Wed Jun 17 2026

Logo

સૌને લાગતું હતું કે હું એક સારી અભિનેત્રી બની શકું એમ છું

2026-02-19 08:37:00
Author: Mumbaisamachar Team
Article Image

કથા કોલાજઃ કાજલ ઓઝા-વૈદ્ય

નામ: એન્જેલિના જોલી
સમય: 2026
સ્થળ: લોસ ફેલિઝ, લોસ એન્જલિસ, કેલિફોર્નિયા
ઉંમર: 50 વર્ષ

હું એન્જેલિના વોઈટ હતી. મારી મા માર્શલીને કદી અમારી સરનેમ બદલવાનો પ્રયત્ન જ ન કર્યો. એણે બીજાં લગ્ન પણ ન કર્યાં. મારી મા એક સ્વમાની અને મહેનતુ સ્ત્રી હતી. એણે મારો અને મારા ભાઈનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો. હું છ વર્ષની હતી ત્યારે મારી માની રિલેશનશિપ બિલ ડે નામના એક ફિલ્મમેકર સાથે થઈ. એમણે અનેક સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર ફિલ્મો બનાવી. હોલિવુડના મેઈન સ્ટ્રીમ કલ્ચર સાથે એમને ઝાઝી લેવાદેવા નહોતી, પરંતુ એમણે બનાવેલી ફિલ્મો હંમેશાં ચર્ચામાં રહેતી. 

બિલ ડેએ અનેકવાર આગ્રહ કર્યા છતાં મારી માએ કોઈ દિવસ એની સાથે લગ્ન કરવાનો વિચાર સુધ્ધાં કર્યો નહીં. જોકે, બિલ અને મારી માના સંબંધો ગાઢ અને વિશ્વાસપૂર્ણ રહ્યા. મારી મા વૃધ્ધ થઈને ગુજરી ગઈ ત્યાં સુધી બિલ સાથે એની આત્મિયતા જળવાઈ રહી. બિલ એક સરસ વ્યક્તિ હતા. એ મને અને મારા ભાઈ જેમ્સને ફિલ્મો જોવા લઈ જતા. અમને થિયેટરનો પરિચય બહુ નાની ઉંમરે મારી મા અને બિલને કારણે થયો. અમે લોસ એન્જેલેસમાં રહેતા હતા, પરંતુ મારા પિતાના સતત ઈન્ટરફિયરન્સને કારણે મારી માએ બિલ સાથે ન્યૂયોર્ક શિફ્ટ થવાનું નક્કી કર્યું. 

ન્યૂયોર્કમાં પણ મારી માએ અમારે માટે જુદો અપાર્ટમેન્ટ રાખ્યો હતો. એણે કોઈ દિવસ અમને લઈને બિલ સાથે રહેવાનું પસંદ ન કર્યું, એ માટે હું જીવનભર એનો આભાર માનતી રહી. હું જ્યારે આઠ વર્ષની હતી ત્યારે મને લી સ્ટ્રેસ બર્ગ ચિલ્ડ્રન થિયેટરના એક સમર કેમ્પમાં જવા લાગી. મને અહીંથી અભિનયનો શોખ શરૂ થયો... 1982માં મારા પિતા સાથે ‘લુકિંગ ટુ ગેટ આઉટ’ નામની ફિલ્મમાં મેં બાળ કલાકાર તરીકે કામ કર્યું. એ દિવસોની સ્મૃતિ અદભૂત છે. મારા પિતા મને અભિનયની ઝીણી ઝીણી બારીકીઓ શીખવતા. 

એમના ખોળામાં બેસવાનું મને ગમતું, પરંતુ હું જ્યારે એમને મારી સાથે લઈ જવાનો આગ્રહ કરતી ત્યારે એ મને પૂરી પ્રામાણિકતાથી સમજાવતા કે ‘સ્ટેસીને નહીં ગમે.’ એ વખતે મારા પિતાએ મને સાથે લઈ જવાની ના પાડી, સ્ટેસી જ્યારે સેટ પર આવતી ત્યારે એ મારાથી દૂર થઈ જતા. આ બધા અનુભવોને કારણે મારા મનમાં એમની વિરુધ્ધ તિરસ્કારની ભાવના જાગી. હું એમની સાથે વાત નહીં કરું એવું મેં નાની ઉંમરે જ નક્કી કરી લીધું. 

એ પછી મારા પિતા સાથે કામ કરવાની બે-ત્રણ ફિલ્મની ઓફર આવી, પરંતુ મારી માએ એ ઓફર નકારી. એનું માનવું હતું કે, મારા પિતા સાથે કામ કરીને મને પીડા થાય છે. મારા બાળમાનસ પર વિપરિત અસર થાય છે એટલે એણે પણ મારા પિતાથી દૂર રહેવાના મારા નિર્ણયને પ્રોત્સાહન આપ્યું.  

લી સ્ટ્રેસ બર્ગ થિયેટરમાં સૌને લાગતું હતું કે હું એક સારી અભિનેત્રી બની શકું એમ છું, પરંતુ મારી સ્કૂલમાં મને બૂલી કરવામાં આવતી હતી. હું બહુ સુંદર નહોતી. પાતળી, ઉંચી, ઓછી બ્રેસ્ટ ધરાવતી, બ્રેસીસ અને ચશ્મા પહેરતી એક સાવ સાધારણ છોકરી હતી. અમારા ક્લાસની સુંદર છોકરીઓ મારા થિયેટરના શોખને કારણે મારી મજાક ઉડાવતી. ધીરે ધીરે મેં અભિનેત્રી બનવાનો શોખ છોડી દીધો અને નિર્દેશન કરીશ એવું વિચારવા લાગી... ટીનએજમાં આવતાં સુધીમાં મારા ક્લાસમાં થતું બૂલીંગ એટલું બધું વધી ગયું કે મેં સ્કૂલે જવાનું જ બંધ કરી દીધું. 

એ પછીનો સમય મારી જિંદગીનો અત્યંત એકલવાયો અને અધૂરપનો સમય હતો. 16 વર્ષની ઉંમરે મેં પહેલીવાર આપઘાતનો પ્રયત્ન કર્યો. એ પછી સાયકિયાટ્રીસ્ટની ટ્રીટમેન્ટ ચાલુ હોવા છતાં મને વારંવાર ડિપ્રેશનના હુમલા આવતા. મારી મા મને સમજી શકતી નથી એવું મને સતત લાગતું. જેમ્સ બહુ નાનો હતો એટલે એ મારી મદદ કરી શકે એમ નહોતો. હું ધીરે ધીરે એટલી એકલવાયી થઈ ગઈ કે છ મહિનામાં આઠ બોયફ્રેન્ડ બદલી નાખ્યા. એ પછી મારા જીવનમાં ડેવ આવ્યો. 

એ મ્યુઝિશિયન હતો, મારાથી 12 વર્ષ મોટો. એ મને બાળકીની જેમ ટ્રીટ કરતો. મારા પિતાની જે કમી મને સતત લાગતી હતી એ ડેવની સાથેના સંબંધમાં જાણે પૂરી થતી હોય એવો અનુભવ થવા લાગ્યો. હું એની સાથે મોશિંગ અને ડ્રગ્સ કરવાનું શરૂ કર્યું. એ ગાળામાં મને મોડલિંગના અસાઈન્સમેન્ટ મળ્યા. આત્મવિશ્વાસ આવ્યો અને પૈસા આવવા લાગ્યા. જિંદગીમાં પહેલીવાર કોઈ ફરિયાદ કે ગુસ્સા વગર હું મારી જાત સાથે ખુશ રહેવા લાગી. એક પછી એક મોડેલિંગના અસાઈન્સમેન્ટ મળતા ગયા. 

લોસ એન્જલિસ, લંડન, ન્યૂયોર્ક અને અમેરિકાના બીજા શહેરોમાં ફેશન શો માટે પ્રવાસ કરતાં કરતાં મને અનેક લોકોની ઓળખાણ થઈ. મારા બોયફ્રેન્ડને મારી આવક અને સફળતાથી અસુરક્ષાનો અનુભવ થવા લાગ્યો. એ પૂરતું કમાતો નહોતો, તેમ છતાં મેં ન્યૂયોર્કમાં એક અપાર્ટમેન્ટ ભાડે લીધો અને એની સાથે રહેવા લાગી. હવે મારી પાસે એક દિશા હતી જેને કારણે મેં ફરી એકવાર લી સ્ટ્રેસ બર્ગના થિયેટરના ક્લાસ જોઈન કર્યા. એક વર્ષમાં મારામાં ઘણા ફેરફાર થયા. જિંદગીને થોડી જુદી રીતે જોવાની એક નવા પ્રકારની દ્રષ્ટિ પણ મને આ દિવસોમાં મળી. 

1993માં ‘સાઈબોર્ગ’ અને 1995માં ‘હેકર’ ફિલ્મોએ મને ઘણી પ્રશંસા અપાવી. એ પછી મેં ઘણા બધા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું જેમાં મીટ લોફ (રોક એન્ડ રોલ ડ્રીમ્સ કમ થ્રૂ), એંટોનેલો વેનડિટી (અલ્ટા મારિયા), લેની ક્રેવિટ્જ (સ્ટેંડ બાઇ માઈ વુમન) અને ધ લેમનહેડ્સ (ઇટ્સ અબાઉટ ટાઈમ). ‘વિધાઉટ એવિન્ડેસા’માં એક સપોર્ટિંગ રોલ કર્યો અને ‘એસિડ બર્ન’માં એક હૃદયદ્રાવક રોલ કર્યો. આ બધા સમય દરમિયાન મને લાગતું હતું કે, હું મારા પિતાથી નજીક જઈ રહી છું. અભિનય અમારા બંને વચ્ચે એક કોમન કડી હતી જે અમને જોડતી હતી. 

1996માં ‘લવ ઈઝ ઓલ ધેર’ અને ‘મોજાઓ મૂન’, ‘ફોક્સ ફાયર’ અને ‘પ્લેઈંગ ગોડ’ જેવી ફિલ્મોએ મને ખૂબ સફળતા આપી અને સાથે અનેક એવોર્ડ્સ પણ અપાયા. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા પછી લોકો મને ઓળખતા થયા. 1998માં સુપર મોડલ જિયા કારંગીની બાયોગ્રાફીમાં રોલ કર્યા પછી સતત બીજા વર્ષ માટે ગોલ્ડન ગ્લોબ અને એમ્મી પુરસ્કાર મળ્યો. જિયા કારંગીની ફિલ્મ પછી મારા અભિનયના વખાણ થવા લાગ્યા... 

મને વારંવાર મારા પિતા સાથેનો સંબંધ પુન:પ્રસ્થાપિત કરવાની ઈચ્છા થતી કે, હું મારા પિતાને ફરી એકવાર મળું. મારી માનો એ સામે વિરોધ હતો, પરંતુ મેં 2000માં મારા પિતાનો સંપર્ક કર્યો. એમણે પૂરા સ્નેહ અને હુંફ સાથે મને આવકારી. મને લાગતું હતું કે, એ મારી સાથે સંબંધ નહીં જોડે, પરંતુ એમણે સંબંધો પુન:પ્રસ્થાપિત કરવામાં ખૂબ ઉત્સાહ બતાવ્યો એટલું જ નહીં, 2001માં અમે બે ફિલ્મો સાથે કરી. મારે સ્વીકારવું જોઈએ કે મારા પિતાની ઓળખાણ અને સંબંધોને લીધે મને હોલિવુડમાં કામ મળવાનું શરૂ થયું, પરંતુ લગભગ દોઢ વર્ષના સંબંધ પછી મને સમજાયું કે મારા પિતા એક સ્વાર્થી અને સેલ્ફ સેન્ટર્ડ માણસ છે. 

2002માં મેં ‘વોઈટ’ સરનેમ છોડીને કાયદેસર રીતે મારું નામ ‘એન્જેલિના જોલી’ કર્યું. એ પછી મારા પિતાના અહંકાર પર મોટો ધક્કો લાગ્યો. એમણે બે-ચાર અખબારોને ઈન્ટરવ્યૂ આપ્યા, જેમાં એમણે કહ્યું કે, હું માનસિક રીતે વિક્ષિપ્ત છું. હું નશીલી દવાઓ લઉં છું. મારે રિહેબમાં જવાની જરૂર છે. આ વાતથી મને પણ બહુ દુ:ખ થયું. એ જ મેગેઝિન જ્યારે મારી પાસે એમના આ ઈન્ટરવ્યૂનો જવાબ માગવા આવ્યા ત્યારે મારી માએ આપેલી સલાહ મુજબ મેં પત્રકારોને કહ્યું કે, ‘એ વાત સાચી છે કે હું અને મારા પિતા એકબીજા સાથે વાત નથી કરતા, પરંતુ મને એમના વિશે કોઈ કડવાશ નથી. 

લોહીના સંબંધોમાં હું નથી માનતી. હું માનું છું કે સંબંધો લાગણીના હોય છે અને અમારી વચ્ચે પિતા-પુત્રીની લાગણીનો સેતુ ક્યારેય ઉભો થઈ શક્યો નહીં એનો મને અફસોસ છે.’ મેં જ્યારે આ ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારે હું માત્ર 27 વર્ષની હતી. કદી મેં વિચાર્યું પણ નહોતું કે, હું વિશ્વમાંથી બાળકોને દત્તક લઈશ અને એમની સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં એ બાળકો મારે માટે મારા જીવનનો આધાર બની જશે...  (ક્રમશ:)