(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ત્રંબોવાડ-ખડિયારાપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં બુધવારે ઘરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો. રાત્રે સૂઈ રહેલા પરિવારના સભ્યએ જ્યારે બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં લગભગ 7 ફૂટ લાંબો મગર બેઠો હતો. આ દ્રશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા હતા.
ગભરાયેલા પરિવારે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન રક્ષકની દેખરેખ હેઠળ એક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જેણે બાથરૂમ જેવી સાંકડી અને નાની જગ્યામાં બેઠેલા મગરને પકડવો સરળ ન હતો, પરંતુ રેસ્ક્યુ ટીમે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.
રેસ્ક્યુ બાદ આ મગરને નજીકમાં આવેલા મલાતજ ગામના તળાવમાં તેના કુદરતી આવાસમાં છોડી દેવામાં આવ્યો હતો, જ્યાં અગાઉથી જ 100 વધુ મગરો વસવાટ કરે છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસામાં જળાશયોના જળસ્તરમાં ઝડપી વધારો થવાના કારણે મગરો ખોરાકની શોધમાં અથવા શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પાણીની બહાર આવીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે.