(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયબર ફ્રોડના આંચકાજનક કેસમાં અંધેરીમાં રહેતા અને ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના કેસમાં કથિત સાઠગાંઠનો ડર બતાવી ‘ડિજિટલ અરેસ્ટ’ને નામે અધધધ 7.89 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસ દ્વારા અલર્ટ કરાયા બાદ મુંબઈના વેસ્ટ રિજન સાયબર સેલના અધિકારીઓ 73 વર્ષના બિઝનેસમૅનના ઘરે પહોંચ્યા ત્યારે આ સાયબર ફ્રોડની જાણ થઈ હતી. બિઝનેસમૅનની ફરિયાદને આધારે સાયબર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પાંચમી જુલાઈથી 18 જુલાઈ દરમિયાન ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતાંમાં 7.89 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ફરિયાદી નબળા સ્વાસ્થ્યને કારણે છેલ્લા કેટલાક મહિનાથી ઘરે જ હોય છે.
પાંચમી જુલાઈએ ફરિયાદીને એક વીડિયો કૉલ આવ્યો હતો, જેમાં આરોપીએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી. કૉલ કરનારા શખસે દાવો કર્યો હતો કે ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ એક બૅન્ક ખાતું ખોલાવવામાં થયો છે. એ બૅન્ક ખાતું કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનવાળા એક ક્રિમિનલ કેસ સાથે સંકળાયેલું છે.
જે નંબર પરથી ફરિયાદીને કૉલ આવ્યો હતો તેના વૉટ્સઍપ પરની પ્રોફાઈલ તસવીરમાં દિલ્હી પોલીસનો લોગો નજરે પડતો હતો, જેને પગલે ખરેખર પોલીસે કૉલ કર્યો હોવાનું ફરિયાદીને લાગ્યું હતું. આ રાષ્ટ્રીય સુરક્ષાને લગતો મામલો હોવાથી તે અંગે કોઈની પણ સાથે ચર્ચા ન કરવાની સૂચના આરોપીએ આપી હતી.
ફરિયાદ અનુસાર કૉલ કરનારા શખસે તેના ઉપરી અધિકારીને ફોન ટ્રાન્સફર કર્યો હતો, જેણે સાત કરોડ રૂપિયાની લેવડદેવડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસની તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. પૂછપરછ પછી ફરિયાદીની ધરપકડની વાત કરનારા આરોપીએ બોગસ અરેસ્ટ વૉરન્ટ પણ વૉટ્સઍપ પર ફરિયાદીને મોકલ્યા હતા.
ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી આરોપીઓએ ફરિયાદીની આર્થિક માહિતી મેળવી હતી. એક મહિલા અધિકારીએ કૉલ કરીને ફરિયાદીના બૅન્ક ખાતાં, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને અન્ય રોકાણ સંબંધી વિગતો લીધી હતી અને તપાસમાં સહકાર માટે ફરિયાદીને મનાવી લીધા હતા.
મહિલા અધિકારીએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તપાસના ભાગ રૂપે તમારે બૅન્ક ખાતાઓમાં રકમ જમા કરવાની રહેશે અને તપાસ બાદ તે રકમ ફરી તમને ટ્રાન્સફર કરવામાં આવશે. આરોપીના કહેવા પ્રમાણે ફરિયાદીએ મોટી રકમ ટ્રાન્સફર પણ કરી દીધી હતી. જોકે આરોપી દ્વારા વધુ નાણાંની માગણી કરવામાં આવી રહી હતી, પરંતુ 17 જુલાઈએ મુંબઈની સાયબર પોલીસ ઘરે પહોંચી ત્યારે ફરિયાદીને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.