Thu Jun 11 2026

Logo

અમરેલી પાલિકાનું 2026-27નું રૂ. 1.13 અબજનું બજેટ મંજૂર; જાણો શહેરને શું શું મળશે?

2026-02-20 21:43:00
Author: Devayat
Article Image

અમરેલી: અમરેલી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં અમરેલી નગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં કુલ રૂ. 1,13,44,44,000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ રૂ. ૯,૩૧,૦૦૦ ની પુરાંતવાળુ બજેટ છે. 

અમરેલી શહેરની સુખ સુવિધાઓમાં વધારો થાય તેમજ નાગરિકોની સુખાકારી વધે તે લક્ષ્યાંક સાથે શહેરી સુવિધાઓમાં વધારો થશે, રોડ રસ્તાના આધુનિકીકરણ પર ફોકસ થશે, મોડેલ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનની યોજનાકીય ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ૫ કરોડના ખર્ચે શહેરના અલગ અલગ સ્થળોએ એલ.ઈ.ડી લાઈટીંગ પોલ, એન્ટ્રી લાઈટીંગ ગેટ, બોક્ષ કલ્વર્ટ, પાણીના બોર, અવેડા, આંગણવાડીઓને કંપાઉન્ડ વોલ, ઓક્સિજન પાર્ક, વૃક્ષારોપણ, સી.સી રોડ રસ્તા, તેમજ સ્પોર્ટ્સ લગત સુવિધાઓ વધશે. 

ઉપરાંત સરકારની ઓ.જી. ગ્રાન્ટ હેઠળ અંદાજે રૂ. ૫ કરોડના ખર્ચે આઉટગ્રોથ વિસ્તારમાં રોડ રસ્તાના વિકાસકાર્યો, તેમજ ગૌરવપથ હેઠળની ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૫ કરોડના ખર્ચે શહેરના મુખ્ય ત્રણ રસ્તાઓ સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઈન્ટથી મણીનગર રોડ, ભીડભંજન મહાદેવ મંદિર થી ચક્કરગઢ રોડ બાયપાસને આઈકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. "મુખ્યમંત્રી શહેરી સડક યોજના" હેઠળ અંદાજિત રૂ. ૫ કરોડના ખર્ચે શહેરના રોડ રસ્તાઓના વિકાસકામો પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંતસ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવશે. 

શહેરના લાઠી રોડ પર નવો ટાઉનહોલ બનાવવામાં આવશે. શહેર સુંદર યોજના હેઠળ રૂ. ૧૨૫ લાખના ખર્ચે રસ્તાઓના બ્યૂટીફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે. જિલ્લાકક્ષાનું અદ્યતન ફાયર સ્ટેશન આકાર પામશે જેના થકી આગ લાગવાની આકસ્મિક ઘટનાઓ સમયે મદદ મળશે. શહેરના બાયપાસ રોડ પર આવેલ રોકડીયા સરોવરને અમૃત સરોવર તરીકે વિકસિત કરવામાં આવશે.આ બજેટમાં શહેરના લોકોની પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને સર્વાંગી વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.