધમાં GPSC વતી વકીલે એવું જણાવ્યું હતું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કોર્ટે આયોગને રીતસરનું ખખડાવ્યું હતું.
આ મામલે કોર્ટે આયોગને પેપર સેટરની ઓળખ રજૂ કરવા પણ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે GPSC જેને સંદર્ભ સામગ્રી તરીકે સૂચન કરે છે તે પાઠ્યપુસ્તકો સાથે જ જવાબ મેલ ખાતો નથી. આયોગને પ્રશ્ન જે પુસ્તકના સંદર્ભથી લેવામાં આવ્યો છે તે આવૃતિ રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ આયોગ માત્ર PDF જ રજૂ કરી શક્યું હતું. આથી કોર્ટે GPSCની ટીકા કરી હતી અને આયોગને જિદ્દી અને અહંકારી ગણાવ્યું હતું. આગળ પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો.