- અભિમન્યુ મોદી
વાન્ટાબ્લૅક, ધ પિંકેસ્ટ પિંક
‘વાન્ટાબ્લૅક’ એ કોઈ રંગ નથી- એ પ્રકાશની કબર છે અને કબર પર કોઈ એકનો હક ન હોઈ શકે.
જર્મન ફિલસૂફ ફ્રેડરિક નીત્શેનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે : ‘જો તમે લાંબો સમય સુધી કોઈ ખીણ કે શૂન્યાવકાશને તાકી રહો, તો એ શૂન્યાવકાશ પણ તમારી અંદર તાકવા લાગે છે...’
અંધકારનું એક પોતાનું વજન હોય છે. તમે ક્યારેય એવી કોઈ વસ્તુ જોઈ છે જે એટલી બધી કાળી હોય કે તમારી આંખો તેનું પરિમાણ એટલે કે 3D આકાર જ ન પારખી શકે? બ્રિટનની એક કંપનીએ ‘વાન્ટાબ્લૅક’ (Vantablack) નામના એક એવા પદાર્થની શોધ કરી જે પૃથ્વી પરનો સૌથી કાળો પદાર્થ છે. આ પદાર્થ 99.96% પ્રકાશને શોષી લે છે. તમે કોઈ કરચલીવાળા ઍલ્યુમિનિયમ ફૉઇલ પર આ વાન્ટાબ્લૅકનો સ્પ્રે મારો તો એ કરચલીઓ ગાયબ થઈ જાય છે. તમારી આંખોને એવું જ લાગે કે બ્રહ્માંડમાં જાણે કોઈ કાળું છિદ્ર (Black hole) પડી ગયું છે. વાન્ટાબ્લૅક એ કોઈ રંગ નથી, પણ પ્રકાશની ગેરહાજરી છે.
વાન્ટાબ્લૅકનું મૂળ નામ છે ‘વર્ટિકલી અલાઇન્ડ નેનોટ્યૂબ એરેઝ...’ આ કાર્બનની એવી ઝીણી નળીઓ છે જે માનવ વાળ કરતાં પણ હજારો ગણી પાતળી હોય છે. જ્યારે પ્રકાશ આ નળીઓના જંગલમાં પ્રવેશે છે ત્યારે તે બહાર નીકળી શકતો નથી- અંદર ને અંદર ભટકાઈને ઉર્જામાં ફેરવાઈ જાય છે.
મૂળભૂત રીતે આ પદાર્થની શોધ સ્પેસ સાયન્સ અને મિલિટરીના અત્યંત સેન્સેટિવ કૅમેરા અને દૂરબીન માટે કરવામાં આવી હતી, જેથી આજુબાજુના પ્રકાશના રિફ્લેક્શનને રોકી શકાય, પરંતુ આ ચમત્કારિક પદાર્થની એન્ટ્રી જ્યારે કળાના જગતમાં થઈ ત્યારે એક એવો વિસ્ફોટ થયો જેણે માનવ અહંકાર, મૂડીવાદ અને કળાની પવિત્રતા વિશે ગંભીર સવાલો ઊભા કરી દીધા.
આ વિવાદના કેન્દ્રમાં હતા મુંબઈમાં જન્મેલા અને બ્રિટનમાં સ્થાયી થયેલા વિશ્વવિખ્યાત એબસ્ટ્રેક્ટ શિલ્પી અનીશ કપૂર. અનીશ કપૂર કળાના જગતના માંધાતા છે. કરોડો ડૉલરમાં તેમનાં શિલ્પો વેચાય છે. જ્યારે અનીશ કપૂરે વાન્ટાબ્લૅક જોયો ત્યારે તેમની આંખો અંજાઈ ગઈ. તેમણે વિચાર્યું કે જો આ પદાર્થનો ઉપયોગ શિલ્પમાં કરવામાં આવે તો જોનારને એમ જ લાગે કે તે શૂન્યમાં જોઈ રહ્યો છે. અહીં સુધી બધું બરાબર હતું, પણ પછી કપૂરે જે કર્યું તેણે આખા જગતના કલાકારોને ચોંકાવી દીધા.
અનીશ કપૂરે કંપની પાસેથી વાન્ટાબ્લૅકને કળામાં વાપરવાના એક્સક્લુઝિવ રાઇટ્સ ખરીદી લીધા એટલે કે પૃથ્વી પરનો બીજો કોઈ પણ કલાકાર, પેઇન્ટર કે શિલ્પી પોતાના સર્જનમાં વાન્ટાબ્લૅકનો ઉપયોગ કરી શકશે નહીં!
આ કળાના ઇતિહાસની એક અભૂતપૂર્વ અને આઘાતજનક ઘટના હતી. કળા તો ડેમોક્રેટિક હોવી જોઈએ. રંગો પર કોઈની માલિકી કેવી રીતે હોઈ શકે? શું કોઈ માણસ એમ કહી શકે કે આસમાની ભૂરો રંગ ફક્ત હું જ વાપરીશ કે પછી સૂર્યમુખીનો પીળો રંગ ફક્ત મારી જ માલિકીનો છે? આમ વાન્ટાબ્લૅકની મોનોપોલી એ મૂડીવાદની ચરમસીમા હતી. પૈસા અને પાવરના જોરે અનીશ કપૂરે પેલા ‘અંધકાર’ને ખરીદી લીધો હતો, પણ જ્યાં સત્તા અને ઈગો હોય ત્યાં વિદ્રોહ જન્મ લેવાનો. આ કૉર્પોરેટ ઈગો સામે લડવા માટે સ્ટુઅર્ટ સેમ્પલ નામનો એક બ્રિટિશ કલાકાર મેદાનમાં આવ્યો. સ્ટુઅર્ટ કોઈ કરોડોપતિ કલાકાર ન હતો, પણ તેની પાસે આઇડિયાઝ હતા. તેણે પોતાની લૅબમાં દુનિયાનો સૌથી ઘેરો ગુલાબી રંગ બનાવ્યો અને તેને નામ આપ્યું ‘ધ પિંકેસ્ટ પિંક’. સ્ટુઅર્ટે આ રંગ પોતાની વેબસાઇટ પર સાવ નજીવી કિંમતે વેચવા મૂક્યો, પણ એક શરત સાથે! રંગ ખરીદતાં પહેલાં તમારે કાયદાકીય રીતે એક ડિક્લેરેશન સાઇન કરવું પડે કે હું અનીશ કપૂર નથી, હું અનીશ કપૂર સાથે જોડાયેલો નથી અને હું આ રંગ અનીશ કપૂર સુધી પહોંચવા દઈશ નહીં.’
આખી દુનિયાના કલાકારોએ સ્ટુઅર્ટના આ કટાક્ષને વધાવી લીધો. લોકોએ ધૂમ ખરીદી કરી. કળાના જગતમાં આ ‘કલર-વૉર ટ્રેન્ડિંગ’ થઈ ગયું. અનીશ કપૂરનો અહંકાર ઘવાયો. તેમણે કોઈક રીતે સ્ટુઅર્ટનો પિંક રંગ મેળવી લીધો અને પોતાના ‘ઇન્સ્ટાગ્રામ’ પર એક ફોટો મૂક્યો, જેમાં કપૂરની વચલી આંગળી એ ગુલાબી રંગમાં રંગાયેલી હતી! આ એક ડીલ્યુઝનલ કરોડપતિ કલાકારનો બાલિશ અને છીછરો પ્રતિભાવ હતો.
અનીશની આ હરકત પછી સ્ટુઅર્ટ સેમ્પલે એક આખી મૂવમેન્ટ ચલાવી. તેણે ‘ડાયમંડ ડસ્ટ’ નામનો કાચનો ભૂકો બનાવ્યો અને લખ્યું કે આને ખુલ્લા હાથે અડવું નહીં અને ખાસ તો અનીશ કપૂરે તો બિલકુલ નહીં. ધીમે ધીમે સ્ટુઅર્ટે ઓપન-સોર્સ સાયન્ટિસ્ટ્સની મદદથી ‘બ્લૅક 2 અને બ્લૅક 3’ નામના એવા કાળા રંગો બનાવ્યા જે વાન્ટાબ્લૅક જેટલા જ કાળા હતા, પણ તે કોઈ પણ કલાકાર મફતના ભાવે વાપરી શકતો હતો (અલબત્ત, અનીશ કપૂર સિવાય!).
વાન્ટાબ્લૅકનો આ સમગ્ર એપિસોડ માનવ સ્વભાવની એક બહુ મોટી નબળાઈને ખુલ્લી પાડે છે. માણસની માલિકીભાવની ભૂખ અસીમ છે. આપણે જમીન, પાણી, આકાશ, ટેક્નૉલૉજી અને હવે રંગોને પણ પાંજરામાં પૂરવા માગીએ છીએ. કોઈ એક માથાભારે કલાકારે વિચાર્યું કે તે શૂન્યાવકાશ પર પોતાની માલિકીનો સિક્કો મારી દેશે, પણ તે એ ભૂલી ગયો કે જ્યારે કળામાંથી વહેંચવાની ભાવના એટલે કે શૅરિંગની લાગણી ખતમ થઈ જાય ત્યારે તે કળા રહેતી નથી, માત્ર પ્રોડક્ટ બની જાય છે. કળાના પાયામાં ‘કૅરિંગ’ની ભાવના હોવી જોઈએ એવું ઘણા કલાકારોએ કહ્યું છે.
પ્રકાશને શોષી લેતા એ અત્યંત કાળા અંધકારમાંથી એક બહુ તેજસ્વી બોધપાઠ બહાર આવ્યો કે તમે નેનોટ્યૂબ્સમાં પ્રકાશને ભલે કેદ કરી લો, પણ તમે કળાની મુક્ત વહેવાની પ્રકૃતિને કેદ કરી શકતા નથી. અંધકાર પર કોઈની મોનોપોલી નથી હોતી, અને હોવી પણ ન જોઈએ , કારણ કે અંધકાર એ કોઈની જાગીર નથી, એ તો આવનારા પ્રકાશનું કેનવાસ છે.