Wed Aug 19 2026

Logo

ગુજરાતી આર્કિટેક્ટ હરિયાણીને RIBAના ફેલો તરીકે સન્માનિત કરાયા, બ્રિટિશ-અમેરિકન સંસ્થાના ફેલો બનનારા માત્ર ત્રીજા ભારતીય

2026-08-13 11:34:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (Royal Institute of British Architects – RIBA) દ્વારા ઇન્ટરનેશનલ ફેલો (FRIBA) તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. 

આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં  એક એવું આ સન્માન પોતાના દેશ પૂરતા સીમિત ના રહેતાં વૈશ્વિક સ્તરે યોગદાન આપ્યું હોય. આર્કિટેક્ચર ક્ષેત્ર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ હરિયાણીને આ એવોર્ડ મળ્યો છે. 

હરિયાણીને અગાઉ અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક્ટ્સ (AIA)ના ફેલો તરીકે પણ સન્માનિત કરાયા છે.   અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક્ટ્સ તથા  રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ એમ બંનેના ફેલો તરીકે સન્માનિત થનારા જયેશ હરિયાણી ભારતના માત્ર ત્રીજા આર્કિટેક્ટ છે. આ પહેલાં  બી. વી. દોશી અને  ચાર્લ્સ કોરિયા એ બે જ ભારતીય આર્કિટેક્ટ્સને  બંને પ્રતિષ્ઠિત સંસ્થાના ફેલોનું સન્માન પ્રાપ્ત થયું છે.

અમદાવાદમાં આઈએનઆઈ ડીઝાઈન સ્ટુડિયો સ્થાપનારા હરિયાણીએ ભારતમાં અને વિદેશમાં અનેક અદભૂત પ્રોજેક્ટ્સની ડીઝાઈન બનાવી છે. ભારતમાં ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન જયેશ હરિયાણીએ  કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી અને બેટ દ્વારકા જેવાં પવિત્ર યાત્રાધામોના માસ્ટરપ્લાન બનાવ્યા છે. આ સિવાય  ડુમસ સી ફેસ, ધરોઈ ડેમ વિસ્તાર, વિશાખાપટ્ટનમ બીચફ્રન્ટ-બે સિટી, અટલ સરોવર, શિવરાજપુર બીચફ્રન્ટ અને ચેન્નાઈ શોરલાઇન રિવાઇટલાઇઝેશનના વોટર ફ્રન્ટ માસ્ટરપ્લાન પણ બનાવ્યા છે. 

રાજકોટ સ્માર્ટ સિટી માસ્ટરપ્લાન, રાજકોટ અને ભુજ ખાતે સાયન્સ સેન્ટર્સ, ગુજરાત સાયન્સ સિટી માસ્ટરપ્લાનની ડીઝાઈન પણ હરિયાણીઓ બનાવી છે. સાયન્સ સિટીમાં બનેલી એક્વેટિક ગેલેરી તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી શ્રેષ્ઠ આર્કિટેક્ટના નમૂના મનાય છે. આ ઉપરાંત શિવ નાદર યુનિવર્સિટી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)નાં કેમ્પસ, મેઘાલય સેક્રેટરીએટ એન્ડ ડીરેક્ટોરેટ કોમ્પલેક્સ તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભવન પણ તેમની ડીઝાઈનથી બન્યાં છે. 

મવખાનુ-ન્યૂ શિલોંગ માસ્ટરપ્લાન, અમદાવાદ આઇકોનિક સિટી સ્ક્વેર તેમજ મહાબલીપુરમ, કુમારકોમ અને ધોળાવીરા ખાતેના પ્રોજેક્ટ્સ પણ તેમની ડીઝાઈનની દેન છે. હેલ્થકેર કેમ્પસમાં  બારામતી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન, પુણે પણ હરિયાણીની ડીઝાઈનના આધારે બન્યાં છે.  ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમ રિડેવલપમેન્ટ, નિરમા યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો વિઝન પ્લાન બનાવીને હરિયાણીએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ યોગદાન આપ્યું છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે જયેશ હરિયાણીએ  કાર્નેગી મેલોન યુનિવર્સિટી- ડોહર્ટી હોલ (પેન્સિલવેનિયા), કોર્નેલ યુનિવર્સિટી-ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ ફેસિલિટી (ન્યૂ યોર્ક), રેન્સલેર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર બાયોટેકનોલોજી એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝ (ન્યૂ યોર્ક), ધ ફયેઝ એસ. સરોફિમ રિસર્ચ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોલેક્યુલર મેડિસિન (હ્યુસ્ટન), અલ મફરાક હોસ્પિટલ (અબુ ધાબી) અને મોટરસિટી (દુબઈ)ની ડીઝાઈન પણ હરિયાણીએ તૈયાર કરી હતી. 

આ સન્માન અંગે જયેશ હરિયાણીએ કહ્યું કે, આર્કિટેક્ચરનો હેતુ એવાં સ્થળો બનાવવાનો છે જે બદલાતા સમાજના લોકો, સંદર્ભ અને જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. આરઆઈબીએ જેવી સંસ્થા દ્વારા સન્માન મળે  દુર્લભ છે, પરંતુ હું તેને વ્યક્તિગત સીમાચિહ્ન તરીકે ઓછું અને અમારા ક્ષેત્રના લોકોએ વર્ષોથી આર્કિટેક્ટર સેક્ટકમાં યોગદાન આપ્યું છે તેના સન્માન તરીકે વધુ જોઉં છું.