Sun Sep 06 2026

Logo

અંજારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના રૂ.૧ કરોડના ગેરકાયદે મકાનો પર ફેરવાયું બુલડોઝર

2026-08-12 11:12:00
Author: Mayur Patel
અંજારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના રૂ.૧ કરોડના ગેરકાયદે મકાનો પર ફેરવાયું બુલડોઝર

ભુજ: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંજારના શેખ ટીમ્બા વિસ્તારમાં પ્રોહિબિશન, એનડીપીએસ, છેતરપિંડી, ચોરી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓનો ઈતિહાસ ધરાવતા આરોપીઓના ૫ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ અને અંજાર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે રૂપિયા ૧ કરોડની કિંમતના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં છેતરપિંડી અને ધાકધમકીના આરોપી શબીર ઉર્ફે પીછુ સુલતાનશા શેખ, જુગારધારાના આરોપી અબ્બાસ ઈબ્રાહીમ શેખ, પશુ અત્યાચાર એક્ટના આરોપી કાસમ ઉર્ફે ભૂરો જુસબશા શેખ તેમજ છેતરપિંડીના આરોપી અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાના માર્ગદર્શન હેઠળ જાગીર ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર જોશી, એન્જિનિયર પ્રવીણ કેરાઈ સહિત નગરપાલિકા અને પોલીસ કાફલો આ ડિમોલિશન કાર્યવાહીમાં જોડાયો હતો.

(ઉત્સવ વૈદ્ય)