(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીમાંથી એકત્રિત કરાયેલા સૂકા કચરાને રિસાયક્લિંગ માટે નિર્ધારિત વર્ગીકરણ કેન્દ્ર પર લઈ જવાને બદલે મોગરા નાળામાં ઠાલવવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે ઓશિવરા પોલીસે ડ્રાય વેસ્ટ કલેકશન સેન્ટરનું સંચાલન કરનારી સંસ્થાના પ્રમુખ સામે એફઆઈઆર નોંધ્યો છે.
સોશિયલ મીડિયા પર ૧૪ સપ્ટેમ્બરના અંધેરી પશ્ર્ચિમમાં લોંખડવાલા બેક રોડ પર મોગરા નાળાં નજીક સૂકો કચરો ઠાલવવામાં આવતો હોવાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. એ બાદ પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જુનિયર સુપરવાઈઝર ૫૪ વર્ષીય અનીશ બોરિચાની ફરિયાદ બાદ બુધવારે રાત્રે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, ૧૪ સપ્ટેમ્બરે બપોરે ૧૨.૩૧ વાગ્યે અપલોડ કરાયેલી સોશ્યલ મીડિયા પોસ્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અંધેરી વેસ્ટમાં એકત્રિત કરાયેલો કચરો મોગરા નાળામાં ઠાલવવા માટે બીએમસીના ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬(સી) (જાહેર ડ્રેનેજમાં અવરોધ કે પાણી ભરાઈ રહે તેવી સ્થિતિ ઊભી કરવી જેનાથી નુકસાન થાય), ૨૭૦ (જાહેર ઉપદ્રવ), ૨૭૧ (જીવલેણ રોગનો ચેપ ફેલાવી શકે તેવું બેદરકારીભર્યું કૃત્ય) અને ૩૨૪(૩) (સરકારી કે સ્થાનિક સત્તામંડળની મિલકત સહિતની મિલકતને નુકસાન કે હાનિ પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો છે.
એફઆઈઆરમાં જણાવાયું છે કે બીએમસીએ સૂકા કચરાના વ્યવસ્થાપન માટે અંધેરી વિભાગને ૧૬ વિભાગમાં વહેંચ્યો છે. ‘આકાર મુંબઈ’ નામની ખાનગી સંસ્થાને આ વિભાગોમાંથી સૂકો કચરો એકત્રિત કરવાની અને તેને રિસાયક્લિંગ માટે નિર્ધારિત સૂકા કચરાના સોર્ટિંગ સેન્ટરો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ફરિયાદમાં ત્રણ સોર્ટિંગ સેન્ટરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એક જોગેશ્ર્વરી વેસ્ટમાં અજીત ગ્લાસ ખાતેની બીજી વીરા દેસાઈ રોડ પર યશ રાજ સ્ટુડિયોની પાછળ અને ત્રીજી જુહુ-વર્સોવા લિંક રોડ પર કપાસવાડી ખાતેની સંસ્થાનો સમાવેશ થાય છે.
ફરિયાદ મુજબ ત્રણેય કેન્દ્રો ‘આકાર મુંબઈ’ના નિયંત્રણ હેઠળ છે. પાલિકાના કર્મચારીની ફરિયાદ મુજબ ‘રાજકુમાર ચોકી’ વિભાગમાંથી એકત્રિત કરાયેલા સૂકા કચરાને આ નિર્ધારિત કેન્દ્રોમાંથી કોઈ એક પર લઈ જવાનો હતો. તેના બદલે કચરો મોગરા નાળામાં ઠાલવી દેવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આરોપો નોંધાયેલા છે પણ તપાસ દરમ્યાન પોલીસે આ આરોપોની તપાસ કરવી પડશે.
સાત દિવસમાં તમામ સેગ્રીગ્રેશન સેન્ટરની તપાસ થશે
મોગરા નાળામાં એક વાહન દ્વારા કથિત રીતે એકત્રિત સૂકો કચરો ફેંકવામાં આવ્યો હોવાની ઘટના બાદ પાલિકાએ શહેરવ્યાપી નિરીક્ષણ અને સૂકા કચરા સંગ્રહ અને અલગીકરણ કેન્દ્રોનું કડક નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. પાલિકાએ નિર્ધારિત એસઓપીમાં તમામ આસિસ્ટન્ટ કમિશનરોને તેમના સંબંધિત વોર્ડમાં દરેક ડ્રાય વેસ્ટ કલેકનશ ઍન્ડ સેગ્રીગેશનલ સેન્ટરનું સાત દિવસની અંદર ઈન્સ્પેકશન કરવાનો નિર્દેશ આપ્યો છે. ઈન્સ્પેકશન દરમ્યાન અધિકારીઓને ઓપરેટરોના વર્ક ઓર્ડરની માન્યતા, તહેનાત વાહનો અને ડ્રાઇવરોની વિગતો અને વાહનોમાં સ્થાપિત જીપીએસ/વેહિકલ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ (વીટીએમએસ) ઉપકરણો કાર્યરત છે કે કેમ તે ચકાસવા માટે કહેવામાં આવ્યું છે.
પેટા કૉન્ટ્રેક્ટની નોંધ લેવી પડશે
અધિકારીઓએ દરેક કેન્દ્ર પર સ્રોત મુજબ કચરાના સંગ્રહ અને ટ્રીપ રેકોર્ડ, પ્રાપ્ત, પુન:પ્રાપ્ત, અસ્વીકૃત અને મોકલવામાં આવેલા કચરાના દૈનિક જથ્થા તેમજ ક્લોઝિંગ સ્ટોકની પણ તપાસ કરવી પડશે. રિસાયકલર્સ અને પ્રોસેસિંગ સુવિધાઓ પાસેથી પ્રાપ્તિઓ અને અધિકૃતતાઓ, અને અસ્વીકૃત પ્રક્રિયાના અંતિમ સ્થળની પણ તપાસ કરવામાં આવશે. પાલિકાના અધિકારીઓને કેન્દ્રો પર સીસીટીવી કવરેજ અને ફૂટેજની જાળવણીની તપાસ કરવા અને અગ્નિ સલામતી, ગૃહનિર્માણ અને કચરાના સંગ્રહના ધોરણોનું પાલન તપાસવાનો પણ આદેશ આપ્યો છે. કોઈપણ અનધિકૃત પેટા કૉન્ટ્રેક્ટ અથવા કચરાના ડાયવર્ઝનની નોંધ લેવી પડશે.