આણંદઃ રાજ્યમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક સાયબર ફ્રોડના સમાચાર આવતા રહે છે. ઘણી વખત વ્યક્તિને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે તેવી ખબર પડતાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી દેતા હોય છે. કાયદાકીય પ્રોસેસ બાદ ભોગ બનનારનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે છે. નવેમ્બર 2025માં એક 62 વર્ષીય નિવૃત્ત ક્લાસ-I સરકારી અધિકારીએ સાયબર ઠગોના કારણે ₹95 લાખ ગુમાવ્યા હતા. તેમની પુત્રીના લગ્ન આ વર્ષે એપ્રિલમાં નક્કી થયા હતા. આણંદ સાયબર ક્રાઈમ સેલે નાણાકીય ટ્રેલ એનાલિસિસ શરૂ કર્યું, ચાર મહિના દરમિયાન આ નેટવર્ક સાથે જોડાયેલા અંદાજે 450 બેંક ખાતાઓ શોધી કાઢ્યા અને મ્યુલ એકાઉન્ટ્સમાં ₹26 લાખ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારી પાસે અન્ય અંદાજે 100 પીડિતો હતા જેમની સાથે પણ આ જ સમયગાળા દરમિયાન કરોડોની છેતરપિંડી થઈ હતી. નિવૃત્ત અધિકારીના ₹26 લાખની સાથે, કુલ ₹1,46,76,394 ફ્રીઝ કરવામાં સફળ રહ્યા હતા. અમે તમામ દસ્તાવેજો એકત્ર કર્યા, રેકોર્ડ સમયમાં કોર્ટની પરવાનગી મેળવી અને સોમવારે પીડિતોને નાણાં પરત કર્યા હતા. જ્યારે પૈસા પરત મળ્યા ત્યારે નિવૃત્ત અધિકારી ભાવુક થઈ રડી પડ્યા હતા. સૂત્રોઓ વધુમાં ઉમેર્યું કે, જોકે અમે તેમણે ગુમાવેલા ₹95 લાખમાંથી માત્ર ₹26 લાખ જ રિકવર કરી શક્યા છીએ, પરંતુ ઓછામાં ઓછું તેઓ હવે તેમની પુત્રીના લગ્ન સારી રીતે કરી શકશે.
અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકરાઘવેન્દ્ર વત્સએ જણાવ્યું હતું કે, આટલા ટૂંકા સમયમાં રાજ્યના કોઈપણ જિલ્લા દ્વારા કરવામાં આવેલી આ સૌથી વધુ રિકવરી છે.અમે આને એક વણલખ્યો નિયમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે પણ રકમ બચાવી લેવામાં આવે, તે પીડિતોને ઝડપથી પરત મળવી જોઈએ."
સાયબર ક્રાઈમ યુનિટ ₹450 કરોડના ફ્રોડ રેકેટની પણ તપાસ કરી રહ્યું છે, જેના માસ્ટરમાઈન્ડ હજુ પણ ફરાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઓપરેશનના સ્કેલથી એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. એકવાર પૈસા ઉપડી જાય પછી, તે તરત જ સેંકડો મ્યુલ એકાઉન્ટ્સમાં વહેંચાઈ જાય છે. અગાઉ અમને દુબઈ અને પાકિસ્તાનથી ઓપરેટ કરતા સ્કેમર્સની લિંક મળી હતી, પરંતુ હવે મની ટ્રેલમાં એક નવો દેશ — યુગાન્ડા — સપાટી પર આવ્યો છે. તપાસકર્તાઓએ ચેતવણી આપી છે કે પીડિતોએ છેતરપિંડી થયાના પહેલા એક કલાકમાં જ 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર રિપોર્ટ કરવો જોઈએ. મિનિટોમાં જ પૈસા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દેવામાં આવે છે અને દેશની બહાર મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ રિકવરી અત્યંત મુશ્કેલ બની જાય છે.
ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયો હતો પ્રશ્ન
અમદાવાદના મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્ય અમૂલ ભટ્ટે પૂછ્યું, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સાયબર હેલ્પલાઈન થકી ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટમાં નિર્દોષ નાગરિકોના કુલ કેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા છે? અનફ્રીઝ બેંક એકાઉન્ટ ખોલાવવવા અરજી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ અને તેનું સ્ટેટ્સ જાણવા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ?
આ અંગેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, 01-01-2024 થી 31-12-2024 સુધીમાં 2,47,587 તથા 01-01-2025થી 31-12-2025 સુધીમાં 37,192 મળી કુલ 2,84,779 બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. અનફ્રીઝ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે નાગરિકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડે છે. અરજદારો રૂબરુ હાજર રહેવાની જરૂરિયાત રહેતી નથી.
આ ઉપરાંત સરકારે કહ્યું, બેંક એકાઉન્ટ ખોલાવવા અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ જાણવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કચેરી ખાતે ફોન કરીને તેમજ વોટ્સએપથી બેંક ખાતું ખોલાવવા કરેલી અરજી બાબતે સ્ટેટસ જાણી શકાય છે.