Mon Sep 07 2026

Logo

જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે મળવા ગયો પ્રેમી, પરિવારજનો જાગી ગયા ને પછી.......

Gujarat   2026-06-13 09:09:00
Author: Mayur Patel
જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે મળવા ગયો પ્રેમી, પરિવારજનો જાગી ગયા ને પછી.......

અમરેલીઃ જાફરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મધરાતે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને યુવતીના પરિવારજનોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ તેને મારીને અધમૂઓ કરી નાખ્યો હતો. ગંભીર ઈજાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

શું છે મામલો

જાફરાબાદ કડિયાળી ગામના એક યુવકને ગામની જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે તે મધરાતે પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવારજનો જાગી ગયા હતા અને યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો.  દીકરી સાથેના પ્રેમ સંબંધથી નારાજ પરિવારજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે ઉશ્કેરાઈને પ્રેમી પર લાકડીઓ અને ઘાતક હથિયારો વડે તૂટી પડીને ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું.

પરિવારજનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં અસહ્ય પીડાને કારણે પ્રેમીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટના વાયુવેગે પ્રસરતા ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને જાફરાબાદ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક અસરથી કડિયાળી ગામે દોડી ગયો હતો. પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને મૃતકનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે  ખસેડ્યો હતો. હાલ પોલીસે કાવતરું રચીને હત્યા કરનારા યુવતીના પરિવારના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી.