અમરેલી: રાજ્યભરમાં ચકચાર મચાવનારા SD PAY-APNA PAY કૌભાંડમાં પોલીસ તપાસ આગળ વધતાં દરરોજ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. લોકોને માસિક ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવાના આ કેસમાં 10 લાખથી વધુ યુઝર્સ સંડોવાયેલા હોવાની વિગતો ખૂલી છે. પોલીસે અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે 11 શંકાસ્પદ આરોપીઓ પોલીસની રડારમાં છે. સમગ્ર મામલાની ગંભીરતા જોતાં SIT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આરોપીઓએ સુનિયોજિત કાવતરું રચી રોકાણકારોને SD PAY નામની ઓનલાઇન એપ્લિકેશનમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. જેમાં દર મહિને 9 ટકા વળતર, કેશબેક અને અન્ય આકર્ષક સ્કીમોની લાલચ અપાઈ હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતવા શરૂઆતમાં રિટર્ન અને કેશબેક ચૂકવાયું હતું. જોકે, કરોડો રૂપિયા એકઠા થઈ ગયા બાદ એપ્લિકેશનની તમામ સેવાઓ અચાનક બંધ કરી દેવાઈ હતી અને તેનું નામ બદલીને APNA PAY કરી દેવાયું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે એક મુખ્ય આરોપીના રેફરલથી પ્રથમ લેવલે 271 લોકોને જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ મલ્ટિ-લેવલ સિસ્ટમથી અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને આ જાળમાં ફસાવવામાં આવ્યા હતા. એપ ડેવલપરના સ્ત્રોતો પરથી મળેલી માહિતી અનુસાર દેશભરમાંથી આશરે 10 લાખથી વધુ યુઝર્સ આ એપ્લિકેશન સાથે જોડાયેલા હોવાની આશંકા છે.
અમરેલી એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસમાં આશરે 7 શંકાસ્પદ કંપનીઓના નામો ખુલ્યા છે. આ કંપનીઓ સાથે સંકળાયેલા 17 બેંક ખાતાઓમાં રૂ. 1,060 કરોડથી વધુના જંગી ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જોકે, આ આંકડો કુલ વ્યવહારોનો છે, ઠગાઈની અંતિમ રકમ નથી. હાલ આ તમામ 17 ખાતાઓ ફ્રીઝ કરી દેવાયા છે. NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ પૈકીના 12 ખાતાઓ સામે 83 સાયબર ફ્રોડની ફરિયાદો અને રૂ. 23.08 કરોડની છેતરપિંડી નોંધાયેલી જોવા મળી છે.
9 આરોપીઓ જેલના સળિયા પાછળ, 11ની શોધખોળ
પોલીસે ઓડિશાથી ધવલ પટેલ અને હિરેન શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે 16 સપ્ટેમ્બરે ભાવેશ ધનેચાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં નરેન્દ્રસિંહ સોલંકી, મુકેશ લોધી અને સંતોષ પાઠક સહિત અન્ય 11 શંકાસ્પદોની ઓળખ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 242 સાક્ષીઓના નિવેદનો નોંધાયા છે. હાલ પોલીસ રોકાણકારોના નાણાં ક્યાં ટ્રાન્સફર થયા અને સોશિયલ મીડિયા પર પ્રમોશન પાછળ કોણ સક્રિય હતું તે દિશામાં મની ટ્રેઇલની ઝીણવટભરી તપાસ કરી રહી છે.