- કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 1)
નામ: એન બોલઇન
સમય: જાન્યુઆરી, 1559
સ્થળ: વેસ્ટમિનિસ્ટર એબે, લંડન
ઉંમર: 58 વર્ષ (જો જીવિત હોત તો)
આજે મારી દીકરી એલિઝાબેથ 1નો રાજ્યાભિષેક થયો. વેસ્ટમિનિસ્ટર એબેના એ ભવ્ય સમારંભમાં મારી દીકરીને રાણી જાહેર કરવામાં આવી. 25 વર્ષની એ છોકરી ઇંગ્લૅન્ડની પ્રભાવશાળી રાણી બનશે અને ઇંગ્લૅન્ડનો ઇતિહાસ બદલશે એવી મને ખાતરી છે... જોકે એ જોવા માટે હું જીવિત નથી. મને તો 1536માં શિરચ્છેદની સજા કરવામાં આવી હતી. આખું લંડન શહેર મારા શિરચ્છેદનો અમલ જોવા ટોળે વળ્યું હતું. છેક સ્કૉટલૅન્ડ અને ફ્રાન્સથી લોકો આ તમાશો જોવા આવ્યા હતા... મારી દીકરી એલિઝાબેથની ઉંમર ત્યારે ફક્ત અઢી વર્ષની હતી. એણે તો મને સરખી જોઈ પણ નથી. હું એને યાદ ન હોઉં એ સ્વાભાવિક છે, કારણ કે, એનો ઉછેર મારી મોટી બહેન મેરીએ કર્યો. આમ તો મેરી મારી મોટી બહેન, પરંતુ મહત્વકાંક્ષા, સફળતાઓ અને પ્રણયમાં હું સતત એનાથી આગળ રહી. અમારી વચ્ચે કોઈ વિચિત્ર પ્રકારની સ્પર્ધા હતી. મૃત્યુ પામવાના બે દિવસ પહેલાં હું જ્યારે વિચારતી હતી ત્યારે અમારા સંબંધ વિશે જ વિચારતી રહી... મેરી ખૂબ સમજદાર, શાંત, સરળ, નિષ્પાપ, ધર્મમાં માનનારી અને કહ્યાગરી દીકરી જ્યારે હું તેજસ્વી, સુંદર, પ્રમાણમાં ઉદ્દંડ કહી શકાય તેવી મારા સૌંદર્યથી સંપૂર્ણપણે સભાન અને સ્પષ્ટ વક્તા! મારા પિતા થોમસ બોલેન ઇંગ્લૅન્ડના રાજા હેન્રી આઠમાના વિશ્વાસુ રાજદૂત અને દરબારી હતા. રાજાને એમના પર ઘણો પ્રેમ હતો એટલે અવારનવાર એમને ઇંગ્લૅન્ડના દરબારમાં સ્થાન મળતું. મોટાભાગે એ પોતાની જાગીર કેન્ટ કાઉન્ટીમાં આવેલા હિવર કાસલમાં રહેતા હતા. લંડનથી 50-60 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલી આ જગ્યા હરિયાળી, સુંદર અને પહાડોની વચ્ચે હતી. મારા પિતાને અર્લ ઑફ વિલ્ટશાયર અને અર્લ ઑફ ઓરમોન્ડ જેવા ખિતાબો મળ્યા હતા. રાજાના સંદેશવાહક (દૂત) તરીકે એ અવારનવાર નેધરલૅન્ડ, ફ્રાંસ, સ્કૉટલૅન્ડ અને લંડન જતા. યુરોપિય રાજદરબારોમાં પણ મારા પિતાનું ઘણું માન હતું. મારી મા થોમસ હાવર્ડની દીકરી એલિઝાબેથ હાવર્ડ હતી, મારા નાના ઇંગ્લૅન્ડના સૌથી પ્રભાવશાળી ઉમરાવોમાંના એક હતા. એ નોરફ્લોકના બીજા ડ્યૂક હતા અને મારા મામા, જેમનું નામ પણ થોમસ હાવર્ડ હતું, એ નોરફ્લોકના ત્રીજા ડ્યૂક હતા. અંગ્રેજોમાં પોતાના પિતાનું, દાદાનું, નાનાનું, દાદીનું કે માનું નામ એમનાં જ સંતાનો માટે ફરી ફરીને પાડવાની પ્રથા છે. એટલે ઇંગ્લૅન્ડના રાજાઓના નામ હેન્રી 5, હેન્રી 6 કે હેન્રી 8 જેવા મળે છે. મારું નામ પણ મારાં દાદીના નામ પરથી પાડવામાં આવ્યું હતું. મારા પિતા કહેતા કે મારાં દાદી એમના સમયની સુંદર સ્ત્રીઓમાંનાં એક હતાં. એનું નામ પણ એન બોલેઇન હતું. મારો એક ભાઈ જ્યૉર્જ બોલેઈન, બંને બહેનોથી નાનો અને વહાલસોયો-તોફાની હતો. અમારો એક સુંદર, હસમુખો, રમતિયાળ પરિવાર હતો. મારા પિતા અમને બંને બહેનોને ખૂબ પ્રેમ કરતા અને મારી મા અમને એક સારી પત્ની બનવાનું, એક સારી મા બનવાનું-ઇંગ્લૅન્ડની સન્નારી બનવાનું શિક્ષણ આપતી. એ સમયે ઇંગ્લૅન્ડ એની વિચારધારામાં થોડુંક રૂઢિચુસ્ત અને જૂનવાણી હતું, જેની સામે ફ્રાંસમાં શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ફૂંકાયો હતો. ફ્રાંસની રાણી મેરી ટ્યૂડર ખૂબ પ્રસિદ્ધ હતી. એ સંગીત, નૃત્ય અને ફ્રેન્ચ ભાષાના ઉત્તમ ગ્રંથો વાંચતી. યુરોપિયન રાજનીતિ અને પુન:જાગરણ (રેનેસાં)માં એમનો ઊંડો રસ અને હિસ્સો પણ હતો. ફ્રાંસ એ સમયે નવી દિશા તરફ પગરણ માંડી રહ્યું હતું, પરંતુ ઇંગ્લૅન્ડ હજી ત્યાં જ, પેટ્રિયાર્કલ (પૈતૃસત્તાક) સમાજનો બોજ ઉઠાવી રહ્યું હતું.
મારા પિતા મારી માને ખૂબ ચાહતા એટલે એમણે ક્યારેય બીજાં લગ્ન કે રખાતો રાખવાનો વિચાર નહોતો કર્યો, પરંતુ ઇંગ્લૅન્ડના રાજપુરુષો માટે રખાતોનો કોઈ છોછ નહોતો. જેમ રોજ કપડાં બદલાય એમ આ મહાન પ્રભાવશાળી અને ઇંગ્લૅન્ડના દરબારમાં પહોંચ ધરાવતા રાજપુરુષોની રખાતો બદલાતી રહેતી. હેન્રી 8માની રસિકતા અને સ્ત્રીઓ પ્રત્યેની આસક્તિ વિશે પણ જાતજાતની વાતો સાંભળવા મળતી. મારા પિતા જ્યારે ઇંગ્લૅન્ડના રાજદરબારથી આવતા ત્યારે દરબારની ચટપટી ખબરો લઈને આવતા. મને આ ખબરોમાં બહુ રસ પડતો. હું નાનકડી હતી, પણ મારા પિતા અને એમના મિત્રોની વાતચીતનો હિસ્સો બનવું મને ગમતું. મેરી મારા જેવી નહોતી. એને ભરતગૂંથણ, રસોઈ બનાવવી અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં વધુ રસ પડતો. મેરી સૌનું પ્રિય પાત્ર હતી, કારણ કે એ કહ્યાગરી હતી, જ્યારે મને અવારનવાર ટોકવામાં આવતી, જે હું કાને ધરતી નહીં એટલે ક્યારેક સજા પણ મળતી. મારી સરખામણી સતત મેરી સાથે કરવામાં આવતી જે મને સહેજેય પસંદ નહોતું... એ કેટલી ડાહી, સમજદાર, પિતાનું માન રાખનારી, પરિવારની કાળજી કરનારી છે એ કહીને મને વારંવાર મારા અવગુણો દર્શાવવામાં આવતા. હું મનોમન મેરીને મારી બહેન નહીં, પણ મારી પ્રતિસ્પર્ધી માનવા લાગી હતી. મેરીને કંઈ રીતે ખોટી પાડવી, એની ભૂલ શોધી કાઢવી એ જ ધીમે ધીમે મારા રસના વિષયો બની ગયા હતા. જોકે મેરી એવું કરતી નહીં... એ તો ઉપરથી મારી ભૂલ પોતાના માથે લઈ લેતી. નાની બહેન તરીકે મને ખૂબ સ્નેહ કરતી. માએ સોંપેલા કામ મેં ન કયાર્ં હોય તો એ પૂરાં કરીને મેરી મને ઠપકો ન મળે એવો પ્રયત્ન કરતી, તેમ છતાં એ મને સહેજેય ગમતી નહીં!
ઘણીવાર આપણે જાણતા નથી હોતા કે આપણને સૌથી વધુ અણગમતી વ્યક્તિ જ આપણા કામમાં આવશે અથવા આપણે એની જરૂર પડશે! મારા કિસ્સામાં પણ કંઈક એવું જ થયું. હું જેને મારી સૌથી મોટી પ્રતિસ્પર્ધી ગણતી હતી એણે જ મારા શિરચ્છેદ પછી મારી દીકરી એલિઝાબેથને સંભાળી, ઉછેરી અને એને રીતિનીતિનું, શિષ્ટાચારનું શિક્ષણ આપ્યું. મેરી ન હોત તો મારી દીકરીને કદાચ રાજપરિવારમાં ફરી પાછી સ્વીકારવામાં ન આવી હોત. એલિઝાબેથ રાણી બની શકી એનાં મુખ્ય કારણોમાં મારી બહેન મેરીનો મોટા હાથ છે એમ મારે સ્વીકારવું રહ્યું...
મેરી 17 વર્ષની અને હું 15 વર્ષની હતી ત્યારે એણે પોતાના માટે પતિ પસંદ કરી લીધો. વિલિયમ કેરી એક સરસ મજાનો છોકરો હતો. રાજા હેન્રી 8માના દરબારમાં નાની ઉંમરે એને સ્થાન મળ્યું હતું. ગ્રીનવિચ પેલેસમાં 1520માં જ્યારે એમનાં લગ્ન થયાં ત્યારે હું 17 વર્ષની હતી, પણ મેરી જે રીતે સંતુષ્ટ અને આનંદિત દેખાતી હતી એ મારે માટે ચીડનું કારણ હતું... વિલિયમ ખૂબ સારો છોકરો હતો એટલું જ નહીં, એણે મેરીના સુખ ખાતર લંડન છોડીને અહીં, હિવર કાસલમાં રહેવાનું નક્કી કર્યું. મેરીને લંડનનું જીવન બહુ ફાવતું નહીં. ત્યાંના રાજદરબારોના ઠાઠ, ઔપચારિકતાઓ, પ્રોટોકોલ્સ અને રાજરમતો મેરી માટે નકામાં હતાં. એ તો એના પતિ સાથે એક શાંત, સુંદર અને સ્નેહપૂર્ણ જીવન જીવવા ઇચ્છતી હતી. હું માનતી હતી કે વિલિયમ એની વાત નહીં માને, પણ વિલિયમ તો મેરીના પ્રેમમાં એટલો પાગલ હતો કે એણે મેરીની વાત સ્વીકારીને ઇંગ્લૅન્ડના દરબારની હાજરી છોડી દીધી. એ જવલ્લે જ દરબારમાં જતો, બાકી મારા પિતાને હીવર કાસલના વહીવટમાં મદદ કરવા લાગ્યો. મેરી એક શાંત, સુંદર જીવન જીવી રહી હતી ત્યારે મારા મામા હીવર કાસલમાં રહેવા આવ્યા.
થોમસ હાવર્ડ, નોરફ્લોકના ત્રીજા ડ્યૂક. એ ઇંગ્લૅન્ડના રાજાના અંગત મિત્ર હતા. બંને જણ સાથે શરાબ પીતા, શિકાર કરવા જતા ને ક્યારેક રાજાને રસ પડ્યો હોય એવી સ્ત્રીને રાજા સુધી લાવવાનું કામ પણ મારા મામા કરી આપતા. હેન્રી 8માને થોમસ હાવર્ડ પર આંધળો ભરોસો હતો. આ ભરોસાનો ફાયદો ઉઠાવીને મારા મામાએ મારા પિતાને એક જબરજસ્ત વિચાર આપ્યો. આ વિચાર મારી મહત્ત્વકાંક્ષા અને મારા પિતાની લાલચને તરત જ ગમી ગયો.
આ વિચાર નહોતો, ઝેરનું બી હતું. આ નાનકડું બીજ વર્ષો પછી એક વિષવૃક્ષ બનવાનું હતું એ વાતની અમને કોઈને કલ્પના નહોતી... એ વિચાર અંતે મારા શિરચ્છેદ સુધી અમને સૌને લઈ ગયો, કારણ કે અમે મહત્ત્વકાંક્ષા અને લાલચમાં એવા લપટાયા કે અમને સારા અને ખરાબની સમજ રહી નહીં.
(ક્રમશ:)