Fri Sep 04 2026

Logo

પાર્કિંગ માટે મદદ કરી રહેલા પિતા પર પુત્રએ ટેમ્પો ચઢાવી દીધો

2026-05-08 10:13:00
Author: Yogesh C. Patel
પાર્કિંગ માટે મદદ કરી રહેલા પિતા પર પુત્રએ ટેમ્પો ચઢાવી દીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બીએમસીના પે ઍન્ડ પાર્કિંગના બેઝમેન્ટમાં પુત્રને ટેમ્પો પાર્ક કરવા માટે મદદ કરી રહેલા પિતા પર જ ટેમ્પો ફરી વળી હોવાની આંચકાજનક ઘટના અંધેરીમાં બની હતી. ટેમ્પોના ટાયર નીચે કચડાયેલા પિતાનું મૃત્યુ થતાં પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

એમઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની સાંજે 4.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં રામદીન સુંદર યાદવે (46) જીવ ગુમાવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર રામદીન પુત્ર શુભમ યાદવ (20) સાથે સહાર કાર્ગોમાંથી ટેમ્પોમાં સામાન ભરીને મરોલમાં મકવાણા રોડ ખાતેના બીએમસી પાર્કિંગ ખાતે આવ્યો હતો. બેઝમેન્ટમાં ટેમ્પો પાર્ક કરવા માટે શુભમ ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો, જ્યારે રામદીન ટેમ્પોમાંથી નીચે ઊતરીને માર્ગદર્શન કરી રહ્યો હતો.

કહેવાય છે કે બે પિલર વચ્ચે ટેમ્પો વ્યવસ્થિત પાર્ક થાય તે માટે રામદીન પુત્ર શુભમને સૂચના આપી રહ્યો હતો. તે સમયે રામદીન ટેમ્પોની આગળ ઊભો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર શુભમે ભૂલથી એક્સિલરેટર દબાવતાં ટેમ્પો ઝડપભેર આગળ વધ્યો હતો અને રામદીન પર ફરી વળ્યો હતો. તરત ટેમ્પોમાંથી ઊતરીને શુભમે જોતાં બેભાન પિતાના માથામાંથી લોહી વહી રહ્યું હતું. જોકે રામદીનનો પગ ટેમ્પોના પાછલા ટાયરની નીચે ફસાઈ ગયો હતો.

ક્ધટ્રોલ રૂમમાંથી માહિતી મળતાં એમઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટેમ્પોને તેના સ્થાનેથી ખસેડી રામદીનનો પગ ટાયર નીચેથી કાઢવામાં આવ્યો હતો. કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયેલા રામદીનને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે પોલીસે જ ફરિયાદી બની શુભમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.